Usman Wahla: 'નો હેન્ડશેક' વિવાદનું અસલી કારણ આવ્યું સામે… PCBના જ એક અધિકારીની ભૂલ નીકળતાં સસ્પેન્ડ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ તેના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સ ઉસ્માન વાલ્હાને પદ પરથી હટાવી દીધા હતા. અહેવાલો અનુસાર આ સમગ્ર મામલામાં તેમની ભૂલ હોવાનું સામે આવ્યું છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 17 Sep 2025 02:29 PM (IST)Updated: Wed, 17 Sep 2025 02:32 PM (IST)
asia-cup-2025-ind-vs-pak-pcb-suspends-usman-wahla-in-no-handshake-controversy

No Handshake Controversy Usman Wahla: ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરે રમાયેલી મેચમાં થયેલા 'નો હેન્ડશેક' વિવાદે સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઈન્કાર કરી દીધો હતો, જેના કારણે એક મોટો વિવાદ ઊભો થયો. આ વિવાદના માત્ર 24 કલાકમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ તેના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સ ઉસ્માન વાલ્હાને પદ પરથી હટાવી દીધા હતા.

વિવાદના અસલી જવાબદાર ઉસ્માન વાલ્હા

શરૂઆતમાં PCB આ વિવાદ માટે મેચ રેફરી એન્ડી પાઈક્રોફ્ટને જવાબદાર ઠેરવી રહ્યું હતું, પરંતુ તપાસમાં ભૂલ PCB ના જ એક અધિકારીની હોવાનું બહાર આવ્યું. PCB ના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સ ઉસ્માન વાલ્હા આ વિવાદ માટે જવાબદાર છે.

અહેવાલો અનુસાર વાલ્હાએ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાને ટૂર્નામેન્ટના નિયમો અને 'હાથ ન મિલાવવાની' નીતિ વિશે યોગ્ય રીતે માહિતી આપી ન હતી. આ જ કારણસર પાકિસ્તાની કેપ્ટન મેદાન પર ખૂબ નારાજ દેખાયા હતા. એવું જાણવા મળ્યું છે કે ગુસ્સે ભરાયેલા PCB વડા મોહસીન નકવીએ તેના કેપ્ટનને શરમજનક સ્થિતિમાં મુકવા બદલ વાલ્હાને પદ પરથી હટાવવાનો આદેશ આપ્યો હતો. આ પછી PCB એ પોતાની ભૂલ છુપાવવા માટે સમગ્ર દોષનો ટોપલો મેચ રેફરી એન્ડી પાઈક્રોફ્ટ પર ઢોળી દીધો.

PCB અને ICC વચ્ચે સમાધાન

PCB એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) પાસે એન્ડી પાઈક્રોફ્ટને હટાવવાની માંગ કરી હતી. PCB એ ICC ને ધમકી આપી હતી કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ UAE સામેની મેચનો બહિષ્કાર કરશે. શરૂઆતમાં ICC એ PCB ની માંગને ફગાવી દીધી હતી. જોકે પાછળથી ICC અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે વાતચીત થઈ અને એક સમાધાનકારી રસ્તો કાઢવામાં આવ્યો. ICC એ પાઈક્રોફ્ટને પાકિસ્તાનની તમામ મેચોમાંથી હટાવી દીધા છે, પરંતુ તેઓ એશિયા કપ 2025 ની અન્ય મેચોમાં મેચ રેફરી તરીકેની તેમની ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખશે.

શું છે 'હેન્ડશેક વિવાદ'?

આ વિવાદની શરૂઆત રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ દરમિયાન થઈ હતી. PCBનો દાવો છે કે ટોસ અને મેચના અંતે ભારતીય ખેલાડીઓએ પરંપરા મુજબ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો ન હતો. વિરોધ સ્વરૂપે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા મેચ પછીના પ્રેઝન્ટેશન સમારોહમાં સામેલ થયા ન હતો.