Anar Patel Named President of Khodaldham Organization: ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે એક મોટી જાહેરાત કરતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને સંગઠનમાં ટોચની જવાબદારી સોંપી છે. સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલની વરણી આજે ખોડલધામ ખાતે ‘કન્વીનર મીટ 2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોટી સંખ્યામાં પાટીદાર અગ્રણીઓ અને કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જાહેરાત કરી હતી કે, ખોડલધામ સંગઠનના નવા અધ્યક્ષ તરીકે અનાર પટેલ જવાબદારી સંભાળશે.
અનાર પટેલની ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેરાત
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, ખૂબ જ પ્રોટોકોલને તોડીને એક જાહેરાત આજ કરવી પડે એમ છે. ત્યાર પછી જ બીજી જાહેરાત થઈ શકે એમ છે. એટલા માટે, મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે. અને જે નામ આપની સમક્ષ મૂકું છું, તે આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો. ત્યારે, ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે.
આ જાહેરાત બાદ હવે ખોડલધામ સંગઠનને લગતા તમામ કામકાજ અને વહીવટી નિર્ણયોમાં અનાર પટેલની ભૂમિકા મહત્વની રહેશે. સામાજિક અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓનું નેતૃત્વ હવે તેમના દ્વારા કરવામાં આવશે. અનાર પટેલની આ નિમણૂકને પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે.
અનાર પટેલ ખોડલધામના સંગઠન માળખાનું નેતૃત્વ કરશે
નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સંગઠનને વધુ સક્ષમ બનાવવા અને યુવા તેમજ મહિલા શક્તિને ખોડલધામની પ્રવૃત્તિઓ સાથે જોડવા માટે આ નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી પડદા પાછળ રહીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અનાર પટેલ હવે સીધી રીતે ખોડલધામના સંગઠન માળખાનું નેતૃત્વ કરશે. મંચ પરથી અનાર પટેલના નામની ઘોષણા કરતા જ ઉપસ્થિત સમાજના અગ્રણીઓ અને સ્વયંસેવકો દ્વારા આ નિર્ણયને વધાવી લેવાયો હતો.
સંગઠિત હઈશું તો જ ઇતિહાસ રચાશે: અનાર પટેલ
રાજકોટ ખાતે ખોડલધામ સંગઠનના નવનિયુક્ત અધ્યક્ષ અનાર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, તેઓ નરેશભાઈ પટેલના વિશ્વાસને ક્યારેય ડગમગવા નહીં દે. પોતાના પદને એક મોટી જવાબદારી ગણાવતા તેમણે કહ્યું કે, સંગઠિત રહીશું તો જ સમાજમાં ઇતિહાસ રચી શકાશે.
અનાર પટેલે નરેશભાઈ પટેલે 'માની ભક્તિ એકતાની શક્તિ'ના સૂત્ર સાથે ખોડલધામની સ્થાપના કરીને પટેલોને એકજૂટ કરવાનું કપરું કાર્ય સફળતાપૂર્વક પાર પાડ્યું હોવાનું જણાવ્યું. તેમણે સમાજમાં મતભેદને સ્વીકાર્ય ગણાવ્યા, પરંતુ મનભેદ ન હોવા પર ભાર મૂક્યો. વધુમાં, પટેલોના વડીલ માતા-પિતા વૃદ્ધાશ્રમમાં ન હોય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સૌની હોવાનું જણાવી, નરેશભાઈ પટેલને ટેકો આપવા અને તેમની ટીકા ટાળવા માટે પણ અપીલ કરી હતી.
