Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશીની ઓછી ઉંમરે શાનદાર બેટિંગ જોઈને આખી દુનિયા તેના વખાણ કરી રહી છે. હવે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક ઝડપી બોલર બ્રેટ લી પણ આ યુવા ભારતીય બેટ્સમેનનો ચાહક બની ગયો છે. બ્રેટ લીએ વૈભવની ઉંમર અંગે ચાલી રહેલા તમામ વિવાદો અને ચર્ચાઓને બિનજરૂરી ગણાવ્યા છે અને કહ્યું છે કે લોકોએ તેની ઉંમર પર ચર્ચા કરવાને બદલે તેની શાનદાર રમત પર ધ્યાન આપવું જોઈએ.
'મને કોઈ ફરક નથી પડતો કે તેની ઉંમર કેટલી છે'
બ્રેટ લીના જણાવ્યા મુજબ, જો વૈભવ 15 વર્ષનો છે તો તે અદ્ભુત બાબત છે, પરંતુ જો તેની ઉંમર 17 કે 18 વર્ષ પણ હોત, તો પણ તેનાથી તેની ક્રિકેટ રમવાની ક્ષમતા અને ટેલેન્ટમાં કોઈ ફરક પડતો નથી.
લીએ એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કહ્યું કે, તે અદ્ભુત ખેલાડી છે. ભારત બહાર દરેક વ્યક્તિ પૂછે છે કે શું તે ખરેખર 15 વર્ષનો છે? મને કોઈ ફરક નથી પડતો કે તેની ઉંમર કેટલી છે, આ છોકરો શ્રેષ્ઠ ક્રિકેટ રમવાનું જાણે છે અને તે જ સૌથી મહત્વનું છે.
ફાસ્ટ બોલરો સામે નથી ગભરાતો વૈભવ
બ્રેટ લીએ વૈભવની આક્રમક બેટિંગ શૈલીના મુક્ત મને વખાણ કર્યા હતા. ખાસ કરીને ફાસ્ટ બોલરો સામે વૈભવનો જે આત્મવિશ્વાસ છે, તેનાથી લી ખૂબ પ્રભાવિત થયો છે.
આઈપીએલ 2026 (IPL 2026)માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે વૈભવે રમેલી 97 રનની ધમાકેદાર ઈનિંગનો ઉલ્લેખ કરતા બ્રેટ લીએ કહ્યું કે, તે મેચમાં સામે પક્ષેથી સતત તેજ ગતિએ બોલિંગ થઈ રહી હતી, પરંતુ વૈભવે શોર્ટ બોલ્સ સામે પણ પોતાનો કુદરતી અંદાજ બદલ્યો નહોતો. તે માત્ર તાકાતથી નહીં, પરંતુ યોગ્ય ક્રિકેટિંગ શોટ્સ રમીને રન બનાવે છે.
લોકપ્રિયતા અને દબાણને સંભાળવું એ જ સૌથી મોટો પડકાર
બ્રેટ લીએ આ યુવા બેટ્સમેનને એક ખૂબ જ મહત્વપૂર્ણ સલાહ પણ આપી છે. તેમણે કહ્યું કે, આ નાની ઉંમરે મળતી લોકપ્રિયતા, મીડિયાની ચર્ચા અને લોકોની અપેક્ષાઓને સંભાળવી એ વૈભવ માટે સૌથી મોટો પડકાર બની રહેશે.
દબાણ વગર રમવા દો: ટીમ મેનેજમેન્ટ અને આસપાસના લોકોએ તેના પર વધારાનું દબાણ ન બનાવવું જોઈએ.
બાળપણ જીવવા દો: તેને હજુ એક બાળકની જેમ પોતાની જિંદગી જીવવાની મુક્ત તક મળવી જોઈએ.
મનોબળ મહત્વનું: લીએ જણાવ્યું કે, વૈભવની બેટિંગ કે ફોર્મ ચિંતાનો વિષય નથી, પરંતુ તેણે પોતાના મગજ અને વધતી લોકપ્રિયતા પર નિયંત્રણ રાખતા શીખવું પડશે.
વૈભવ સામે બોલિંગ કરવાની રણનીતિ
જ્યારે બ્રેટ લીને પૂછવામાં આવ્યું કે જો તેઓ પોતાના સમયમાં વૈભવ સામે બોલિંગ કરતા હોત તો તેમની શું રણનીતિ હોત? ત્યારે લીએ હસીને કહ્યું કે, હું પહેલા તેની બેટિંગ પેટર્ન ધ્યાનથી જોત. ત્યારબાદ તેના શરીરને લક્ષ્ય બનાવીને બાઉન્સર ફેંકત. જો તે મારા બોલ પર છગ્ગો પણ મારી દેત, તો પણ હું પાછો ન હટત અને આગામી બોલ પર ફરી તેની કસોટી કરત.
ઉલ્લેખનીય છે કે, આઈપીએલમાં શાનદાર પ્રદર્શન બાદ વૈભવને ભારતીય T20 ટીમમાં પણ સ્થાન મળ્યું હતું. ઈંગ્લેન્ડ પ્રવાસમાં ભલે તેને ખાસ સફળતા ન મળી, પરંતુ ત્યારબાદ ઝિમ્બાબ્વે પ્રવાસ પર તેણે આક્રમક વાપસી કરીને 'પ્લેયર ઓફ ધ સિરીઝ'નો એવોર્ડ પોતાના નામે કર્યો હતો.
