Ahmedabad: વાડજમાં ટેન્કર ચાલકે રિવર્સ લઈને પાછળ રમતી બાળકી કચડી નાંખી, માથા પરથી ટાયર ફરી વળતા કમકમાટીભર્યું મોત

જૂના વાડજમાં BRTS બસ સ્ટેન્ડ સામે જાહેર રોડ પર બાળકી પોતાની બહેનપણી સાથે રમતી હતી, ત્યારે કાળમુખા ટેન્કરે અડફેટે લીધી હતી. અકસ્માત સર્જી ટેન્કરનો ડ્રાઈવર ફરાર

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 21 Mar 2026 06:14 PM (IST)Updated: Sat, 21 Mar 2026 06:14 PM (IST)
ahmedabad-news-7-year-old-girl-crushed-by-reversing-tanker-near-vadaj-brts
HIGHLIGHTS
  • બીજી બાળકી ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ

Ahmedabad: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં બેદરકારીપૂર્વક વાહન હંકારવાના કારણે અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે CTM એક્સપ્રેસ હાઈવે પર BRTS બસ અને મોપેડની ટક્કરમાં સગીરનું કમકમાટીભર્યું મોત નીપજ્યા બાદ આજે વાડજ વિસ્તારમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં ટેન્કર ચાલકે બાળકીને ચગદી નાંખી છે.

BRTS બસ સ્ટેશન પાસે બાળકી રમતી હતી, ત્યારે કાળ બનીને આવેલા ટેન્કરે કચડી

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, જૂના વાડજ વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા સંજય સોલંકીને બે દીકરીઓ પૈકી 7 વર્ષની અસ્મિતા અન્ય બહેનપણીઓ સાથે BRTS બસ સ્ટેશન નજીકના જાહેર રોડ પર રમી રહી હતી. આ દરમિયાન ટેન્કરના ચાલકે પુરપાટ રિવર્સમાં લેતા પાછળ રમી રહેલી બે બાળકીઓને અડફેટે લઈ લીધી હતી.

ટેન્કરની ટક્કરથી અસ્મિતા અને તેની બહેનપણી નીચે પટકાઈ હતી. આમ છતાં ટેન્કર ચાલકે પોતાનું વાહન હંકારે રાખતા અસ્મિતાના માથા પરથી ટાયર પસાર થઈ ગયું હતુ. જેના કારણે ટેન્કરથી તેનું માથું છુંદાઈ ગયું હતુ. આ અકસ્માતમાં ગંભીર ઈજા થતાં બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.

આ અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. જેના પગલે ઘટના સ્થળે પહોંચેલી પોલીસની ટીમે મૃતક બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. જ્યારે તેની બહેનપણી ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી છે. હાલ તો પોલીસે મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ડ્રાઈવરની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.