Candanaki Village Community Kitchen : ભારત જેવા દેશમાં હરવા-ફરવા માટેના સ્થળોની કોઈ કમી નથી. દેશમાં દરેક સ્થળની કોઈને કોઈ ખાસિયત અચૂક હોય છે. આવું જ એક ગામ ઉત્તર ગુજરાતમાં પણ છે.
વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં ફરવા લાગક અનેક સ્થળો આવેલા છે, જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં દેશ-વિદેશથી સહેલાણીઓ ઉમટી પડે છે. જો કે આજે એક એવા ગામ વિશે વાત કરવાની છે, જ્યાની પરંપરા એકદમ અલગ છે. તમને સાંભળીને અચરજ થશે કે, આ ગામમાં એક પણ ઘરમાં રસોડું નથી.
હાં અમે વાત કરી રહ્યા છીએ, ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ચાંદણકી ગામની. હકીકતમાં આખા ચાંદણકી ગામમાં માત્ર એક જગ્યાએ જ સામુહિક રસોડામાં રસોઈ બને છે અને ગ્રામજનો ત્યાં જ બેસીને જમે છે.

હવે તમે વિચારતા હશો કે, ચાંદણકી ગામના લોકો પોતાના ઘરે કેમ રાંધતા નથી? તો જવાબ છે, સામુહિક એકતા. ચાંદણકી ગામના લોકોએ ભેગા થઈને નક્કી કર્યું હતું કે, તેઓ દરરોજ પોત-પોતાના ઘરે રસોઈ નહીં બનાવે. આમ કરવાનું મુખ્ય કારણે, ચાંદણકી ગામમાં મોટાભાગે વૃદ્ધ લોકો જ રહે છે. જ્યારે યુવાનો ધંધા-રોજગાર અર્થે ગામની બહાર મહેસાણા કે ગુજરાતના અન્ય શહેરોમાં રહેવા જતાં રહ્યા છે. આથી ચાંદણકીમાં રહેતા વૃદ્ધોને રસોઈ બનાવવામાં તકલીફ પડતી હતી.
જણાવી દઈએ કે, આ કોઈ ફ્રી સેવા નથી. આ માટે ગામમાં રહેતા લોકો દર મહિને લગભગ 2 હજાર રૂપિયા ચૂકવે છે. આ પૈસાની મદદથી ગામનું રસોડું ધમધમે છે. જમવાનું બનાવવા માટે ખાસ રસોઈયાને રાખવામાં આવે છે. જેને પણ દર મહિને લગભગ 11 હજાર જેટલો પગાર ચૂકવવામાં આવે છે.

રસોઈનું મેનુ કેવી રીતે તૈયાર થાય છે?
આ સામુહિક રસોડામાં દરરોજ દાળ-ભાત, શાક-રોટલી ઉપરાંજ જરૂરિયા પ્રમાણે અન્ય વાનગી બનાવવામાં આવે છે. આ સાથે એક વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે, જે પણ ખાવાનું બનાવવામાં આવે, તે હેલ્ધી અને ટેસ્ટી હોય.
ચાંદણકી ગામની ઓળખ બની ગયું સામુહિક રસોડું
એવું કહેવાય છે કે, ચાંદણકી ગામના સરપંચ પૂનમભાઈ પટેલ દ્વારા સામુહિક રસોડાનું વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં માત્ર વયસ્કોને ધ્યાનમાં રાખીને જ રસોડું શરૂ કરવામાં આવ્યું હતુ. જો કે આજે સામુહિક રસોડું ગામની આગવી ઓળખ બની ગયું છે. એકબીજા સાથે હળીમળીને રહેવાથી જિંદગી જીવવાની કેવી મજા આવે છે, તે આ ચાંદણકી ગામ શીખવે છે. ગામના સૌ કોઈ એકસાથે જમે છે, ત્યારે માહોલ એક પરિવાર જેવો બની જાય છે.
