Jyotish Upay: આજના મોંઘવારીના સમયમાં કોઈને પણ ઉછીના રૂપિયા આપીએ, પરંતુ તે સમયસર પરત ના મળે તે સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. ઘણી વખત આપણે મજબૂરીમાં બીજા લોકોને મદદ કરવા ખાતર ઉધાર પૈસા આપી દઈએ છીએ, પરંતુ જ્યારે આપણને પૈસા જોઈતા હોય ત્યારે સામેની વ્યક્તિ ગલ્લાતલ્લા કરવા લાગે છે. આવી સ્થિતિ ગમે તેવા વ્યક્તિને નિરાશામાં ધકેલી દેતી હોય છે. જ્યારે મોટી રકમની મદદ કરી હોય, ત્યારે તો ખાસ.
ઘણાં ખાનદાની લોકો વારંવાર પૈસા માંગવામાં પણ શરમ અનુભવે છે. આવા લોકો એકવાર પૈસાની મદદ કર્યાં પછી નિરાશાવાદી થઈ જાય છે, જેને પરિણામે આર્થિક સંકડામણનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો
જ્યોતિષ શાસ્ત્રમાં આવી સમસ્યાઓ માટે કેટલાક સરળ અને કારગર ઉપાયનું વર્ણન કરવામાં આવ્યું છે. તમે જેટલી શ્રદ્ધાપૂર્વક આ ઉપાયને અજમાવશો, તેટલું જ શુભ ફળ આપને મળશે. તો ચાલો આ બાબતે વૃંદાવનના જ્યોતિષાચાર્ય રાધાકાંત વત્સ પાસેથી જાણીએ કે, કોઈને ઉધાર પૈસા આપતા પહેલા કે આપ્યા પછી એવા ક્યા ઉપાય અજમાવવા જોઈએ, જેનાથી તમારા પૈસા તમને પરત મળી રહે.
કોઈને પૈસા ઉધાર આપતા પહેલા અજમાવવા જેવા ઉપાય (Jyotish Upay)
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ, મંગળવાર અને બુધવાર એમ સપ્તાહના બે દિવસ એવા છે, જ્યારે કોઈને પણ ઉધાર આપતા કે કોઈની પાસેથી ઉછીના પૈસા લેવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ બે દિવસ દરમિયાન આપવામાં આવેલા રૂપિયા કાયમ ફસાઈ જાય છે અથવા આ રકમ કઢાવવામાં વ્યક્તિને પરસેવા છૂટી જતા હોય છે.
આથી જ્યારે પણ કોઈને મોટી રકમ ઉછીની આપતા હોવ, તો આ બે દિવસને બાદ કરતાં અન્ય શુભ દિવસની પસંદગી કરો. આ સિવાય અન્ય એક સરળ અને શક્તિશાળી ઉપાય છે, જેને તમે કોઈને ઉધાર રૂપિયા આપતા પહેલા અજમાવી શકો છો.
ગૂગળનો ધૂપઃ જે અંતર્ગત તમે જે દિવસે પૈસા ઉછીના આપવાના હોવ, તે દિવસે કે તેના એક દિવસ પહેલા લોબાન કે ગુગળનો ધૂપ તમારા ઘર અને પૈસા રાખતા હોવ, તે જગ્યાએ આપો. આ સમયે મનમાં ભગવાન વિષ્ણુ અને ધનની દેવી લક્ષ્મીને પ્રાર્થના કરો કે, જે પૈસા તમે કોઈની મદદ માટે આપી રહ્યા છો, તે તમારી પાસે કોઈ પણ પ્રકારની અડચણ વિના સમયસર પરત આવી જાય.
પીળી કોડીનો ઉપાયઃ અન્ય એક ઉપાય અનુસાર એક પીળી કોડી લો, જેને ધનની દેવી લક્ષ્મી માતાનું પ્રતિક માનવામાં આવે છે. કોઈને પૈસા ઉછીના આપતા પહેલા આ કોડીને પોતાના હાથમાં લો અને તે વ્યક્તિનું નામ મનમાં સ્મરો, જેને તમે ઉછીના પૈસા આપી રહ્યા છો. જે બાદ આ કોડીને તમારા ઘરમાં જ્યાં પૈસા રાખતા હોવ, તે જગ્યાએ રાખી દો. એવું માનવામાં આવે છે કે, આ ઉપાય તમારા ધનના પ્રવાહને જાળવી રાખે છે અને ઘરમાંથી ગયેલા પૈસા સમયસર પરત મળી જાય છે.
કોઈને પૈસા ઉધાર આપ્યા બાદ ક્યા ઉપાય અજમાવવા જોઈએ? (Astro Remedy)
હવે જો તમે પહેલા જ કોઈને પૈસા ઉછીના આપી ચૂક્યા હોવ અને તે પરત નથી મળી રહ્યા, તો તમે અહીં જણાવેલા ઉપાયો અજમાવશો તો તમારા અટકેલા પૈસા ઝડપથી છૂટા થશે.
આ માટે પ્રતિદિન સવારે સ્નાન કર્યાં બાદ એક તાંબાના લોટામાં જળ ભરો. જેમાં લાલ મરચાના 11 જેટલા બીજ ઉમેરો. હવે સૂર્ય દેવને જળ અર્પણ કરતાં 'ॐ आदित्याय नमः' મંત્રનો જાપ કરો. જળ અર્પણ કરતી વખતે સૂર્ય દેવને પોતાના અટકેલા પૈસા પરત મળે તેવી પ્રાર્થના કરો. આ ઉપાય તમારો આત્મવિશ્વાસ વધારે છે અને અટકેલા કામ પૂરા કરવામાં મદદ કરે છે.
બજરંગબાણનો પાઠઃ આ સિવાય મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજી સમક્ષ સરસવના તેલનો દીવો પ્રકટાવવો અને ત્રણવાર બજરંગ બાણનો પાઠ કરો. હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે. આ ઉપાય તમારા પૈસા પરત લાવવામાં આવતી અડચણો દૂર કરવામાં કારગર માનવામાં આવે છે.
કૃષ્ણબીજ મંત્રનો જાપઃ દરરોજ 'ॐ क्रीं कृष्णाय नमः' મંત્રનો જાપ કરો. આ કૃષ્ણ બીજ મંત્ર અટકેલા પૈસા પરત લાવવા માટે ખૂબ જ પાવરફૂલ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ મંત્રનો જાપ કરવાથી પૈસા લેનાર વ્યક્તિ સામેથી આવીને તમારા પૈસા પરત કરી દે છે.
