Vaibhav Suryavanshi: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ભારતીય ટીમમાં જગ્યા બનાવનાર 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીના માતા-પિતાને એક ખાસ અપીલ કરી છે. વૈભવની પસંદગી આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ પ્રવાસની સાથે-સાથે એશિયન ગેમ્સ માટેની ભારતની T20 ટીમમાં થઈ છે. આ ઉપરાંત તે ટ્રાઈ સિરીઝ માટે ઇન્ડિયા-A ટીમનો પણ ભાગ છે.
વૈભવના માતા-પિતાને શું છે BCCI ની અપીલ?
આ પણ વાંચો
વૈભવ સૂર્યવંશીની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને BCCI દ્વારા તેના માતા-પિતાને શ્રીલંકા પ્રવાસ ઉપરાંત ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડના પ્રવાસમાં પણ તેની સાથે જવાની અપીલ કરી છે.
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતા જણાવ્યું કે, "વૈભવ શ્રીલંકા જનારી ઇન્ડિયા-A ટીમમાં પણ છે. તે હાલમાં બાળક છે, હજુ પણ સગીર છે. તે પુરુષ ટીમ સાથે જશે જે બધા પુખ્ત વયના છે. તેથી અમે તેના માતા-પિતા અથવા તેના પરિવારમાંથી કોઈને તેની સાથે શ્રીલંકા મોકલવાની અપીલ કરી છે."
BCCI પૂરો સાથ આપશે: પિતા શ્રીલંકા સાથે જશે
સામાન્ય સંજોગોમાં બોર્ડ ખેલાડીઓના પરિવારજનોને સાથે મોકલતું નથી, પરંતુ વૈભવના કિસ્સામાં બોર્ડ વિશેષ ધ્યાન રાખી રહ્યું છે. સેક્રેટરીએ વધુમાં જણાવ્યું કે, "અમે સામાન્ય રીતે માતા-પિતાને મોકલતા નથી, પરંતુ તે માત્ર 15 વર્ષનો છે તો અમે ઈચ્છીએ છીએ કે તે સહજ અનુભવે." બોર્ડની આ અપીલ અને વિચારસરણી બાદ વૈભવના પિતા તેની સાથે શ્રીલંકા પ્રવાસે જઈ રહ્યા છે.
આ ઉપરાંત, દેવજીત સૈકિયાએ ખાતરી આપી છે કે જો પરિવારમાંથી કોઈ ઇંગ્લેન્ડ પ્રવાસે પણ જવા માંગશે તો BCCI તેમને પૂરો સાથ આપશે. તેમણે કહ્યું, "તે હાલમાં બાળક છે, તેને સિનિયર ખેલાડીઓ સાથે ભળવામાં થોડો સમય લાગશે, તેથી અમે તેની મદદ કરી રહ્યા છીએ."
આ પણ વાંચો: "મેં મારું બધું જ દાવ પર લગાવી દીધું" - વૈભવ સૂર્યવંશીના પિતાએ જણાવ્યો સફળતા પાછળનો સંઘર્ષ
IPL 2026 માં વૈભવનું શાનદાર પ્રદર્શન
વૈભવ સૂર્યવંશીએ છેલ્લા બે વર્ષમાં જે પ્રકારની શાનદાર બેટિંગ કરી છે તેને ધ્યાનમાં રાખીને જ સિલેક્ટર્સે તેને આ મોટી તક આપી છે. હાલમાં જ પૂર્ણ થયેલી IPL 2026 માં વૈભવે 16 મેચોમાં 776 રન ફટકાર્યા હતા. આ જબરદસ્ત પ્રદર્શન સાથે તે IPL 2026 માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો, જેનું ઈનામ હવે તેને મળી ગયું છે.
