Women's T20 World Cup 2026 Final: મહિલા ટી20 વર્લ્ડ કપ 2026ના રોમાંચક ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરતા ઇંગ્લેન્ડને કારમી હાર આપી છે. ઓસ્ટ્રેલિયાએ 7મી વખત ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ક્રિકેટ જગતમાં પોતાનું આધિપત્ય જાળવી રાખ્યું છે. આ જીત સાથે મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના કુલ ટાઈટલ્સની સંખ્યા 14 પર પહોંચી ગઈ છે.
ઇંગ્લેન્ડનો સંઘર્ષ અને 150 રનનો સ્કોર
પોતાના ઘરે પ્રેક્ષકો વચ્ચે ફાઈનલ રમી રહેલી ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા 150 રન બનાવ્યા હતા. કેપ્ટન નટ સાઈવર-બ્રન્ટે 58 રનની અણનમ ઇનિંગ રમી હતી, પરંતુ ઇંગ્લેન્ડની બેટિંગ ઘણી ધીમી રહી હતી. ફ્રેયા કેમ્પે અંતમાં 44 રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. ઓસ્ટ્રેલિયન બોલિંગ સામે ઇંગ્લેન્ડના બેટ્સમેનો શરૂઆતથી જ દબાણમાં દેખાતા હતા.
ઓસ્ટ્રેલિયાની બેટ્સમેનોનું પલડું ભારે
151 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને શરૂઆતમાં એક ઝટકો જરૂર લાગ્યો હતો, પરંતુ ત્યારબાદ બેથ મૂની અને ફીબી લિચફિલ્ડની જોડીએ ઇંગ્લેન્ડના હાથમાંથી મેચ ખેંચી લીધી હતી. બેથ મૂનીએ 49 બોલમાં 64 રન બનાવીને ઓસ્ટ્રેલિયાની જીતનો પાયો નાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 17.1 ઓવરમાં જ 3 વિકેટના નુકસાને લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો.
કંગારુઓનું અજેય વર્ચસ્વ
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ માટે આ કોઈ નવી વાત નથી. 7 વખત ટી20 અને 7 વખત વનડે વર્લ્ડ કપ જીતીને તેમણે સાબિત કરી દીધું છે કે મહિલા ક્રિકેટમાં તેમની સામે ટકવું હજુ પણ કોઈપણ ટીમ માટે મોટો પડકાર છે. ઇંગ્લેન્ડ માટે આ હાર ચોક્કસપણે દુઃખદ છે, કારણ કે પોતાના જ દેશમાં વર્લ્ડ કપ જીતવાનું તેમનું સપનું ફરી એકવાર અધૂરું રહ્યું છે.
