Khodaldham Kagvad History: કાગવડમાં આવેલું ખોડધામ આસ્થાનું મોટું કેન્દ્ર બની ગયું છે. પાટીદાર પરિવારના કુળદેવી માતા ખોડલનું અહીં ભવ્ય અને દિવ્ય મંદિર આવેલું છે. જે શાંતિની અદભુત અનુભૂતિ કરાવે છે. 17 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી 2007 દરમિયાન ખોડલધામનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. અહીં માત્ર પાટીદાર જ નહીં, ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ મા ખોડલના દર્શને આવે છે. ગુજરાતી જાગરણ તેની મંદિરોની સિરીઝમાં આજે ખોડલધામ વિશે વિગતવાર તમને જણાવશે.
ખોડલધામ વિશે માહિતી
શ્રી ખોડલધામ મંદિરમાં મા ખોડલની સાથે અન્ય 20 દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મંદિરના મંડોવરથી શિખર સુધી કુલ 650 જેટલી મૂર્તિ કંડારીને મૂકવામાં આવી છે. મંદિરની જગતીમાં રહેલી પટેલ પેનલમાં ધરતીપુત્ર પટેલની મૂર્તિઓ કંડારીને મૂકાઈ છે. શ્રી ખોડલધામ એકમાત્ર એવું મંદિર છે જેની જગતીમાં કલાત્મક પટેલ પેનલ મૂકવામાં આવી હોય. શ્રી ખોડલધામ મંદિર વિશ્વનું પ્રથમ એવું મંદિર છે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે.
શિલાન્યાસ વિધિ
21 જાન્યુઆરી, 2011 ના રોજખોડલધામ મંદિરના પ્રોજેક્ટનો શિલાન્યાસ યોજાયો હતો, જેમાં 11 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ વિધિ સાત કુમારિકાઓ દ્વારા કરવામાં આવી હતી
શિલાપૂજન વિધિ
21 જાન્યુઆરી, 2012 ના રોજ શિલાપૂજન વિધિ કરવામાં આવી હતી. 21 લાખથી વધુ લોકોએ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, ભક્તિ દ્વારા એકતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. શિલાપૂજન વિધિ પ્રસંગે 24,435 યુગલોએ શિલાની પૂજા-અર્ચના કરી હતી. આ યુગલોએ એક જગ્યાએ હાથ મિલાવ્યા, તે જ સમયે, તે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું.
મંદિર પરિસરમાં સુવિધાઃ
- વાહનોના પાર્કિંગ માટે વિશાળ આર.સી.સી પાર્કિંગ બનાવાયું છે જેમાં 350 જેટલા ટુ-વ્હીલર અને 350 જેટલી ફોર-વ્હીલર વાહનો પાર્ક કરી શકાય છે.
- સિનિયર સિટીઝન અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે વિનામૂલ્યે વ્હીલચેર, ઈ-રીક્ષા, ગોલ્ફકાર, એમ્બ્યુલન્સ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા છે.
- દર્શનાર્થીઓ માટે ચા ઘરમાં નિઃશુલ્ક ચા-પાણીની વ્યવસ્થા કરાયેલી છે. દરરોજ હજારો ભક્તોને ચા ઘરમાં પ્રસાદરૂપે ચા આપવામાં આવે છે.
- માતાજીને ધરવા માટેનો પ્રસાદ મળી રહે તે માટે પ્રસાદ ઘર બનાવાયું છે.
- અલ્પાહાર ગૃહ (કેન્ટીન)માં સ્વ ખર્ચે ફાસ્ટ-ફૂડની સુવિધા છે. અલ્પાહાર ગૃહમાં ઠંડા-પીણા, ગરમ નાસ્તો, નમકીન વગેરે ફાસ્ટ-ફૂડ મળી રહે છે.
- અન્નપૂર્ણાલયમાં ટોકન દરે બે ટાઈમ ભોજનની વ્યવસ્થા કરાયેલી છે. અન્નપૂર્ણાલયમાં ભક્તોને શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે.
- શુદ્ધ ઠંડા પીવાના પાણીની સુવિધા.
- શૌચાલય અને સ્નાનઘરની પણ વ્યવસ્થા છે.
- દર્શનાર્થીઓને બેસવા માટે 18 ગઝીબોનું નિર્માણ કરાયું છે.
- દર્શન કરીને ભક્તો શાંતિથી બેસી શકે તે માટે વિશાળ લોન એરિયા બનાવેલો છે જેમાં રંગબેરંગી ફૂલ, છોડ ઉગાડવામાં આવ્યા છે.
- ખોડલધામના આંગણે ગુજરાત સરકાર દ્વારા શક્તિવનનું નિર્માણ કરાયેલું છે.
- સત્સંગ હોલ, રંગમંચ અને પાર્ટી પ્લોટની સુવિધા પણ છે.
કેવી રીતે ખોડલધામ મંદિર પહોંચવું
સડક માર્ગ
ખોડલધામ મંદિરનું અંતર જેતપુરથી 14 કિલોમીટર, રાજકોટથી 63 કિલોમીટર, જૂનાગઢથી 48 કિલોમીટરનું અંતર થાય છે. મંદિરે પહોંચવા માટે ખાનગી વાહનો અને સરકારી બસ મળી રહે છે. રાજકોટ તરફથી આવનારે નેશનલ હાઈવે પર વિરપુર અને જેતપુર વચ્ચે આવતા કાગવડ ગામના બોર્ડથી કાગવડ તરફ વળી જવું. જૂનાગઢ તરફથી આવનારે જેતપુર અને વિરપુર વચ્ચે આવતા કાગવડ ગામના બોર્ડથી કાગવડ ગામ તરફ વળી જવુ. નેશનલ હાઈવેથી ખોડલધામ મંદિરનું અંતર માત્ર 4 કિલોમીટર છે.
રેલ માર્ગ
ખોડલધામ મંદિરથી નજીકનું રેલવે સ્ટેશન વિરપુર અને જેતપુર છે. જેતપુર (નવાગઢ) રેલવે સ્ટેશનથી 14.5 કિલોમીટરનું અંતર થાય છે, જ્યારે વિરપુર રેલવે સ્ટેશનથી 8.6 કિલોમીટરનું અંતર છે. રેલવે સ્ટેશનથી કોઈપણ ખાનગી વાહન મારફતે મંદિર પહોંચી શકાય છે.
હવાઈ માર્ગ
ખોડલધામ મંદિરથી નજીકનું હવાઈ મથક હિરાસર એરપોર્ટ- રાજકોટ (95કિલોમીટર) છે. હિરાસર એરપોર્ટથી સડક અથવા રેલમાર્ગે ખોડલધામ મંદિર સુધી પહોંચી શકાય છે.
ખોડલધામની આસપાસ ફરવાલાયક સ્થળો
- જલારામ મંદિર(વિરપુર)
- બૌદ્ધ ગુફા(ખંભાલીડા)
- પ્રખ્યાત BAPSનું અક્ષર મંદિર (ગોંડલ)
- અનળગઢ હિલ સ્ટેશન (ગોંડલ)
- પરબધામ (ભેંસાણ)
- ઓસમ ડુંગર (ધોરાજી)
- સતાધાર (વિસાવદર)
- ગિરનાર (જૂનાગઢ).
ખોડલધામ જાઓ છો તો આ સમય નોંધી લો
| 5:30 AM | કેમ્પસ ખુલવાનો સમય |
| 9:30 PM | કેમ્પસ બંધ થવાનો સમય |
| 6:00 AM | મંદિર ખુલવાનો સમય |
| 9:00 PM | મંદિર બંધ થવાનો સમય |
| 7:00 AM | સવારની આરતીનો સમય |
| 7:00 PM | સાંજની આરતીનો સમય |
| 8:00 AM | ઓફિસ ખુલવાનો સમય |
| 8:00 PM | ઓફિસ બંધ થવાનો સમય |
| 11:00 AM | ભોજનાલય બપોરે ખૂલવાનો સમય |
| 2:00 PM | ભોજનાલય બપોરે બંધ થવાનો સમય |
| 7:00 PM | ભોજનાલય સાંજે ખૂલવાનો સમય |
| 9:00 PM | ભોજનાલય સાંજે બંધ થવાનો સમય |
