IND U 19 vs AUS U 19: ઑસ્ટ્રેલિયામાં વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગ, 172ની સ્ટ્રાઈક રેટથી રન બનાવી કાંગારૂં ટીમને મેદાનની ચોતરફ દોડાવી

વૈભવ સૂર્યવંશીએ ક્રિઝ પર આવતાની સાથે જ તાબડતોડ બેટિંગ શરૂ કરી. માત્ર 21 બૉલમાં 7 ફૉર અને 1 સિક્સ સાથે 38 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 21 Sep 2025 04:43 PM (IST)Updated: Sun, 21 Sep 2025 04:43 PM (IST)
ind-u-19-vs-aus-u-19-vaibhav-suryavanshi-sfotak-batting-in-australia
HIGHLIGHTS
  • ભારતની અંડર-19 ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે
  • ઑસ્ટ્રેલિયાએ 50 ઑવરમાં 9 વિકેટના અંતે 225 રન બનાવ્યા

IND U 19 vs AUS U 19: ભારતનો નવી પેઢીનો ક્રિકેટ સ્ટાર વૈભવ સૂર્યવંશી હંમેશા પોતાની તોફાની બેટિંગથી સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. એકવખત વૈભવ સૂર્યવંશી ક્રિઝ પર ટકી ગયો તો તે પછી સામેની ટીમના બૉલરોની ધોલાઈ નક્કી જ છે. કંઈક આવું જ તાજેતરમાં ભારતની અંડર 19ની ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચી, ત્યાં જોવા મળ્યું છે. ઑસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ વિરુદ્ધ રવિવારે પહેલી વન-ડે મેચમાં વૈભવનો પહેલાની જેમ જ તોફાની અંદાજ જોવા મળ્યો હતો.

આ મેચમાં ભારતીય બૉલરોએ શાનદાર પ્રદર્શન કર્યુ. જેના કારણે ઑસ્ટ્રેલિયા નિર્ધારિત 50 ઑવરના અંતે 9 વિકેટ ગુમાવીને માત્ર 225 રન જ બનાવી શક્યું. આમ ભારતને વધારે મોટો વિજયી લક્ષ્યાંક નહતો મળ્યો. વૈભવ સૂર્યવંશી શાંતિથી રમીને રન બનાવી શકે તેમ હતો. આમ છતાં વૈભવે મેદાન પર આવતાની સાથે જ તાબડતોડ બેટિંગ શરૂ કરી દીધી હતી.

વૈભવે મેદાનની ચો-તરફ શૉટ ફટકાર્યા
વૈભવ સૂર્યવંશીએ મેદાન પર આવતાની સાથે જ પોતાના આગવા અંદાજમાં બેટિંગ શરૂ કરી દીધી હતી. જેમાં તેણે જોતા-જોતા 7 ફૉર અને એક સિક્સની મદદથી માત્ર 21 બૉલમાં 38 રન ફટકારી દીધા હતા. જો કે 22મી બૉલમાં હેડન શિલરના બોલ પર વૈભવે શૉર્ટ ફટકાર્યો હતો, પરંતુ ભારતીય મૂળના ખેલાડી આર્યન શર્માએ કેચ પકડ્યો હતો. આ સાથે જ વૈભવની ઈનિંગ્સનો અંત આવ્યો હતો. પોતાની ઈનિંગ્સમાં વૈભવે 172.72ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા.

વૈભવ જ્યારે પેવેલિયન પરત ફર્યો, ત્યારે ભારતીય ટીમનો સ્કેર 5 ઑવરના અંતે 1 વિકેટ પર 50 રન હતો. જ્યારે પાંચમી ઑવરના છેલ્લા બોલ પર વૈભવ આઉટ થયો, ત્યારે ટીમનો સ્કોર પ્રતિ ઑવર 10 રનની ગતિએ આગળ વધી રહ્યો હતો.

અગાઉ ઈંગ્લેન્ડ પ્રવાસ પર પણ ઉમદા પ્રદર્શન કર્યું
અગાઉ વૈભવ સૂર્યવંશી અંડર 19 ટીમ ઈન્ડિયા સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે ગયો હતો. જ્યાં પણ તેણે રોકેટ ગતિએ રન ફટકારીને ઈંગ્લિશ બૉલરોની રીતસરની ધોલાઈ કરી દીધી હતી. વૈભવે IPLમાં પણ તોફાની બેટિંગ કરીને સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતુ. જેમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ 35 બૉલમાં સ્ફોટક સદી ફટકારી હતી. IPLમાં કોઈ પણ ભારતીય દ્વારા કોઈ પણ ઈન્ડિયન બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદી હતી.