Gujarati New Year 2083: ગાંધીનગરના કોબા સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘ તથા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ઉપસ્થિત સૌ આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોએ પરસ્પર નૂતન વર્ષની શુભકામનાઓ આદાનપ્રદાન કરી હતી.
આ સમારોહમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ભાજપના રાષ્ટ્રીય મંત્રી રોહનભાઈ ગુપ્તા, પ્રદેશ મહામંત્રીઓ ( અનિરૂદ્ધભાઇ દવે, ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, અજયભાઈ બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ), રાજ્ય સરકારના મંત્રીઓ, પક્ષના વરિષ્ઠ આગેવાનો, સાંસદો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીનું સંબોધન અને સંકલ્પ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, પ્રજાજનોએ વડાપ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટી પર જે અતૂટ વિશ્વાસ મૂક્યો છે, તેને વધુ મજબૂત કરવા આપણે સૌએ નવા વર્ષે સંકલ્પબદ્ધ થઈને કાર્ય કરવાનું છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં 50 કરોડથી વધુ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, જે એક મોટી ઉપલબ્ધિ છે.

સરકારની દરેક જનકલ્યાણકારી યોજનાના કેન્દ્રમાં સામાન્ય માનવી રહ્યો છે અને કાર્યકર્તાઓએ આ યોજનાઓનો લાભ ઘરે-ઘરે પહોંચાડી નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. મુખ્યમંત્રીએ ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને આત્મસાત કરી ‘વિકસિત ભારત’ અને ‘વિકસિત ગુજરાત’ના નિર્માણ માટે વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે કામ કરવા હાકલ કરી હતી.
પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘના વિચારો: વિકાસની રોશની
પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘે જણાવ્યું હતું કે, દિવાળી એટલે અંધકાર સામે પ્રકાશ પાથરવાનો અવસર અને આજે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા યુગપુરુષનું નેતૃત્વ પ્રાપ્ત થયું છે જે આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે. ગુજરાતના કાર્યકર્તાઓ વિશેષ ભાગ્યશાળી છે કે તેમને મુખ્યમંત્રી અને સંગઠન મહામંત્રી તરીકે પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વનો સ્નેહ અને માર્ગદર્શન મળ્યું છે.
છેલ્લા 12 વર્ષમાં દેશભરમાં કરોડો ગરીબોના જીવનમાંથી અંધકાર દૂર થયો છે. આજે 50 કરોડથી વધુ ગરીબો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે, 4 કરોડ ગરીબ પરિવારોને પાકાં આવાસ મળ્યાં છે, 19 કરોડ ઘરો સુધી પીવાનું પાણી પહોંચ્યું છે અને શૌચાલય તથા રસોઈ ગેસ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. ભારત આજે 7.8 ટકાના વિકાસ દર સાથે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં અગ્રેસર છે.

પ્રદેશ અધ્યક્ષનું આહ્વાન
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આ વર્ષ આપણા સૌ માટે ખૂબ વિશિષ્ટ છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને રાષ્ટ્રસેવાના 25 વર્ષ પૂર્ણ થયા છે. ભાજપાનો કાર્યકર્તા હંમેશાં પ્રજાની વચ્ચે રહીને સામાન્ય પરિવારના જીવનમાં વિકાસના દીવા પ્રગટાવવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરે છે.

આગામી 22 નવેમ્બરના રોજ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમો યોજાશે, જેમાં પેજ સમિતિના સભ્યોથી લઈને પક્ષના સમર્થકો અને સામાજિક આગેવાનો સાથે આત્મીયતાથી મળવાનો અવસર રહેશે. નવા વર્ષમાં સંગઠન અને જનસંપર્કને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે તેમણે સૌને ફરી એકવાર નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
