મકરસંક્રાંતિ પૂરી થવા સાથે જ દેશભરમાં લગ્નસરાની સિઝન શરૂ થઈ ચૂકી છે. દરરોજ સેંકડો લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી એક અનોખા લગ્નનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં બે મહિલાઓએ પોતાના દારૂડિયા પતિથી ત્રસ્ત થઈને ઘરનો ત્યાગ કર્યો અને એકબીજા સાથે લગ્ન કરી લીધા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કવિતા અને ગુંજા (ઉર્ફે બબલુ) નામની બે મહિલાઓએ પોતાના દારૂડિયા પતિથી છૂટકારો મેળવીને ગત 23 જાન્યુઆરીના રોજ દેવરિયાના પ્રખ્યાત શિવ મંદિરમાં લગ્નના બંધમાં બંધાઈ ગઈ છે. જેમાં ગુંજાએ વરની ભૂમિકા ભજવી હતી અને કવિતાની સેથીમાં સિંદૂર પૂરીને બન્ને જણાએ સપ્તપદીના સાત ફેરા પણ લીધા હતા.
કવિતા અને ગુંજા આજથી પાંચ વર્ષ અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બન્ને મહિલાઓ પોતાના પતિથી ત્રસ્ત હોવાથી એકબીજાની નજીક આવવા લાગી હતી. આખરે બન્ને જણાએ જિંદગીભર એકબીજાનો સાથ નિભાવવાનું વચન આપ્યું હતુ. માત્ર ઉત્તર ભારત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં બન્ને મહિલાઓના અનોખા લગ્નની ચર્ચા થઈ રહી છે.
પોતાની વ્યથા ઠાલવતા ગુંજાએ જણાવ્યું કે, અમે બન્ને અમારા પતિઓની દારૂ પીવાની આદત અને તેમની મારઝૂડથી દુખી હતા. અમારે જીવનમાં શાંતિ જોઈએ છે. અમે ગોરખપુરમાં એક દંપતી તરીકે સાથે જીવન વ્યતિત કરવાનો નિર્ણય લીધો છે.
