AUS-W vs WI-W: મહિલા ટી20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ સેમીફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર પોતાની તાકાત બતાવી છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે વન-સાઇડેડ મુકાબલામાં વેસ્ટ ઇન્ડીઝને 8 વિકેટે હરાવીને ગર્વભેર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયન ટીમ 8મી વખત ફાઇનલમાં પહોંચી છે. તમને જણાવી દઈએ કે, કાંગારૂ ટીમ અત્યાર સુધીમાં રેકોર્ડ 6 વખત આ ચમકતી ટ્રોફી પોતાના નામે કરી ચૂકી છે.
વેસ્ટ ઈન્ડિઝની નબળી બેટિંગ
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. ટીમનો રન રેટ પાવરપ્લેમાં ખૂબ જ ધીમો રહ્યો, જે આખી મેચમાં તેમને નડી ગયો. ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 47 રન ચોક્કસ જોડ્યા, પરંતુ આ રન બનાવવા માટે તેમણે 8 ઓવર (48 બોલ) બગાડી હતી.
આ ધીમી બેટિંગના કારણે કેરેબિયન ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 125 રન જ બનાવી શકી હતી. એક સમયે તો એવું લાગતું હતું કે ટીમ 120 રનના આંકડાને પણ પાર નહીં કરી શકે. જોકે, અંતમાં ઈજાગ્રસ્ત ડિયેન્ડ્રા ડોટિને હિંમત બતાવી અને મેદાન પર આવીને માત્ર 16 બોલમાં 26 રનની તોફાની ઇનિંગ રમીને ટીમને 125ના સ્કોર સુધી પહોંચાડી હતી.
ઓસ્ટ્રેલિયાએ માત્ર 13 ઓવરમાં જ મેળવી લીધી જીત
126 રનના સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત પણ ખાસ રહી નહોતી. ટીમે 29 રનના સ્કોર પર પહેલી વિકેટ ગુમાવી દીધી હતી અને ટૂંક સમયમાં જ 43 રન પર ફોબી લિચફિલ્ડના રૂપમાં બીજી વિકેટ પણ પડી ગઈ હતી. આ દરમિયાન સ્ટાર ઓલરાઉન્ડર એલિસ પેરી પણ માત્ર 2 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફરી હતી.
પરંતુ આ મુશ્કેલ સ્થિતિમાં ઓપનર બેથ મૂનીએ એક છેડો સાચવી રાખ્યો અને વેસ્ટ ઈન્ડિઝના બોલરો પર આક્રમણ કર્યું. મૂનીએ માત્ર 36 બોલમાં અણનમ 61 રનની તોફાની ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને 13 ઓવરમાં જ જીત અપાવી દીધી હતી. બીજા છેડે એશ્લે ગાર્ડનરે પણ તેને ભરપૂર સાથ આપ્યો અને 20 બોલમાં અણનમ 35 રન ફટકાર્યા હતા.
બેથ મૂનીએ રચ્યો નવો ઈતિહાસ
આ શાનદાર અડધી સદીની મદદથી બેથ મૂનીએ ન્યૂઝીલેન્ડની દિગ્ગજ ખેલાડી સુઝી બેટ્સના એક મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી છે. મહિલા ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાના મામલે હવે મૂની અને સુઝી બેટ્સ બંને 8-8 ફિફ્ટી સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને આવી ગયા છે.
8મી વખત ફાઇનલ રમશે કાંગારૂ ટીમ
મહિલા ટી20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2009માં થઈ હતી. આ ટૂર્નામેન્ટની આ 10મી સીઝન રમાઈ રહી છે અને ઓસ્ટ્રેલિયાએ 10માંથી 8 વખત ફાઇનલમાં જગ્યા બનાવીને ક્રિકેટ જગતમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. હવે ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાની ટક્કર ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી બીજી સેમીફાઈનલની વિજેતા ટીમ સામે થશે.
