Phool Kajali Vrat Katha: કુંવારી દીકરીઓ માટે કેમ ખાસ છે ફૂલ કાજળી વ્રત? જાણો કથા અને પૂજા વિધિ

Phool Kajali Vrat Katha in Gujarati: 15 ઓગસ્ટ 2026ના રોજ શ્રાવણ સુદ ત્રીજે ઉજવાશે ફુલ કાજળી વ્રત. કુંવારી કન્યાઓ માટે વ્રતનું મહત્વ, શિવ-પાર્વતી પૂજા, ફૂલ સુંઘવાનો નિયમ અને કથા જાણો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 13 Aug 2026 10:26 AM (IST)Updated: Thu, 13 Aug 2026 10:26 AM (IST)
phool-kajali-vrat-katha

Phool Kajali Vrat Katha in Gujarati: સનાતન પરંપરામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આવતી શ્રાવણ સુદ ત્રીજનો દિવસ કુંવારી કન્યાઓ માટે અત્યંત વિશેષ અને ફળદાયી માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે 'ફુલ કાજળી વ્રત'નું આચરણ કરવામાં આવે છે. ગુણવાન, ઉત્તમ અને મનગમતો 'વર' મેળવવાની મનોકામના સાથે યુવતીઓ આ વ્રત પૂરી શ્રદ્ધાથી કરે છે. વર્ષ 2026માં ગુજરાતી કેલેન્ડર અનુસાર આ વ્રત 15 ઓગસ્ટ, શનિવારના રોજ મનાવવામાં આવશે.

ફુલ કાજળી વ્રતની પૂજા વિધિ અને મહત્વપૂર્ણ નિયમો

  • શ્રાવણ સુદ ત્રીજે કુંવારિકાઓએ સૂર્યોદય પહેલાં ઊઠી, સ્નાન આદિથી નિવૃત્ત થઈને સુંદર શણગાર સજવો.
  • ત્યારબાદ શિવાલયે જઈ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા-અર્ચના કરવી તથા ગણેશજીનું ભાવપૂર્વક પૂજન કરવું.
  • આ વ્રતમાં સુગંધિત ફૂલનું વિશેષ મહત્વ છે. ઉત્તમ મહેંકવાળું કોઈપણ ફૂલ લઈ તેને સુંઘ્યા બાદ જ જળપાન કે ફળાહાર કરવો.
  • વ્રત કરનાર કન્યા જો ઉપવાસ (એકટાણું કે નકોરડું) કરે તો તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. ભોળાનાથની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધ થાય છે.
  • સૂર્યાસ્ત પછી તરત જ જગતમાતા ગાયની વિધિવત પૂજા કરવાની પરંપરા છે.
  • રાત્રિ દરમિયાન જાગરણ કરીને ઈષ્ટદેવની સ્તુતિ, ભજન-કીર્તન અને શિવ આરાધના કરવી.
  • શાસ્ત્રો મુજબ પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરવાથી કન્યાના સમગ્ર સંસાર અને જીવનમાં સુખની સુગંધ મહેકી ઊઠે છે.

ફૂલ કાજળી વ્રતની કથા | Phool Kajali Vrat Katha

એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેમને ત્યાં એક કન્યાનો જન્મ થયો. બ્રાહ્મણદેવે જ્યારે પોતાની દીકરીની જન્મપત્રિકા જોઈ, ત્યારે તેમને ખબર પડી કે કન્યાના જીવનમાં લગ્નનો કોઈ યોગ જ નથી. આનાથી તેઓ ઘણા ચિંતિત થયા અને પુણ્ય અર્જિત કરવા યાત્રા પર નીકળ્યા.

રસ્તામાં, નદી કિનારે તેમણે નાની બાળાઓને શિવ-પાર્વતીનું પૂજન કરતા અને ફૂલ સુંઘીને જળપાન કરતા જોયા. આ જોઈને બ્રાહ્મણદેવને આશ્ચર્ય થયું. તેમણે બાળાઓને પૂછ્યું કે તેઓ કયું વ્રત કરે છે અને વારંવાર ફૂલ શા માટે સુંઘે છે. બાળાઓએ જણાવ્યું કે આ શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજના દિવસે કરાતું ફૂલ કાજળી વ્રત છે, જે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરીને મનગમતો વર પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે.

આ સાંભળીને બ્રાહ્મણદેવે વ્રતની સંપૂર્ણ વિધિ જાણી અને પોતાની દીકરીને જણાવી. સમય જતાં, આગલા શ્રાવણ માસની અજવાળી ત્રીજે, બ્રાહ્મણની દીકરીએ પણ શ્રદ્ધાપૂર્વક ફૂલ કાજળીનું વ્રત કર્યું અને મહાદેવ તથા દેવી પાર્વતીની પૂજા-અર્ચના કરી. ભગવાન મહાદેવ અને દેવી પાર્વતી પ્રસન્ન થયાં અને કન્યાનું ભાગ્ય પલટાઈ ગયું. ધીમે ધીમે કન્યા મોટી થઈ અને તેના માગાં આવવા લાગ્યાં. તેને સુયોગ્ય વર મળ્યો અને તે સુખી લગ્નજીવન જીવવા લાગી.

બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંનેએ ભગવાન મહાદેવ અને માતા પાર્વતીનો આભાર માન્યો અને પ્રાર્થના કરી કે, “હે પ્રભુ, આપનું આ ફૂલ કાજળી વ્રત જે કોઈ કરે તેને સાસરિયામાં સુખ-શાંતિ મળે અને યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય.” ભગવાન ભોળાનાથે “તથાસ્તુ” કહ્યું. ત્યારથી આ વ્રત ઘણું પ્રચલિત થયું છે.

આ વ્રત કરનારી બાળાઓ સજી-સવરીને ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે અને પોતાની મનોકામનાઓ વ્યક્ત કરતાં કહે છે કે, “હે પ્રભુ, મને મનગમતો ભરથાર (પતિ) આપજો અને અમારું કલ્યાણ થાય, સાસરે અમને સુખ-શાંતિ મળે એવા આશીર્વાદ આપજો.” આમ, ફૂલ કાજળી વ્રત વર્ષોથી ચાલતું આવતું એક મહિમાપૂર્ણ વ્રત છે.