તુલસી વિવાહમાં કન્યાદાનનું વિશેષ મહત્વ: પિતૃ દોષ નિવારણ માટે જાણો કોણ અને કેવી રીતે કરે છે આ વિધિ

તુલસી વિવાહમાં કન્યાદાનનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે, જે વાસ્તવિક લગ્ન જેટલું જ પુણ્યદાયી મનાય છે. આ લેખમાં કન્યાદાન કોણ કરી શકે અને તેની સંપૂર્ણ વિધિની વિગતવાર માહિતી અપાઈ છે, જે પિતૃ દોષ અને લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 18 Nov 2026 11:45 PM (IST)Updated: Wed, 18 Nov 2026 11:45 PM (IST)
tulsi-vivah-kanyadan-vidhi-and-significance-know-who-performs-this-ritual
AI Image

Tulsi Vivah Kanyadan Vidhi: સનાતન ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે. આ દિવસે તુલસી માતા અને શાલિગ્રામના વિવાહ કરાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તુલસી વિવાહ બાદ લગ્ન સહિતના માંગલિક પ્રસંગોની શરૂઆત થઈ જાય છે. તુલસી વિવાહ કરાવવાથી ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહે છે.

આ ખાસ અવસરે ઘરો અને મંદિરોમાં તુલસી વિવાહની કન્યાદાન સહિત લગ્ન સમયની તમામ વિધિઓનું પાલન કરવામાં આવે છે. હિન્દુ લગ્ન પ્રસંગોમાં કન્યાના માતા-પિતા પોતાની દીકરીનો હાથ વરના હાથમાં સોંપે છે, તેવી જ રીતે તુલસી વિવાહમાં પણ કન્યાદાનની વિધિ કરવામાં આવે છે.

આ વર્ષે 21 નવેમ્બરના શનિવારના રોજ કન્યાદાનની વિધિ નિભાવવામાં આવશે. એવામાં સૌ કોઈને એક પ્રશ્ન અચૂક થાય કે, આખરે તુલસી વિવાહના દિવસે કન્યાદાન કોણ કરશે અને તેની વિધિ કેવી હોય? તો ચાલો આજે અમે આપને તેના વિશે વિગતવાર જણાવીએ...

તુલસી વિવાહમાં કન્યાદાનનું ધાર્મિક મહત્ત્વ

પૌરાણિક માન્યતા મુજબ, તુલસીજીને ધનની દેવી લક્ષ્મી માતાનું સ્વરૂપ તેમજ શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું પ્રતિક માનવામાં આવે છે. આજ કારણોસર તુલસી વિવાહનો પર્વ અત્યંત શુભ અને મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે. આ પ્રસંગે કન્યાદાનનું પણ આગવું મહત્ત્વ છે, જે સામાન્ય કન્યાદાન જેટલું જ પુણ્ય આપે છે.

કન્યાદાન વિના તુલસી વિવાહની વિધિ અધુરી માનવામાં આવે છે. તુલસી વિવાહમાં કન્યાદાન કરવાથી કુંડળીમાં રહેલ પિતૃ દોષ, લગ્ન જીવન સાથે સંકળાયેલી સમસ્યા સહિત અન્ય પારિવારિક અડચણો દૂર થવા લાગે છે.

તુલસી વિવાહમાં કન્યાદાન કોણ કરે

પરંપરા પ્રમાણે, તુલસી વિવાહના પાવન અવસરે પરિવારના કોઈ દંપતી દ્વારા કન્યાદાનની વિધિ સંપન્ન કરાવવી જોઈએ. એમાં પણ પરિવારના મોભી પત્ની સાથે માતા તુલસીને કન્યા માનીને ભગવાન શાલિગ્રામને તેમને હાથ સોંપીને કન્યાદાન કરે, તો તેને સૌથી શ્રેષ્ઠ ગણાવામાં આવે છે. જો ઘરમાં માતા-પિતા બન્ને હોય, તો તેમને જ પ્રાથમિક્તા આપવી જોઈએ.

જો તેઓ ના હોય કે બન્નેમાંથી કોઈ એકની ગેરહાજરીમાં પરિવાર કે સગા-સ્વજનોના અન્ય પરિણીત દંપતી પણ કન્યાદાન કરી શકે છે. કેટલાક ચોક્કસ સંજોગોમાં મંદિરના પૂજારી દ્વારા પણ કન્યાદાન કરાવાઈ શકાય છે. કન્યાદાન માટે કોઈ ચોક્કસ નિયમ નથી, પરંતુ જે દંપતી આ વિધિમાં બેસતા હોય, તેમના વિચાર સાત્વિક હોવા જોઈએ.

તુલસી વિવાહમાં કન્યાદાનની વિધિ | Tulsi Vivah Kanyadan Vidhi

તુલસી વિવાહ માટે સૌ પ્રથમ તો ઘરના આંગણા અને મંદિરની સાફ-સફાઈ કરવી જોઈએ. તેમજ ઘરના આંગણાને સુંદર રંગોળીથી સજાવવું જોઈએ. જે બાદ તુલસીના છોડને લાલ ચુંદડી અને ફૂલોથી દુલ્હનની માફક શણગારવામાં આવે છે. જ્યારે ભગવાન શાલિગ્રામને પીળા વસ્ત્રો પહેરાવવામાં આવે છે.

કન્યાદાનની વિધિ કરનારા દંપતીએ ભગવાન વિષ્ણુ અને તુલસી માતાનું ધ્યાન ધરીને વિવાહ સંપન્ને કરાવવાનો સંકલ્પ લેવો જોઈએ. જે બાદ માતા તુલસી અને ભગવાન શાલિગ્રામને મંડપમાં બિરાજમાન કરવામાં આવે છે.

પરંપરા પ્રમાણે, તુલસીના છોડ પર રહેલ ચુંદડીનો છેડો અને શાલિગ્રામના વસ્ત્રના છેડાની ગાંઠ મારીને ગઠબંધન કરવામાં આવે છે. જે બાદ દંપતી જળ, પુષ્પ અને અક્ષત અર્પણ કરીને કન્યાદાનનો સંકલ્પ પૂર્ણ કરે છે અને વિધિ-વિધાનથી પૂજા કરે છે. જે બાદ ફેરા, મંગળ ગીતો અને આરતી કરવામાં આવે છે. આ પાવન પ્રસંગે તુલસી અને શાલિગ્રામના સાત ફેરા પણ ફરાવવામાં આવે છે. એવું કહેવાય છે કે, જે દંપતીને પોતાની કોઈ દીકરી નથી હોતી, તેઓ જો તુલસી વિવાહના દિવસે માતા તુલસીનું કન્યાદાન કરે, તો તેમને કન્યાના દાન જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે.