Mohsin Naqvi Controversy: ભારતીય ટીમે એશિયા કપ 2025નો ખિતાબ જીત્યા બાદ ટ્રોફીને લઈને શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ અને પાકિસ્તાન સરકારના ગૃહમંત્રી મોહસિન નકવીએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠકમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની માફી માંગી છે. જોકે માફી માંગવા છતાં તેમણે એશિયા કપની ટ્રોફી ભારતને પરત કરવાનો ઇનકાર કરી દીધો છે.
ACCની બેઠકમાં ઉગ્ર ચર્ચા
આ પણ વાંચો
આ ઘટના પછી BCCIએ PCB અધ્યક્ષ મોહસિન નકવીને ટ્રોફી તાત્કાલિક પરત કરવા જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી કે જો તેઓ આમ નહીં કરે તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં ફરિયાદ નોંધાવવામાં આવશે. 30 સપ્ટેમ્બરે યોજાયેલી ACCની વર્ચ્યુઅલ બેઠકમાં BCCI અને PCB વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં નકવીએ BCCIની માફી તો માંગી, પરંતુ તેઓ હજુ પણ પોતાની વાત પર અડગ રહ્યા છે.
નકવીની શરત અને BCCIનો જવાબ
મોહસિન નકવીએ એક શરત મૂકી છે. તેમણે કહ્યું છે કે જો ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પોતે ACC ઓફિસ આવીને ટ્રોફી લઈ જાય તો તેઓ ટ્રોફી સોંપી દેશે. તેના જવાબમાં BCCIએ સ્પષ્ટ કહ્યું કે તેઓ ટ્રોફી લેવા નહીં આવે. BCCIએ કહ્યું, "જ્યારે તમે તેમની સામે હશો, ત્યારે શું તમને લાગે છે કે તેઓ આવીને ટ્રોફી લઈ જશે?". આ દર્શાવે છે કે ટ્રોફીને લઈને ચાલી રહેલો આ વિવાદ હજુ પૂરો થયો નથી. BCCIએ સ્પષ્ટ કર્યું છે કે ટ્રોફી કોઈની અંગત મિલકત નથી અને તે તેમને સોંપવી જોઈએ.
શું છે સમગ્ર વિવાદ?
ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2025ની ફાઇનલ મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને 9મી વખત ખિતાબ જીત્યો હતો. આ જીત બાદ, ભારતીય ટીમે PCB અને ACCના અધ્યક્ષ મોહસિન નકવીના હાથથી ટ્રોફી લેવાનો ઇનકાર કરી દીધો હતો. નકવી લાંબા સમય સુધી સ્ટેજ પર ઊભા રહ્યા, પરંતુ ભારતીય ટીમે તેમની પાસેથી ટ્રોફી ન લેવાનો નિર્ણય કર્યો. આ ઘટના બાદ, મોહસિન નકવી સ્ટેજ પરથી ઉતરીને ટ્રોફી અને મેડલ સીધા પોતાની હોટલ લઈ ગયા હતા. ત્યારબાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ ટ્રોફી વિના જ ઉજવણી કરી અને તેઓ પોતાની હોટલ પરત ફર્યા.
