Ahmedabad: અમદાવાદ સહિત ગુજરાતના અનેક નાના-મોટા શહેરોમાં સ્પા સેન્ટરની આડમાં દેહ વ્યાપારના ગોરખધંધા ચાલતા હોવાના બનાવો છાશવારે સામે આવતા રહે છે. જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમ દરોડા પાડીને કાર્યવાહી પણ કરે છે, ત્યારે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં સ્પા સેન્ટરમાં મસાજની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
ડમી ગ્રાહક મોકલીને પોલીસની ટીમે દરોડો પાડ્યો
હકીકતમાં અમદાવાદ પશ્ચિમ મહિલા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલના બીજા માળે 'બુદ્ધા સ્પા'માં મસાજની આડમાં ગ્રાહકોને શરીર સુખની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસ દ્વારા ડમી ગ્રાહકને સ્પામાં મોકવામાં આવ્યો હતો. જેમાં સ્પામાં દેહ વ્યાપાર થતો હોવાની પુષ્ટિ થતાં જ પોલીસની ટીમ ત્રાટકી હતી.
પોલીસના દરોડા દરમિયાન પોલીસને મિઝોરમ, દિલ્હી અને ત્રિપુરાની યુવતીઓ મળી આવી હતી. તેમજ સ્પાનાા મેનેજર સન્ની સંતોષની અટકાયત કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ સ્પાનો માલિક ઈર્શાદ સૈયદ (રહે. લાલદરવાજા) છે. જે બહારના રાજ્યોમાંથી યુવતીઓને બોલાવીને પોતાના સ્પામાં દેહ વ્યાપાર કરાવતો હતો. આ માટે ગ્રાહક દીઠ યુવતીઓને એક હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા.
હાલ તો પોલીસે સ્પાના CCTV ફૂટેજ મેળવવા માટે DVR સહિત અન્ય ઈલેક્ટ્રોનિક પુરાવા કબજે કર્યાં છે. તેમજ સ્પામાંથી મળી આવેલી યુવતીઓને કાઉન્સેલિંગ માટે મોકલવામાં આવી છે. જ્યારે ફરાર થઈ ગયેલા સ્પાના માલિકને ઝડપવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
