National News: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની આત્મકથા (Sonia Gandhi Autobiography) 'બિલોન્ગિંગઃ અ જર્ની ઑફ લવ'માં (Belonging A Journey of Love) તેમણે અનેક બાબતોના ખુલાસા કર્યા છે. પોતે વડાપ્રધાન પદ કેમ ના સ્વીકાર્યું તેનો જવાબ આપવા સાથે જ સોનિયા ગાંધીએ એક મોટો ખુલાસો કર્યો છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીએ 2010માં વડાપ્રધાન બનવાની પોતાની મહત્ત્વાકાંક્ષાનો સંકેત આપ્યો હોવાનું જણાવ્યું છે.
સોનિયા ગાંધીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, પ્રણવ મુખરજીએ વાતચીતમાં ટોપ લેવલ પર નેતૃત્વ પરિવર્તનનો સમય આવી ગયો હોવાનું જણાવીને ચોંકાવી દીધા હતા. આ સાથે જ સોનિયા ગાંધીએ UPA શાસન દરમિયાન ખુદ પર લાગેલા બેક સીટ ડ્રાઈવરના આરોપોને પણ રદિયો આપ્યો છે.
તેમણે સ્પષ્ટ કર્યું છે કે, મનમોહનસિંહ જ દેશના વડાપ્રધાન હતા અને પાર્ટી અધ્યક્ષ તરીકે હું તેમને માત્ર સલાહ આપી શકતી હતી કે તેમની સાથે મતભેદ રાખી શકતી હતી. જો કે આખરી નિર્ણયનું સન્માન કરવું કર્તવ્ય હતુ.
વડાપ્રધાનના પૂર્વ સહાયક સંજય બારુ દ્વારા લખવામાં આવેલા પુસ્તકમાં કરવામાં આવેલા દાવાને સોનિયા ગાંધીએ ભ્રામક અને ખોટા ગણાવતા લખ્યું છે કે, વિપક્ષ દ્વારા ખોટી અફવા ફેલાવવામાં આવી કે, હું PMOમાંથી ફાઈલો મંગાવતી હતી. મારા પર જીવનમાં અનેક મોટા આરોપો મૂકવામાં આવ્યા, પરંતુ આ ખોટા દાવાથી મને સૌથી વધુ આઘાત લાગ્યો કે, હું સરકારી ફાઈલો દેખતી હતી. તે સમયે PMOએ સત્તાવાર નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે, સોનિયા ગાંધીને ક્યારેય કોઈ સરકારી ફાઈલ દેખાડવામાં આવી નથી.
UPA સરકાર અને કોંગ્રેસ સંગઠન વચ્ચે તાલમેલ જાળવી રાખવા માટે એક કોર ગ્રુપ દર અઠવાડિયે વડાપ્રધાન સાથે બેઠક કરતું હતુ. જેમાં પ્રણવ મુખરજી, અર્જુનસિંહ, એકે એન્ટની અને અહમદ પટેલ સામેલ હતા. આ સિવાય સંસદની રણનીતિ નક્કી કરતી બેઠકો બાદ પણ ક્યારેક-ક્યારે પ્રણવ મુખરજી તેમની સાથે વાતચીત કરવા માટે રોકાઈ જતા હતા.
સોનિયા ગાંધીએ લખ્યું છે કે, તત્કાલિક નાણાં મંત્રી પી.ચિદમ્બરમની સાથે પ્રણવ મુખરજીને મતભેદ ઉભા થઈ ગયા હતા. આ દરમિયાન 2010માં એકવાર પ્રણવ દાએ પોતાની નારાજગી વ્યક્ત કરતા સૂચન કર્યું હતું કે, હવે શિર્ષ નેતૃત્વમાં પરિવર્તનનો સમય આવી ગયો છે. તેમની આ વાત સાંભળીને હું ચોંકી ઉઠી હતી.
જો કે મેં ખૂબ જ સમજદારીપૂર્વક વાતને વાળી લીધી. પ્રણવ મુખરજી કદાચ નિરાશ થયા હશે, પરંતુ તેમણે ક્યારેય આ વાતનું માઠું લગાવ્યું નહતુ. જે બાદ 2012માં કોંગ્રેસે જ તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા અને તેઓ દેશના સર્વોચ્ચ પદ પર બેઠા હતા.
મારા અને મનમોહનસિંહ વચ્ચે જવાબદારીઓ સ્પષ્ટ વિભાજિત કરવામાં આવી હતી. જેમાં સરકારનું નેતૃત્વ મનમોહનસિંહ પાસે હતુ, જ્યારે સંગઠનની કમાન હું સંભાળતી હતી. હું એ બાબતે એલર્ટ હતી કે, પાર્ટી અને સરકાર વચ્ચે ક્યારેય ગેરસમજ ઉભી ના થાય, જેનાથી સરકારને નબળી પાડવાનો વિપક્ષને કોઈ મોકો મળે.
