VIRAL VIDEO, Gopal Sadhu Dayro in Surat : ગુજરાતી સંસ્કૃતિનો ધબકાર એટલે ડાયરો. જે એક એવું માધ્યમ છે, જેના થકી ગુજરાતનો સમૃદ્ધ વારસો આજની પેઢીની સાથે-સાથે વિદેશમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચી રહ્યો છે.
ડાયરામાં લોક કલાકારો પર પૈસાનો વરસાદ થતો હોય તેવા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે, ત્યારે આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
તાજેતરમાં ગુજરાતના જાણીતા ડાયરા કલાકાર ગોપાલ સાધુનો સુરતમાં એક કાર્યક્રમ હતો. સ્વ. હરીશભાઈ બાલુભાઈ પટેલની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સુરતમાં ડાયરામાં ગોપાલ સાધુ હાર્મોનિય અને તબલાના તાલે સુર છેડી રહ્યા હોય છે. આ સમયે લોકો તેમના પર પૈસાનો વરસાદ કરી રહ્યા હોય છે.
આ સમયે જ અચાનક ઑડિયન્સમાંથી કાળા કપડા પહેરેલી એક વ્યક્તિ સ્ટેજ પર આવી જાય છે. જેણે બ્લેક શર્ટ અને નીચે કાળી લુંગી પહેરી છે, જ્યારે તેણે ગળામાં સોનાની બે-ત્રણ ચેઈન પહેરેલી છે. તેમજ આંખ પર બ્લેક ગોગલ્સ પહેર્યા છે.
સાઉથ સુપર સ્ટાર ધનુષના હમશકલને જોઈને ગોપાલ સાધુ પણ બે ઘડી ચોંકી જાય છે. જે બાદ આવેલ વ્યક્તિ ગોપાલ સાધુના કાનમાં કંઈક કહે છે. જે બાદ ગોપાલ સાધુ માઈકમાં બોલે છે કે, કાલે ન્યૂઝમાં આવશે કે, સાઉથ સુપર સ્ટાર ડાયરામાં આવી ગયા અને કલાકાર પર ગોર કરતાં હતા.
જે બાદ ગોપાલ સાધુ વીડિયો ગ્રાફરને કહે છે કે, આ ભાઈનો વીડિયો ખાસ લેજો એટલે લોકોને ખબર પડે કે, માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સાઉથથી પણ લોકો ડાયરા સાંભળવા માટે આવે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ખુદ ગોપાલ સાધુએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ધનુષ જેવા દેખાતા આ યુવક સાથે પોતાની તસવીર અને વીડિયો શેર કર્યાં છે.
જણાવી દઈએ કે, ગોપાલ સાધુ ગુજરાતના પ્રતિભાશાળી લોક ગાયક અને ડાયરાના કલાકાર છે. તેઓ માત્ર ભજન કે ગીતો જ નહીં, પરંતુ ગઝલો પણ સારી રીતે ગાઈ જાણે છે. ગોપાલ સાધુ પોતાના ડાયરામાં ગીત-સંગીતની સાથે-સાથે હળવી રમુજ થકી પ્રેક્ષકોને કલાકો સુધી જકડી રાખે છે. તાજેતરમાં જ અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિવલમાં 30 ડિસેમ્બરના રોજ ગોપાલ સાધુનો કાર્યક્રમ યોજાયો હતો.
જ્યારે સાઉથ સુપર સ્ટાર ધનુષની ગણતરી કેટલાક એવા સિલેક્ટેટ સુપરસ્ટારમાં થાય છે, જે એક્શન, કૉમેડી અને રોમેન્ટિક એમ તમામ પ્રકારની ફિલ્મોમાં પોતાના અભિનયથી અમિટ છાપ છોડે છે. ધનુષે સાઉથ સિવાય બૉલિવૂડ ફિલ્મોમાં પણ ઉમદા અભિનય થકી આગવી પ્રસિદ્ધિ મેળવી છે. અભિનય ઉપરાંત ધનુષે ગાયેલુ 'વાય ધીસ કોલાવરી ડી' પણ ખૂબ જ હીટ થયું હતુ.
ધનુષે સાઉથ સ્ટાર રજ્નીકાંતની દીકરી એશ્વર્યા રજ્નીકાંત સાથે 2004માં લગ્ન કર્યા હતા. જો કે 2022માં બન્ને અલગ થઈ ગયા હતા. જે બાદ નવેમ્બર 2024માં ધનુષ અને એશ્વર્યાના છૂટાછેડા થયા હતા.
