Phool Kajali Vrat Katha in Gujarati: ફૂલ કાજળીની વ્રત કથા જાણો અને તેનुं ઉજવણું કેવી રીતે કરવું?

આ વર્ષે ફુલ કાજળીનું વ્રત 27 જુલાઈ 2025ના રોજ છે. ગુજરાતી જાગરણ તમને આજે ફૂલ કાજળી વ્રતનું મહત્વ અને ફૂલ કાજળી વ્રતની વ્રત કથા સાથે વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું તે જણાવીશું.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Fri, 11 Jul 2025 12:17 PM (IST)Updated: Fri, 11 Jul 2025 02:35 PM (IST)
phool-kajali-vrat-katha-in-gujarati-2025-story-significance-how-to-celebrate-the-auspicious-fast

Phool Kajali Vrat Katha in Gujarati: શ્રાવણ માસના સુદ પક્ષની અજવાળી ત્રીજના દિવસે 'ફૂલ કાજળી વ્રત' રાખવામાં આવે છે. આ વ્રત ખાસ કરીને કુમારિકાઓ દ્વારા કરવામાં આવે છે. આ વ્રત ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે, અને તેને કરવાથી કુમારિકાઓને મન ગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે. જો કોઈ કારણસર સુદ પક્ષની ત્રીજે વ્રત ન થઈ શકે, તો શ્રાવણ માસના વદ પક્ષની ત્રીજે પણ આ વ્રત કરી શકાય છે. આ વર્ષે ફુલ કાજળીનું વ્રત 27 જુલાઈ 2025ના રોજ છે. ગુજરાતી જાગરણ તમને આજે ફૂલ કાજળી વ્રતનું મહત્વ અને ફૂલ કાજળી વ્રતની વ્રત કથા જણાવશે. સાથે ફૂલ કાજળી વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું તે પણ જણાવશે.

ફૂલ કાજળી વ્રતની વિધિ અને મહત્વ:

પ્રારંભિક તૈયારી: વ્રત કરનારે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાના હોય છે.
પૂજન: ત્યારબાદ મહાદેવના મંદિરે જઈને ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનું પૂજન કરવું. આ પૂજા બ્રાહ્મણદેવ દ્વારા પણ થઈ શકે છે. પૂજા સામગ્રીમાં ગુલાલ, કંકુ, શ્રીફળ, સોપારી, નાગરવેલના પાન વગેરેનો સમાવેશ થાય છે.
ફૂલનું મહત્વ: આ વ્રતમાં ગુલાબના ફૂલનું ઘણું મહત્વ છે. વ્રત કરનારે આખો દિવસ ફૂલને પોતાના હાથમાં રાખવું પડે છે. જો પાણી પીવું હોય કે ફરાળ ખાવું હોય, તો ફૂલ સુંઘીને જ જળ ગ્રહણ કરવું કે ફરાળ ગ્રહણ કરવું. અંતે, આ ફૂલ મહાદેવ અને દેવી પાર્વતીને સમર્પિત કરવામાં આવે છે.
ઉપવાસ અને સ્મરણ: વ્રતમાં ઉપવાસ કરવાનો હોય છે, વ્રત કરનાર મોટા ભાગની બાળાઓ નમકનો પણ ત્યાગ કરે છે અને નકોરડું રહે છે. આખો દિવસ મહાદેવ અને માતા પાર્વતીનું મનમાં સ્મરણ કરવાનું હોય છે.

ગૌ-પૂજન અને જાગરણ: દિવસ આથમે અને ગાયોના ધણ ઘરે પાછા આવે ત્યારે ગાયોનું પણ પૂજન કરાય છે. આ વ્રતમાં આખી રાતનું જાગરણ કરવાનું હોય છે, જેમાં મહાદેવના ભજન-કીર્તન અને શિવપુરાણ, શિવ મહિમાની વ્રત કથાઓનું વાંચન કરાય છે.
વ્રતનો સમયગાળો: આ વ્રત 5, 7, કે 11 વર્ષ સુધી કરવાનું હોય છે.

ફૂલ કાજળીનું ઉજવણું (વ્રત પૂર્ણ કરવાની વિધિ):

વ્રત પૂર્ણ થયા બાદ તેનું ઉજવણું કરવામાં આવે છે. ઉજવણામાં જે કુમારિકાઓએ આ ફૂલકાજળીનું વ્રત કર્યું હોય તેવી પાંચ કન્યાઓને 'ગોરણી' બનાવીને કંકુનો ચાંદલો કરવામાં આવે છે અને તેમને ફરાળ કરાવવામાં આવે છે. યથાશક્તિ અનુસાર શણગારની વસ્તુઓ જેવી કે બંગડી, ચાંદલા, રૂમાલ, વાસણ, નેલપોલીશ વગેરે ભેટ સ્વરૂપે દક્ષિણા સાથે આપવાની હોય છે. જ્યારે પાંચ વર્ષ થાય, ત્યારે ફૂલ લઈને ભગવાન મહાદેવને ચડાવવાનું હોય છે અને બ્રાહ્મણને દાન-દક્ષિણા આપવાની હોય છે.

ફૂલ કાજળી વ્રત કથા: (Phool Kajali Vrat Katha)

એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેમને ત્યાં એક કન્યાનો જન્મ થયો. બ્રાહ્મણદેવે જ્યારે પોતાની દીકરીની જન્મપત્રિકા જોઈ, ત્યારે તેમને ખબર પડી કે કન્યાના જીવનમાં લગ્નનો કોઈ યોગ જ નથી. આનાથી તેઓ ઘણા ચિંતિત થયા અને પુણ્ય અર્જિત કરવા યાત્રા પર નીકળ્યા.
રસ્તામાં, નદી કિનારે તેમણે નાની બાળાઓને શિવ-પાર્વતીનું પૂજન કરતા અને ફૂલ સુંઘીને જળપાન કરતા જોયા. આ જોઈને બ્રાહ્મણદેવને આશ્ચર્ય થયું. તેમણે બાળાઓને પૂછ્યું કે તેઓ કયું વ્રત કરે છે અને વારંવાર ફૂલ શા માટે સુંઘે છે. બાળાઓએ જણાવ્યું કે આ શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજના દિવસે કરાતું ફૂલ કાજળી વ્રત છે, જે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરી મન ગમતો વર પ્રાપ્ત કરવા માટે કરાય છે.

આ સાંભળીને બ્રાહ્મણદેવે વ્રતની સંપૂર્ણ વિધિ જાણી અને પોતાની દીકરીને કહી. સમય જતાં, આગલા શ્રાવણ માસની અજવાળી ત્રીજે, બ્રાહ્મણની દીકરીએ પણ શ્રદ્ધાપૂર્વક ફૂલ કાજળીનું વ્રત કર્યું અને મહાદેવ તથા દેવી પાર્વતીની પૂજા-અર્ચના કરી. ભગવાન મહાદેવ અને પાર્વતી પ્રસન્ન થયા અને કન્યાનું ભાગ્ય પલટાઈ ગયું. ધીમે ધીમે કન્યા મોટી થઈ અને તેના માગાં આવવા લાગ્યા. તેને સુયોગ્ય વર મળ્યો અને તે સુખી લગ્ન જીવન જીવવા લાગી.
બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંનેએ ભગવાન મહાદેવ અને માતા પાર્વતીનો આભાર માન્યો અને પ્રાર્થના કરી કે "હે પ્રભુ, આપનું આ ફૂલકાજળી વ્રત જે કોઈ કરે તેને સાસરીયામાં સુખ-શાંતિ મળે અને યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય." ભગવાન ભોળાનાથે "તથાસ્તુ" કહ્યું. ત્યારથી આ વ્રત ઘણું પ્રચલિત થયું છે.
આ વ્રત કરનારી બાળાઓ સજી-સવરીને ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે, અને પોતાની મનોકામનાઓ કહે છે કે "હે પ્રભુ, મને મન ગમતો ભરથાર (પતિ) આપજો અને અમારું કલ્યાણ થાય, સાસરે અમને સુખ-શાંતિ મળે એવા આશીર્વાદ આપજો." આમ, ફૂલ કાજળી વ્રત વર્ષોથી ચાલતું આવતું એક મહિમાપૂર્ણ વ્રત છે.