Ashwin on Rishabh Pant: શ્રીલંકા સામેની તાજેતરની ટેસ્ટ શ્રેણી બાદ ભારતીય ટીમનો અનુભવી વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત તેના અવિચારી શોટ સિલેક્શનને કારણે ફરી વિવાદોમાં સપડાયો છે. પૂર્વ ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને પોતાના યુટ્યુબ ચેનલ પર પંતના નિર્ણયો અને રમવાની શૈલી સામે આકરા સવાલો ઉઠાવતા સ્પષ્ટ કહ્યું છે કે પંત હજુ સુધી પોતાની ક્ષમતા મુજબ જવાબદારીપૂર્વક રમી રહ્યો નથી.
શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની સીરીઝમાં પંતે બે અડધી સદી સાથે 168 રન બનાવ્યા હતા, પરંતુ ટીમની જરૂરિયાત સમયે ટીકીને રમવાને બદલે અણધડ શોટ રમીને આઉટ થવાની તેની આદત પર અશ્વિન ભારે ગુસ્સે થયો છે.
અશ્વિનનો આકરો પ્રહાર
અશ્વિને પંતના આક્રમક વલણ પર સવાલ ઉઠાવતા ભારપૂર્વક કહ્યું કે, સ્વાભાવિક રમત રમવાની વાત અલગ છે, પરંતુ સ્થિતિ સમજ્યા વગર જોખમી શોટ રમવા તે ટીમને નુકસાન પહોંચાડે છે. અશ્વિને આકરા પ્રહાર કરતા કહ્યું કે- મેચ હારવા માટે આખી મેચ બગાડવાની જરૂર નથી હોતી, ટેસ્ટ મેચ ગુમાવવા માટે માત્ર એક ક્ષણની મૂર્ખામી જ કાફી હોય છે.
સિડની અને બ્રિસ્બેનમાં પંતે રમેલી શાનદાર ઇનિંગ્સનો ઉલ્લેખ કરતા અશ્વિને સ્પષ્ટ કર્યું કે તે જીતમાં વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુર જેવા ખેલાડીઓનું પણ યોગદાન હતું. ટેસ્ટ મેચ 11 ખેલાડીઓથી જિતાય છે, પરંતુ એક ખેલાડીની ગંભીર ભૂલ આખી મેચ હરાવી શકે છે.
સહેવાગ અને ગિલક્રિસ્ટ સાથે સરખામણી પર વાંધો
ઘણા સમયથી ક્રિકેટ સમીક્ષકો અને ચાહકો ઋષભ પંતની સરખામણી વીરેન્દ્ર સહેવાગ અને એડમ ગિલક્રિસ્ટ જેવા દિગ્ગજો સાથે કરે છે. આ સરખામણીને સંપૂર્ણપણે નકારી કાઢતા અશ્વિને તીખા શબ્દોમાં કહ્યું- સહવાગ અને ગિલક્રિસ્ટ ચોક્કસપણે આક્રમક ક્રિકેટ રમતા હતા, પરંતુ જ્યારે ટીમ 500 રન પાછળ હોય ત્યારે માર્કો જેન્સેન જેવા ફાસ્ટ બોલર સામે આગળ વધીને બેજવાબદાર શોટ મારીને આઉટ નહોતા થતા.
અશ્વિને ઉમેર્યું કે- મારી સામે આવી માર્કેટીંગ વાળી વાતો ક્યારેય ન કરવી કે પંત આમ જ રમે છે. ટીમની જરૂરિયાત શું છે તે સૌથી વધુ મહત્વનું છે.
50થી વધુ ટેસ્ટનો અનુભવ: હવે જવાબદારી લેવી પડશે
પંતને 'પેઢીમાં એક જ વાર આવતો ખેલાડી' ગણાવીને વિશેષ છૂટછાટ આપવાની વાત સાથે અશ્વિન અસહમત થયો હતો. તેમણે યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓનું ઉદાહરણ આપતા કહ્યું કે પંત હવે કોઈ નવોદિત ખેલાડી નથી.
અશ્વિને સ્પષ્ટપણે કહ્યું કે- મને ખેલાડી તરીકે પંત ખૂબ જ પસંદ છે. પરંતુ તેણે 50થી વધુ ટેસ્ટ મેચો રમી લીધી છે. તેનામાં ઘણો અનુભવ છે અને હવે તેણે જવાબદારી લેવી જ પડશે. પંતે ક્યારે આક્રમક બનવું અને ક્યારે ક્રિઝ પર ટકીને સંયમ જાળવવો તે શીખવું જ પડશે.
