Ind Vs Pak: સૂર્યકુમારને અપશબ્દો બોલનાર મોહમ્મદ યુસુફ પર શોએબ અખ્તર લાલચોળ, કહ્યું-'ભારત આપણું પાડોશી, સારા શબ્દો વાપરો'

ભારતીય ખેલાડીઓએ હાથ ના મીલાવ્યા, તેનાથી પાકિસ્તાનમાં સૌ કોઈને દુઃખ છે. આમ છતાં આપણે હંમેશા મિત્રતા માટે હાથ લંબાવવો જ રહ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 21 Sep 2025 05:21 PM (IST)Updated: Sun, 21 Sep 2025 05:21 PM (IST)
asia-cup-2025-ind-vs-pak-shoaib-akhtar-angry-on-mohammad-yousuf-remark-on-suryakumar-yadav
HIGHLIGHTS
  • પાકિસ્તાન માટે ભારતની ક્રિકેટરો અગત્યના છે
  • કોઈનું અપમાન કરવાનો આપણને કોઈ અધિકાર નથી

Ind Vs Pak: ગત 14 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) અને ભારતીય ખેલાડીઓ દ્વારા પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ ના મીલાવવાના કારણે ચર્ચામાં રહી હતી. પાકિસ્તાની ટીમ અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર આ બાબતને પોતાનું અપમાન સમજી રહ્યા છે. એવામાં પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરનું મોટું નિવેદન સામે આવ્યું છે.

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ યુસુફે લાઈવ ટીવી પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિશે અપશબ્દોનો ઉપયોગ કરીને હદ વટાવી હતી. સમા ટીવી પર આયોજિત એક ડિબેટમાં મોહમ્મદ યુસુફે લાઈવ ટીવી પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવને ગાળો ભાંડી હતી. આ સમયે કાર્યક્રમની એન્કરને લાગ્યું હતું કે, યુસુફને નામ બોલવામાં ભૂલ થઈ રહી છે. આથી તેણે યુસુફને ટોક્યો પણ હતો, પરંતુ તે માન્યો નહીં અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે સતત અપશબ્દોનો ઉપયોગ કરતો રહ્યો હતો.

શોએબ અખ્તરે મોહમ્મદ યુસુફને આડેહાથ લીધો

પાકિસ્તાનની ટીવી ન્યૂઝ ચેનલ PTV સ્પોર્ટ્સ સાથે વાત કરતા 'રાવલપિંડી એક્સપ્રેસ' નામે જાણીતા પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે મોહમ્મદ યુસુફના નિવેદનને વખોડ્યું હતુ. અખ્તરે જણાવ્યું કે, ટીમ ઈન્ડિયાએ હાથ ના મિલાવ્યા, તો વાંધો નહીં પરંતુ આપણે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ.

તમે તમારા પાડોશી પ્રત્યે નારાજ જરૂર હોઈ શકો છો, પરંતુ તેનું અપમાન કરવાનો તમને કોઈ અધિકાર નથી. તમે કોઈને ગાળોના ભાંડી શકો. ભારતીય ખેલાડીઓએ હાથ ના મીલાવ્યા, તેનાથી પાકિસ્તાનમાં સૌ કોઈને દુઃખ છે. આમ છતાં આપણે હંમેશા મિત્રતા માટે હાથ લંબાવવો જ રહ્યો. પાડોશીઓ સાથે ક્યાં સુધી નારાજ રહી શકાય. આથી તમારે શાંત ચિત્તે આ બાબતનું સમાધાન કરવું પડશે.

વધુમાં પૂર્વ ફાસ્ટ બૉલરે જણાવ્યું કે, આજે પણ ભારતીય ખેલાડીઓ આપણી ટીમ સાથે હાથ ના મીલાવે, તો પણ આપણે પ્રયાસ કરતા રહેવું જોઈએ. જે લોકો ટીવી પર ડિબેટમાં બેસીને એલફેલ બોલી રહ્યા છે, તેમને મારી એક જ વિનંતી છે કે, તમે કોઈ ખેલાડીનું નામ લઈને કંશું જ ના કહી શકો. આપણા માટે ભારતના ક્રિકેટર પણ અગત્યના છે. આપણે તેમનો આદર કરવો પડશે. સૌને બોલવાનો અધિકાર છે, પરંતુ તમે સારા શબ્દોનો ઉપયોગ કરો.