UP E-Rickshaw Ban Request: ઉત્તરપ્રદેશના લખનઉ સહિતના મોટા શહેરોની સડકો પર ઈ-રિક્ષાઓની કૂદકે ને ભૂસકે વધતી અનિયંત્રિત સંખ્યા હવે ટ્રાફિક જામ અને માર્ગ પર દબાણનો મોટો પર્યાય બની છે. અંકુશ વગર દોડતી સેંકડો ઈ-રિક્ષા નાગરિકો અને અન્ય વાહનચાલકો માટે માથાનો દુખાવો બની જતાં આખરે મામલો અદાલતમાં પહોંચ્યો છે.
ઈ-રિક્ષાના અનિયંત્રિત સંચાલન પર અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે અત્યંત તીખી ટિપ્પણી કરીને રાજ્ય સરકારને તાત્કાલિક અસરકારક નીતિ બનાવવા કડક આદેશ આપ્યો હતો. જોકે, વર્તમાન મોટર વાહન કાયદા હેઠળ રાજ્ય સરકાર પાસે ઈ-રિક્ષાનું વેચાણ કે રજીસ્ટ્રેશન રોકવાનો સીધો કાનૂની અધિકાર ન હોવાથી, યુપી સરકારે કેન્દ્ર સરકારને પત્ર લખીને કાયદામાં સુધારો કરવાની સત્તાવાર વિનંતી કરવી પડી છે.
અલ્હાબાદ હાઈકોર્ટની ટિપ્પણી અને કાયદાકીય મર્યાદા
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ ખંડપીઠના જસ્ટિસ આલોક માથુર અને જસ્ટિસ અમિતાભ કુમાર રાયની પીઠે 21 ઓગસ્ટના રોજ લખનઉમાં ટ્રાફિક મેનેજમેન્ટ સંબંધિત સુરજ સિંહ બિસેનની જાહેરહિતની અરજી (PIL) પર સુનાવણી કરતા લાલ આંખ કરી હતી. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, રાજ્ય સરકાર આ ગંભીર સમસ્યા પ્રત્યે ઊંઘમાં રહી શકે નહીં અને તેણે ઈ-રિક્ષાની અનિયંત્રિત સંખ્યા તેમજ સંચાલનને અંકુશમાં લેવા માટે વહેલી તકે અસરકારક નીતિ ઘડવી પડશે.
જોકે, પ્રવર્તમાન મોટર વાહન અધિનિયમ, 1988 અને કેન્દ્રીય મોટર વાહન નિયમાવલી, 1989 હેઠળ કોઈ ચોક્કસ શ્રેણીના વાહનોના વેચાણ કે રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ મૂકવાનો કે તેને રોકવાનો સત્તાવાર અધિકાર રાજ્ય સરકાર પાસે નથી. આ જ કાયદાકીય મર્યાદાના કારણે યુપી સરકારને ઈ-રિક્ષાનું રજીસ્ટ્રેશન અટકાવવા માટે કેન્દ્ર સરકાર પાસે સત્તા માંગવાની ફરજ પડી છે.
5 સભ્યોની વિશેષ સમિતિની ભલામણો અને કેન્દ્રને પત્ર
હાઈકોર્ટના આદેશનું સખત પાલન કરાવવા માટે ઉત્તરપ્રદેશના ટ્રાન્સપોર્ટ કમિશનર આશુતોષ નિરંજને અપર ટ્રાન્સપોર્ટ કમિશનર (રાજસ્વ) રાજેન્દ્ર કુમાર વિશ્વકર્માની અધ્યક્ષતામાં 5 સભ્યોની વિશેષ સમિતિની રચના કરી હતી. આ સમિતિમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના અપર સચિવ અજય યાદવ, RTO પ્રવર્તન લખનઉ પ્રભાત પાંડે, ટ્રાન્સપોર્ટ હેડક્વાર્ટરના ARTO ટેકનિકલ કમલ જોશી અને પેસેન્જર ટેક્સ ઓફિસર શહપર કિદવઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ સમિતિએ ભલામણ કરી કે, અનફિટ વાહનોનું સંચાલન રોકવા માટે તપાસ અને કાર્યવાહી કડક બનાવવામાં આવે. સાથે જ શહેરોમાં ઈ-રિક્ષાની સંખ્યા નક્કી કરવા અને નવું રજીસ્ટ્રેશન રોકવાની સત્તા રાજ્ય સરકારને આપવા માટે કાયદાકીય નિયમાવલીમાં સુધારો કરવા કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવે. સમિતિની આ ભલામણ બાદ ટ્રાન્સપોર્ટ કમિશનરે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સચિવને મોટર વાહન અધિનિયમ, 1988 ની ધારા 65 હેઠળ જરૂરી સુધારો કરવા સત્તાવાર પત્ર પાઠવ્યો છે.
ગેરકાયદે ઈ-રિક્ષાઓ સામે કાર્યવાહી, શહેરો માટે રાહત
બીજી તરફ, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે લખનૌ પોલીસ કમિશનરને ગેરકાયદેસર રીતે દોડતી ઈ-રિક્ષાનું સંચાલન કડક હાથે રોકવા માટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. જો કેન્દ્ર સરકાર દ્વારા મોટર વાહન નિયમોમાં સુધારો કરવામાં આવશે, તો ઉત્તરપ્રદેશની આ પહેલથી દેશભરના એ તમામ શહેરોને મોટી રાહત મળશે, જ્યાં ઈ-રિક્ષાઓની અનિયંત્રિત વસ્તી ટ્રાફિક જામનો વિકટ પડકાર બની ગઈ છે. નિયમો બદલાતા જ તમામ રાજ્ય સરકારો ઈ-રિક્ષાનું સંચાલન સંપૂર્ણપણે કાનૂની દાયરામાં લાવીને શહેર વાઇઝ તેમની સંખ્યા અને સંચાલનની સીમા નક્કી કરી શકશે.
