Asia Cup Trophy Row: હું સ્ટેજ પર કાર્ટૂન બનીને ઊભો રહ્યો… એશિયા કપ ટ્રોફી વિવાદ વચ્ચે મોહસિન નકવીનો ગુસ્સો ફૂટ્યો

મોહસિન નકવી ભારતીય ટીમના વર્તનથી અત્યંત નારાજ છે. તેમણે કહ્યું કે તેમને મંચ પર એક કાર્ટૂનની જેમ ઊભા રહેવું પડ્યું કારણ કે ટીમ ઈન્ડિયા ટ્રોફી લેવા માટે આવી ન હતી.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 01 Oct 2025 12:48 PM (IST)Updated: Wed, 01 Oct 2025 12:48 PM (IST)
asia-cup-trophy-row-mohsin-naqvi-criticizes-acc-bcci-pcb-felt-like-a-cartoon

Mohsin Naqvi Asia Cup Trophy Row: 'હું તો કાર્ટૂન બનીને ઊભો રહ્યો…' આ શબ્દો એશિયા કપ 2025ની ટ્રોફી લઈને જતા રહેનાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીના છે. નકવીએ આ વાત એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં કહી, જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ટ્રોફી ટીમ ઈન્ડિયાને કેમ ન આપવામાં આવી તે અંગે વારંવાર સવાલો કરવામાં આવ્યા.

મોહસિન નકવીનો ફુટ્યો ગુસ્સો

એશિયા કપ 2025નો ખિતાબ જીત્યા બાદ ભારતીય ખેલાડીઓએ મોહસિન નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઈન્કાર કરી દીધો હતો. 30 સપ્ટેમ્બરના રોજ એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચીફ મોહસિન નકવી અને BCCIના અધિકારીઓ વચ્ચે એક વર્ચ્યુઅલ મીટિંગ યોજાઈ હતી, જેમાં ટ્રોફીને લઈને જોરદાર દલીલો થઈ હતી. એક રિપોર્ટ અનુસાર મોહસિન નકવી ભારતીય ટીમના આ વર્તનથી અત્યંત નારાજ છે. તેમણે કહ્યું કે તેમને મંચ પર એક કાર્ટૂનની જેમ ઊભા રહેવું પડ્યું કારણ કે ટીમ ઈન્ડિયા ટ્રોફી લેવા માટે આવી ન હતી.

PTIના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોહસિન નકવી મેડલ અને ટ્રોફી ટીમ ઈન્ડિયાને આપવા માટે તૈયાર હતા, પરંતુ ખેલાડીઓ તેને લેવા માટે આવ્યા ન હતા. તેઓ વિજેતા ટ્રોફી અને મેડલ સાથે મંચ પર કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ભારતીય ખેલાડીઓની રાહ જોતા રહ્યા, પરંતુ જ્યારે કોઈ ન આવ્યું, ત્યારે તેઓ મંચ પરથી ઉતરીને ટ્રોફી લઈને પોતાની હોટેલ ચાલ્યા ગયા.

BCCIએ ટ્રોફી પરત કરવા ચેતવણી આપી

આ વર્ચ્યુઅલ મીટિંગમાં BCCIના રાજીવ શુક્લા અને આશિષ શેલારે નકવીને સ્પષ્ટપણે જણાવ્યું કે ટ્રોફી ACCની દુબઈ ઓફિસમાં જમા કરાવવામાં આવે, જ્યાંથી BCCI તેને પછીથી ભારત લાવીને ખેલાડીઓને સોંપી દેશે. BCCIના અધિકારીઓએ ભારપૂર્વક કહ્યું કે અમે કાયદેસરના વિજેતા છીએ અને અમને ટ્રોફી જોઈએ છે.

આ બેઠકમાં માહોલ એટલો ગરમાયો કે BCCI તરફથી ચેતવણી આપવામાં આવી કે જો આ મામલો જલ્દીથી ઉકેલવામાં નહીં આવે તો આ ફરિયાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સુધી લઈ જવામાં આવશે. ચર્ચા દરમિયાન મામલો વધુ વણસતા આશિષ શેલાર મીટિંગ અધવચ્ચે જ છોડીને ચાલ્યા ગયા હતા.