Vadodara: વાઘોડિયામાં વાનરે કૂદકો મારતા ઝાડ પર બેઠેલી મધમાખીઓ વિફરી, ઝૂંડે એક કલાક સુધી આતંક મચાવતા રસ્તા પર કરફ્યૂ જેવો માહોલ

વિદ્યાર્થી, વાલીઓ અને રાહદારી સહિત 10 લોકોને ડંખ મારતા સારવાર લેવાની ફરજ પડી. જે પૈકી બેની હાલત ગંભીર જણાતા તેઓને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 25 Jan 2025 06:41 PM (IST)Updated: Sat, 25 Jan 2025 06:41 PM (IST)
vadodara-news-bees-attack-students-out-side-of-school
HIGHLIGHTS
  • મધમાખીઓ પાછળ પડતાં વિદ્યાર્થીઓ બૂમાબૂમ કરતાં પાછા સ્કૂલમાં ભરાઈ ગયા

Vadodara: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી એન.જી. શાહ હાઈસ્કૂલ નજીક મધમાખીના ઝૂંડે આતંક મચાવતા અફરાતફરી મચી જવા પામી હતી. જેમાં સ્કૂલ છૂટવાના સમયે જ મધમાખીઓ ત્રાટકી હતી અને વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપરાંત નજીકમાંથી પસાર થતાં લોકોને ડંખ માર્યા હતા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વાઘોડિયા તાલુકાના માડોધર રોડ પર આવેલ ડૉ. એન.જી. સાર્વજનીક હાઈસ્કૂલની સામે રોડ પર આવેલા લીમડાના ઝાડ પર ભમરીયા મધમાખીનો પૂડો આવેલો છે. આજે સ્કૂલ છૂટવાના સમયે વાનરે લીમડાના ઝાડ પર કૂદકો મારતા મધ માખીઓ વિફરી હતી. જોત-જોતામાં મધમાખીઓનું ઝૂંડ રોડ પરથી પસાર થઈ રહેલા લોકો પર તૂટી પડ્યું હતુ.

આ સમયે સ્કૂલના ગેટ પર વિદ્યાર્થીઓને લેવા આવેલા વાલીઓ પર પણ મધમાકીઓએ હુમલો કર્યો હતો. જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ બચવા માટે બૂમાબૂમ કરતાં પાછા શાળામાં ભરાઈ ગયા હતા. જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક યુવકે પોતાનો શર્ટ ઉતારીને તેની મદદથી મધમાખીઓને પોતાનાથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.

વિફરેલી મધમાખીઓએ એક કલાક સુધી રીતસર આતંક મચાવતા રસ્તા પર કરફ્યૂ જેવો માહોલ જોવા મળ્યો હતો. મધમાખીઓ શાંત થતાં 5 જેટલા વિદ્યાર્થીઓ, 2 વાલીઓ સહિત 10 લોકોને મધમાખીઓએ ડંખ માર્યા હોવાનું સામે આવ્યું હતુ. જે તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી બેની હાલત ગંભીર જણાતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે.