Dev Uthani Ekadashi 2026 Date: વર્ષ 2026માં દેવઉઠી એકાદશી ક્યારે છે? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Dev Uthani Ekadashi 2026 Date: દેવઉઠી એકાદશી ક્યારે છે?. જાણો વ્રતની સાચી તારીખ, ભગવાન વિષ્ણુની પૂજાના શુભ મુહૂર્ત, પારણાનો સમય અને ધાર્મિક મહત્વ.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Mon, 16 Nov 2026 03:13 PM (IST)Updated: Mon, 16 Nov 2026 03:13 PM (IST)
dev-uthani-ekadashi-2026-date-parana-time-puja-vidhi-and-significance

Dev Uthani Ekadashi 2026 Date and Time: હિન્દુ ધર્મમાં તમામ એકાદશીઓમાં દેવશયની અને દેવઉઠી એકાદશીનું વિશેષ મહત્વ છે. દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગનિદ્રામાંથી જાગે છે અને તેની સાથે જ ચાતુર્માસ પૂર્ણ થાય છે. ચાતુર્માસ પૂર્ણ થતાં જ તમામ પ્રકારના શુભ અને માંગલિક કાર્યો (જેમ કે લગ્ન, ગૃહ પ્રવેશ વગેરે) ફરીથી શરૂ થઈ જાય છે. દેવઉઠી એકાદશીને 'દેવ પ્રબોધિની' અથવા 'દેવોત્થાન એકાદશી' તરીકે પણ ઓળખવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે. આવો જાણીએ વર્ષ 2026 માં દેવઉઠી એકાદશી ક્યારે છે, તેનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ શું છે.

ક્યારે છે દેવઉઠી એકાદશી 2026? (Devuthani Ekadashi 2026 Date)

હિન્દુ પંચાંગ અનુસાર, આ વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 20 નવેમ્બરના રોજ સવારે 07:15 કલાકે શરૂ થશે અને 21 નવેમ્બરના રોજ સવારે 06:31 કલાકે પૂર્ણ થશે. ઉદયાતિથિ અને માન્યતાઓ અનુસાર, ગૃહસ્થ લોકો દેવઉઠી એકાદશીનું વ્રત 20 નવેમ્બર ના રોજ રાખશે.

ભગવાન વિષ્ણુની પૂજાનું શુભ મુહૂર્ત (Devuthani Ekadashi 2026 Puja Muhurat)

20 નવેમ્બરના રોજ પૂજા કરવા માટેના શુભ મુહૂર્ત નીચે મુજબ છે:

બ્રહ્મ મુહૂર્ત: સવારે 05:01 થી 05:54 સુધી

અભિજીત મુહૂર્ત: સવારે 11:45 થી બપોરે 12:28 સુધી

ગોધૂલિ મુહૂર્ત: સાંજે 05:26 થી 05:52 સુધી

એકાદશી વ્રત પારણાનો સમય (Devuthani Ekadashi 2026 Vrat Parana Time)

જે ભક્તો 20 નવેમ્બરે ઉપવાસ કરશે, તેમણે વ્રતના પારણા 21 નવેમ્બર ના રોજ કરવાના રહેશે. પારણા કરવાનો શુભ સમય બપોરે 01:11 થી 03:18 સુધીનો રહેશે.

દેવઉઠી એકાદશીનું મહત્વ (Devuthani Ekadashi Significance)

ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે શ્રીહરિ વિષ્ણુ ચાર મહિનાની યોગનિદ્રા પછી જાગે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને હજારો અશ્વમેઘ અને રાજસૂય યજ્ઞ સમાન ફળ મળે છે. આ એકાદશીનું વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની આરાધના કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે.

દેવઉઠી એકાદશી વ્રતના નિયમો (Devuthani Ekadashi Vrat Rules)

આ પવિત્ર દિવસે અમુક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે:

વિશેષ પૂજા: ભગવાન વિષ્ણુ નિદ્રામાંથી જાગતા હોવાથી તેમની પૂજા પૂરા વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે કરવી જોઈએ.

તુલસી વિવાહ: આ દિવસે માતા તુલસીના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે કરાવવાની પરંપરા છે. આ કરવાથી કન્યાદાન સમાન પુણ્ય મળે છે.

દીપદાન: એકાદશીની સાંજે ઘરના મુખ્ય દરવાજા પર, મંદિરમાં, તુલસી ક્યારા પાસે અને પવિત્ર નદીના કિનારે દીવા પ્રગટાવવાનું (દીપદાન) વિશેષ મહત્વ છે.

દાન-પુણ્ય: આ દિવસે જરૂરિયાતમંદ લોકોને અન્ન અને વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ પુણ્યદાયક માનવામાં આવે છે.

ચોખા ખાવાની મનાઈ: તમામ એકાદશીની જેમ આ દિવસે પણ ચોખા (ભાત) ખાવા વર્જિત છે.

સાત્વિક ખોરાક: આ દિવસે ઘરમાં ડુંગળી, લસણ, માંસ અને દારૂનું સેવન સંપૂર્ણપણે ટાળવું જોઈએ. માત્ર સાત્વિક આહાર જ લેવો.

વાળ અને નખ કાપવા નહીં: એકાદશીના દિવસે નખ કાપવા, વાળ કાપવા કે દાઢી કરવાની મનાઈ છે.

દેવઉઠી એકાદશીના આ પવિત્ર દિવસે પૂજા-પાઠ અને સાચા મનથી ભક્તિ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે.