Tulsi Vivah Ritual: હિન્દુ ધર્મમાં કારતક મહિનાના સુદ પક્ષમાં એકાદશીની તિથિએ આવતી દેવઉઠી અગિયારસનું (Dev Uthani Ekadashi 2026) આગવું મહત્ત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગનિંદ્રામાંથી જાગે છે, તે સાથે જ ચતુર્માસ સમાપ્ત થાય છે. ચતુર્માસ સમાપ્ત થવાની સાથે જ લગ્ન સહિતના માંગલિક કાર્યોની શરૂઆત થઈ જાય છે.
કેટલીક જગ્યાએ દેવઉઠી અગિયારસના દિવસે તુલસી વિવાહ કરાવવામાં આવે છે. આ અવસરે તુલસીના ક્યારાને સજાવીને તેની ચોતરફ શેરડીના સાંઠાથી એક સુંદર મંડપ બનાવવાનું વિશેષ મહત્ત્વ છે, પરંતુ શું તમે જાણો છો કે, તુલસી વિવાહના દિવસે તુલસી ક્યારે શેરડીનો જ મંડપ કેમ બનાવવામાં આવે છે? જો તમારો જવાબ ના હોય, તો આજે અમે આ લેખમાં તમારા આ પ્રશ્નનો વિગતવાર જવાબ જણાવી રહ્યા છીએ...
આ પણ વાંચો
તલસી ક્યારાની ફરતે શેરડીનો મંડપ બનાવવાની પરંપરા
હકીકતમાં તુલસીના છોડને ધનની દેવી માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસી વિવાહના દિવસે તુલસી ક્યારે ઘીનો દીવો પ્રગટાવીને પૂજા કરવાની પ્રથા છે. ધાર્મિક માન્યતા મુજબ, તુલસી પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
દેવઉઠી અગિયારસ અને તુલસી વિવાહના દિવસે તુલસીના ક્યારાની ફરતે શેરડીની મદદથી સુંદર મંડપ બનાવવામાં આવે છે. જેને બનાવવાની મુખ્ય પરંપરા તુલસી વિવાહ સાથે સંકળાયેલી છે. જે પ્રમાણે લગ્નમાં ચોરી અર્થાત મંડપ બનાવવામાં આવે છે, તેવી જ રીતે તુલસી વિવાહના દિવસે માતા તુલસી અને ભગવાન શાલિગ્રામના લગ્ન માટે પણ શેરડીના ચાર સાંઠાની મદદથી મંડપ તૈયાર કરવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, શેરડીનો શુક્ર ગ્રહ સાથે ગાઢ સબંધ માનવામાં આવે છે. તુલસીના ક્યારાની આસપાસ મંડપ બનાવવા માટે શેરડીનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી પતિ-પત્ની વચ્ચેના સબંધોમાં શેરડી જેવી મીઠાસ સદાય માટે જળવાઈ રહે.
આ ઉપરાંત કારતક મહિનામાં શેરડીનો નવો પાક તૈયાર થવા લાગે છે. આથી પૂજામાં શેરડીને સામેલ કરવો એ નવા પાક (ઉપજ) માટે ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા સાથે પણ જોડાયેલું છે.
