Vaibhav Suryavanshi debut in Team India: ભારતીય ક્રિકેટ ટીમમાં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીની પસંદગી થવાથી તેના પરિવારમાં ખુશીનો માહોલ છે. સૌથી યુવા ભારતીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની આ સફળતા માત્ર એક પ્રતિભાશાળી ખેલાડીની વાર્તા નથી, પરંતુ તેમના પિતા અને પરિવારના ત્યાગ, સમર્પણ અને વર્ષોની સખત મહેનતનું પરિણામ છે.
સૂર્યવંશી પરિવારમાં ખુશીનો માહોલ
વૈભવ સૂર્યવંશીના પિતા સંજીવ સૂર્યવંશીએ જણાવ્યું કે, અમને આશા હતી કે અમારો દીકરો એક દિવસ દેશ માટે જરૂર રમશે, પરંતુ આટલી જલ્દી ઈન્ડિયાની ટીમમાં સ્થાન મેળવશે તેવું વિચાર્યું ન હતું. શનિવારે જ્યારે વૈભવના પસંદગીની ખબર પડી, ત્યારે તેની માતા તરત જ પૂજાઘરમાં ભગવાનનો આભાર માનવા બેસી ગઈ હતી.
માત્ર 5 વર્ષની ઉંમરે પકડ્યું હતું બેટ
વૈભવ સૂર્યવંશીની ક્રિકેટ સફર માત્ર 5 વર્ષની ઉંમરે જ શરૂ થઈ ગઈ હતી. 9 વર્ષની ઉંમરે તો તે સ્થાનિક ટુર્નામેન્ટમાં રમવા લાગ્યો હતો. શરૂઆતના દિવસોમાં તેણે લાલ બોલથી જ પ્રેક્ટિસ કરી હતી. બાળપણથી જ વૈભવમાં કંઈક અલગ કરી બતાવવાની ચાહત હતી.
તેના પિતા ગર્વ સાથે જણાવે છે કે, "જ્યારે અમે 50 રન વિશે વિચારતા હતા, ત્યારે તે 100 રન બનાવી દેતો હતો. તે એક જ સીઝનમાં 40-50 સદી ફટકારતો હતો." નોંધનીય છે કે, 50 ઓવરની એક મેચમાં વૈભવ સૂર્યવંશીએ 332 રન બનાવીને સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું.
IPL 2026 માં કર્યું ધમાકેદાર પ્રદર્શન
IPL 2026 દરમિયાન વૈભવે પોતાના પ્રદર્શનથી સૌને ચોંકાવી દીધા હતા. IPL પૂર્ણ થયા બાદ જ્યારે તેના પિતાએ તેને પૂછ્યું કે તે જસપ્રીત બુમરાહ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ જેવા વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરોને આટલી સરળતાથી કેવી રીતે રમી લે છે? ત્યારે વૈભવે આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો કે, "મારા માટે આ કોઈ મુશ્કેલ કામ નથી."
આ પણ વાંચો: Indian T20 Squad: ટીમ ઈન્ડિયામાં વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે
રેકોર્ડ કરતા દેશની જીત વધુ મહત્વની
વૈભવના પિતા સંજીવ સૂર્યવંશી માને છે કે વ્યક્તિગત રેકોર્ડ્સ કોઈ જ માયને નથી રાખતા, દેશને જીત અપાવવી એ સૌથી વધુ જરૂરી છે. અન્ય બાળકો માટે ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, મારો નાનો દીકરો પણ ક્રિકેટ રમે છે, પરંતુ તે વૈભવ જેવો નથી. તેમણે સલાહ આપી કે કોઈની નકલ ન કરવી જોઈએ, પણ પોતાની રીતે આગળ વધવું જોઈએ.
