Asia Cup 2025: પાકિસ્તાનની તમામ મેચોમાંથી રેફરી Andy Pycroft બહાર! યુએઈ સામેની મેચ પહેલા સૌથી મોટું અપડેટ

પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે 17 સપ્ટેમ્બરે રમાનારી મહત્વની મેચમાં પાયક્રોફ્ટ બહાઈ થઈ ગયા છે. હવે રિચી રિચાર્ડસન મેચ રેફરી તરીકેની જવાબદારી સંભાળી શકે છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 17 Sep 2025 03:40 PM (IST)Updated: Wed, 17 Sep 2025 03:40 PM (IST)
pak-vs-uae-andy-pycroft-removed-from-asia-cup-no-handshake-controversy

Asia Cup 2025, PAK vs UAE: એશિયા કપ 2025માં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ભારે દબાણ બાદ ICC એલિટ પેનલના મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને પાકિસ્તાનની આગામી તમામ મેચોમાંથી હટાવી દેવામાં આવ્યા છે. જો કે હજી સુધી તેની સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

એન્ડી પાયક્રોફ્ટ તમામ મેચોમાંથી બહાર

ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર ભારત-પાકિસ્તાન મેચ પછી થયેલા 'નો હેન્ડશેક' વિવાદને કારણે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પાયક્રોફ્ટ હવે પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે 17 સપ્ટેમ્બરે રમાનારી મહત્વની મેચમાં તેમની ભૂમિકા ભજવતા જોવા મળશે નહીં. એન્ડી પાયક્રોફ્ટની જગ્યાએ હવે રિચી રિચાર્ડસન મેચ રેફરી તરીકેની જવાબદારી સંભાળી શકે છે.

શું હતો 'નો હેન્ડશેક' વિવાદ?

ભારતીય ખેલાડીઓ દ્વારા હાથ ન મિલાવવાને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એન્ડી પાઈક્રોફ્ટને જવાબદાર ઠેરવ્યા છે અને તેમને મેચમાંથી હટાવવાની માંગ કરી છે. PCBનો દાવો છે કે ટોસ દરમિયાન પાયક્રોફ્ટે પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાને ભારતીય કેપ્ટન સૂર્યા સાથે હાથ ન મિલાવવા માટે કહ્યું હતું. PCBએ એવી ધમકી પણ આપી હતી કે જો પાયક્રોફ્ટને હટાવવામાં નહીં આવે તો પાકિસ્તાનની ટીમ ટુર્નામેન્ટનો બહિષ્કાર કરશે.

PCB અને ICC વચ્ચે સમાધાન

PCB એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) પાસે એન્ડી પાઈક્રોફ્ટને હટાવવાની માંગ કરી હતી. PCB એ ICC ને ધમકી આપી હતી કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ UAE સામેની મેચનો બહિષ્કાર કરશે. શરૂઆતમાં ICC એ PCB ની માંગને ફગાવી દીધી હતી. જોકે પાછળથી ICC અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે વાતચીત થઈ અને એક સમાધાનકારી રસ્તો કાઢવામાં આવ્યો. ICC એ પાઈક્રોફ્ટને પાકિસ્તાનની તમામ મેચોમાંથી હટાવી દીધા છે, પરંતુ તેઓ એશિયા કપ 2025 ની અન્ય મેચોમાં મેચ રેફરી તરીકેની તેમની ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખશે.