Gujarati New Year 2025 | Bestu Varas (બેસતું વર્ષ) 2025 | Vikram Samvat Gujarati New Year 2082 | વિક્રમ સંવત 2082: ગુજરાતના લોકો માટે દિવાળીનો તહેવાર પૂર્ણ થતાં જ નવા વર્ષનો ઉત્સાહ શરૂ થાય છે. વિક્રમ સંવત વર્ષની શરૂઆત ચૈત્ર મહિનાથી થતી હોવા છતાં, ગુજરાતમાં કારતક સુદ એકમ, એટલે કે દિવાળીના બીજા દિવસે, ગુજરાતી નવું વર્ષ 'બેસતું વર્ષ' ઉજવવામાં આવે છે. આ વર્ષે, બેસતું વર્ષ 22 ઓક્ટોબર, 2025, બુધવારના રોજ ઉજવવામાં આવશે. ગુજરાતભરમાં આ દિવસે હર્ષ, ઉમંગ અને ઉલ્લાસ સાથે નવા વર્ષનું સ્વાગત કરાય છે.
ગુજરાતી નવું વર્ષનું મુહૂર્ત
આ પણ વાંચો
આ વર્ષે, ગુજરાતી નવું વર્ષ 22 ઓક્ટોબર, 2025 ના રોજ છે. આ દિવસ સાથે વિક્રમ સંવત 2082 ની શરૂઆત થશે.
- પ્રતિપદા તિથિ પ્રારંભ: 21 ઓક્ટોબર, 2025 સાંજે 05:54 વાગ્યે
- પ્રતિપદા તિથિ સમાપ્ત: 22 ઓક્ટોબર, 2025 રાત્રે 08:16 વાગ્યે
- બ્રહ્મ મુહૂર્ત - 04:56 AM થી 05:46 AM
- પ્રાતઃ સંધ્યા - 05:21 AM થી 06:36 AM
- વિજય મુહૂર્ત - 02:16 PM થી 03:02 PM
- ગોધૂલી મુહૂર્ત - 06:06 PM થી 06:32 PM
- સાયાહ્ન સંધ્યા - 06:06 PM થી 07:22 PM
- અમૃત કાલ - 04:00 PM થી 05:48 PM
- નિશિતા મુહૂર્ત - 11:57 PM થી 12:47 AM, ઓક્ટોબર 23
ચોપડા પૂજન અને વ્યવસાયિક મહત્વ
ગુજરાતી નવું વર્ષ વેપારીઓ માટે ખાસ મહત્વ ધરાવે છે. આ દિવસે જૂના ચોપડા બંધ કરીને નવા હિસાબી પુસ્તકો (ચોપડા) ખોલવામાં આવે છે. આ વિધિને ચોપડા પૂજન (Chopda Pujan 2025) તરીકે ઓળખાય છે, જે દિવાળીની લક્ષ્મી પૂજા દરમિયાન કરવામાં આવે છે. આ પુસ્તકો પર 'શુભ' અને 'લાભ' લખીને આગામી વર્ષ નફાકારક રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. આ પૂજામાં દેવી લક્ષ્મી અને સરસ્વતી બંનેના આશીર્વાદ લેવામાં આવે છે. ગુજરાતના ઘણા વ્યવસાયો દિવાળી પછી બંધ રહે છે અને લાભ પાંચમના દિવસે ફરીથી ખુલે છે, પરંતુ ચોપડા પૂજન માટે સ્ટાફ અને પરિવારને આમંત્રિત કરાય છે.
'બેસતું વર્ષ' નો અનોખો ઇતિહાસ અને ધાર્મિક મહત્વ
ગુજરાતી નવું વર્ષ 'વર્ષા-પ્રતિપદા' અથવા 'પડવા' તરીકે પણ ઓળખાય છે. મોટાભાગે તેને 'બેસતું વર્ષ' કહેવામાં આવે છે, જેનો શાબ્દિક અર્થ 'નવું વર્ષ' (Gujarati New Year 2025) થાય છે. આ તહેવારનો ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો છે. લોકકથા અનુસાર, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગોકુળના લોકોને ઇન્દ્રદેવની પૂજા કરતા જોયા, ત્યારે તેમણે તેમને સમજાવ્યું કે તેમનો સાચો ધર્મ ખેતી અને પશુઓનું રક્ષણ કરવાનો છે. તેમણે લોકોને ઇન્દ્રદેવને બદલે ગોવર્ધન પર્વત અને ગાયોની પૂજા કરવા માટે પ્રેર્યા.
આ વાતથી ક્રોધિત થઈને ઇન્દ્રદેવે ગોકુળ પર સાત દિવસ અને સાત રાત સુધી સતત વરસાદ વરસાવ્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઊંચકીને ગામલોકો, પાક અને પશુઓને આશ્રય આપ્યો. આખરે, પોતાની ભૂલનો અહેસાસ થતાં ઇન્દ્રદેવે ભગવાન શ્રી કૃષ્ણની માફી માંગી. આ ઘટના બાદથી, ગોવર્ધન પર્વતની પૂજા કરવાની અને આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ. આ દિવસે, લોકો વીતેલા વર્ષને વિદાય આપીને નવા અને શુભ શરૂઆતનું સ્વાગત કરે છે.
નવા વર્ષના દિવસે, લોકો વહેલી સવારે ઊઠીને ઘરની સાફ-સફાઈ અને સજાવટ કરે છે. નવા વસ્ત્રો પહેરીને મંદિરોમાં દર્શન કરવા જાય છે. ત્યારબાદ, ફટાકડા ફોડીને, મીઠાઈઓ અને ફરસાણની આપ-લે કરીને મિત્રો અને પરિવારજનો સાથે ખુશીઓ વહેંચે છે. આ દિવસે લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.
