T20 World Cup 2026: ગત મહિને રમાયેલા T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાના સ્ફોટક ઑપનર અભિષેક શર્માએ એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
ટૂર્નામેન્ટની શરૂઆતમાં કંગાળ ફોર્મમાં રહેલ અભિષેક શર્મા T20 વર્લ્ડકપના ઈતિહાસમાં પોતાની પ્રથમ 3 ઈનિંગ્સમાં ઝીરો પર આઉટ થનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. T20 વર્લ્ડકપમાં નેધરલેન્ડ, USA અને પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં અભિષેક શર્મા ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.
વર્લ્ડકપ 2026માં સતત ત્રણ વખત શૂન્ય પર આઉટ થયા બાદ અભિષેક શર્માએ પોતાના મિત્ર શુભમન ગિલનો સંપર્ક સાધીને તેનું બેટ મેળવવા માટે ભલામણ કરી હતી. અભિષેકનું માનવું હતું કે, શુભમન ગિલનું બેટ તેને ફોર્મમાં પરત લાવવામાં મદદ કરી શકે છે.
કોઈ રેકોર્ડ બને, તે પહેલા જ મને તારું બેટ આપી દે..
તાજેતરમાં જ દિલ્હીમાં આયોજિત નમન એવોર્ડ્સમાં અભિષેક શર્માએ વાતચીત કરતાં જણાવ્યું કે, સતત 3 વખત શૂન્ય પર આઉટ થયા બાદ મેં શુભમન ગિલને મેસેજ મોકલ્યો હતો. જેમાં મેં તેને જણાવ્યું હતું કે, કોઈ અણગમતો રેકોર્ડ બની જાય, તે પહેલા મને તારું બેટ આપી દે. આ માત્ર મજાક નહતી, પરંતુ તેનાથી મને માનસિક રીતે ફોર્મમાં પરત આવવામાં પ્રેરણા પણ મળી.
જ્યારે અભિષેકને પૂછવામાં આવ્યું કે, તને કોનું બેટ સૌથી વધારે પસંદ છે. જેના જવાબમાં અભિષેકે પળનો પણ વિચાર કર્યાં વિના શુભમન ગિલનું નામ આપ્યું. આ એવોર્ડ શૉ દરમિયાન શુભમન ગિલને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, શું તમે અભિષેકને ટૂર્નામેન્ટ પહેલા કોઈ સલાહ આપી હતી? જેના જવાબમાં શુભમન ગિલે જણાવ્યું કે, વિશ્વના નંબર વન T20 બેટ્સમેનને સલાહ કોણ આપે? જ્યાં સુધી બેટની વાત છે, તો અભિષેક શર્માં હંમેશા પોતાના જ બેટથી રમે છે.
જણાવી દઈએ કે, આ ટી-20 વર્લ્ડકપમાં અભિષેક શર્માનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતુ. ટૂર્નામેન્ટની પ્રથમ ત્રણ મેચમાં ઝીરો પર આઉટ થયા બાદ અભિષેક શર્માએ બાકીની મેચમાં બે અડધી સદી ફટકારી હતી.
આ ટૂર્નામેન્ટમાં અભિષેક શર્માએ સુપર-8ની મેચમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ અને ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તાબડતોડ બેટિંગ કરીને અડધી સદી ફટકારી હતી. આ બે મહત્ત્વની મેચમાં અભિષેક શર્માના બેટથી નીકળેલા રને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતુ.
