Dev Uthani Ekadashi: દેવઉઠી એકાદશી પર જ કેમ જાગે છે ભગવાન વિષ્ણુ? જાણો આ પાછળનું કારણ

દેવઉઠી એકાદશીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. જાણો ભગવાન વિષ્ણુની યોગનિદ્રા, ચાતુર્માસની પૂર્ણાહુતિ, તુલસી વિવાહ અને આ પર્વ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ વિશે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Mon, 16 Nov 2026 04:25 PM (IST)Updated: Mon, 16 Nov 2026 04:25 PM (IST)
dev-uthani-ekadashi-significance-why-lord-vishnu-wakes-up-after-4-months

Dev Uthani Ekadashi Significance: હિન્દુ ધર્મમાં કેટલીક તિથિઓ એવી છે, જેની સાથે અનેક ધાર્મિક પરંપરાઓ જોડાયેલી છે. દેવઉઠી એકાદશી પણ તેમાંથી એક છે. આ દિવસથી જાણે તહેવારોની સાથે માંગલિક પ્રસંગોની નવી શરૂઆત થાય છે. ઘરમાં તુલસી વિવાહની તૈયારીઓ થાય છે અને ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. પરંતુ આ એકાદશીને દેવઉઠી કેમ કહેવામાં આવે છે? તેની પાછળની માન્યતા અને પરંપરા જાણવા જેવી છે.

ભગવાન વિષ્ણુની યોગનિદ્રા સાથે જોડાયેલી છે આ માન્યતા

હિન્દુ પંચાંગ પ્રમાણે વર્ષ દરમિયાન સામાન્ય રીતે 24 એકાદશી આવે છે. અધિકમાસ હોય ત્યારે તેની સંખ્યા વધીને 26 થાય છે. આ તમામ એકાદશીઓમાં દેવઉઠી એકાદશીનું આગવું મહત્વ છે. તેને દેવોત્થાન એકાદશી અને પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

ધાર્મિક માન્યતા પ્રમાણે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગનિદ્રામાં પોઢી જાય છે. ત્યારબાદ ચાર મહિના સુધી ચાલતા ચાતુર્માસ દરમિયાન લગ્ન સહિતનાં શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. કારતક મહિનાની શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી જાગે છે. આ દિવસ દેવઉઠી એકાદશી તરીકે ઉજવાય છે. ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલનહાર માનવામાં આવે છે. તેમની યોગનિદ્રા અને જાગરણની આ પરંપરા સૃષ્ટિમાં નવી શરૂઆત અને શુભ કાર્યોના પુનઃઆરંભનું પ્રતીક માનવામાં આવે છે.

દેવઉઠી એકાદશી પર કેવી રીતે થાય છે ભગવાન વિષ્ણુની પૂજા?

આ દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવામાં આવે છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. પૂજામાં ફૂલ, ફળ, દીવો, ધૂપ અને તુલસીનાં પાન અર્પણ કરવામાં આવે છે. ભક્તો પોતાની શ્રદ્ધા પ્રમાણે એકાદશીનું વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ, ભજન તથા કીર્તન કરે છે.

ભગવાન વિષ્ણુની સ્તુતિ માટે આ શ્લોકનું પઠન પણ કરવામાં આવે છે:

શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશમ્।
વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગમ્॥
લક્ષ્મીકાંતં કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યમ્।
વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્॥

આ શ્લોકનો ભાવાર્થ એ છે કે ભગવાન વિષ્ણુ શાંત સ્વરૂપ ધરાવે છે અને સમગ્ર સૃષ્ટિના પાલનહાર છે. તેઓ ભક્તોના દુઃખ અને ભય દૂર કરનારા તથા સમગ્ર જગતના આધાર છે.

તુલસી વિવાહથી શરૂ થાય છે માંગલિક પ્રસંગોની તૈયારીઓ

દેવઉઠી એકાદશી સાથે તુલસી વિવાહની પરંપરા પણ જોડાયેલી છે. આ દિવસે ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના વિવાહ કરાવવામાં આવે છે. ઘરના આંગણામાં તુલસીના ક્યારાને શણગારવામાં આવે છે અને લગ્નની જેમ મંડપ બનાવી ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. આ પરંપરાને શુભ શરૂઆત અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ લગ્ન, ગૃહપ્રવેશ સહિતનાં શુભ કાર્યો માટેનો સમય ફરી શરૂ થાય છે.

એકાદશીનું વ્રત માત્ર ભૂખ્યા રહેવા પૂરતું નથી

એકાદશીના ઉપવાસ પાછળ આત્મસંયમ અને મનની શુદ્ધિનો ભાવ રહેલો છે. આ દિવસે ભોજન પર નિયંત્રણ રાખવાની સાથે વ્યક્તિએ પોતાના વિચારો અને વર્તન પર પણ ધ્યાન આપવું જોઈએ. ગુસ્સો, ઈર્ષ્યા અને નકારાત્મકતા જેવી બાબતોથી દૂર રહીને સારા કર્મો કરવાનો સંકલ્પ લેવો જોઈએ. આ રીતે વ્રત વ્યક્તિને પોતાની અંદર સુધારો લાવવાની તક આપે છે.

ભગવાન વિષ્ણુના જાગરણ સાથે જીવનમાં પણ લાવો નવી શરૂઆત

દેવઉઠી એકાદશી આપણને માત્ર ધાર્મિક વિધિઓ કરવાની જ નહીં, પરંતુ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની પણ પ્રેરણા આપે છે. જે રીતે આ દિવસે ભગવાન વિષ્ણુના જાગરણ સાથે ચાતુર્માસ પૂર્ણ થાય છે, તેવી જ રીતે આપણે પણ જૂની ખરાબ આદતો છોડીને નવા સંકલ્પો સાથે આગળ વધવું જોઈએ. સારા વિચારો, શિસ્ત, આત્મસંયમ અને સેવાભાવ અપનાવવો એ જ આ પર્વનો સાચો સંદેશ છે.