ભારત પર સંકટના વાદળો છવાયા: રશિયન ઓઇલ પર અમેરિકાની છૂટ સમાપ્ત, શું હવે ફરી મોંઘા થશે પેટ્રોલ અને ડીઝલ?

છેલ્લા ઘણા સમયથી ભારત અમેરિકા દ્વારા આપવામાં આવેલી વિશેષ છૂટછાટ હેઠળ રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ ભાવે તેલ ખરીદી રહ્યું હતું.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 18 May 2026 08:46 AM (IST)Updated: Mon, 18 May 2026 08:46 AM (IST)
us-waiver-russian-oil-ends-india-fuel-price-hike

US Ends Russia Oil Waiver: ભારતની અર્થવ્યવસ્થા અને સામાન્ય જનતાના ખિસ્સા પર અત્યાર સુધીનું સૌથી મોટું ઉર્જા સંકટ તોળાઈ રહ્યું છે. એક તરફ પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો અને હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધો છે, તો બીજી તરફ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા રશિયન ક્રૂડ ઓઇલ પરના પ્રતિબંધોમાં આપેલી છૂટછાટ 17 મેના રોજ સમાપ્ત કરી દેવામાં આવી છે. આ બેવડા ફટકાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચવાની અને ફુગાવો વધવાની પ્રબળ આશંકા છે.

શું ભારતની મુશ્કેલી વધશે?

છેલ્લા ઘણા સમયથી ભારત અમેરિકા દ્વારા આપવામાં આવેલી વિશેષ છૂટછાટ હેઠળ રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ ભાવે તેલ ખરીદી રહ્યું હતું. યુક્રેન યુદ્ધ બાદ જ્યારે પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદ્યા, ત્યારે ભારતે પોતાની ઉર્જા જરૂરિયાતો સંતોષવા રશિયાને મુખ્ય સપ્લાયર બનાવ્યું હતું. જોકે, રવિવારે આ છૂટ સમાપ્ત થતાં હવે ભારતીય રિફાઇનરીઓ માટે રશિયન તેલ ખરીદવું જોખમી બની ગયું છે. અમેરિકી કાયદા નિર્માતાઓનું માનવું છે કે આ છૂટથી રશિયાની આવક વધી રહી છે, જે તેમના વ્યૂહાત્મક હિતોની વિરુદ્ધ છે.

ઓઇલના ભાવમાં ભડકો થવાની શક્યતા

વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ એવા 'હોર્મુઝ સ્ટ્રેટ' માં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવને કારણે જહાજોની અવરજવર ખોરવાઈ છે. યુદ્ધ પહેલા જે ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $72 હતું, તે હવે $105 ને વટાવી ગયું છે. તેમજ સાઉદી અરેબિયા, યુએઈ અને કુવૈત જેવા દેશોમાંથી આવતો તેલનો પુરવઠો જોખમમાં છે. ટેન્કરોનું વીમા પ્રીમિયમ વધવાથી આયાત ખર્ચમાં મોટો વધારો થયો છે.

રશિયન તેલ પર ભારતની વધતી નિર્ભરતા

કેપ્લરના ડેટા અનુસાર, મે મહિનામાં રશિયાથી ભારતની તેલ આયાત 2.3 મિલિયન બેરલ પ્રતિ દિવસની રેકોર્ડ સપાટીએ પહોંચી હતી. ભારત તેની કુલ જરૂરિયાતના ૮૫% તેલની આયાત કરે છે, જેમાં અડધો હિસ્સો માત્ર રશિયાનો હતો. ડિસ્કાઉન્ટેડ રશિયન તેલ અત્યાર સુધી ભારત માટે મોંઘવારી સામેના 'કવચ' સમાન હતું. હવે આ કવચ દૂર થતાં ભારતને ફરી મધ્ય પૂર્વના દેશો પર નિર્ભર રહેવું પડશે, જ્યાં ભાવ પહેલેથી જ ઉંચા છે.

સામાન્ય જનતા પર અસર થશે

તેલના ભાવમાં વધારો માત્ર વાહનચાલકો પૂરતો સીમિત નથી રહેતો. તેની સીધી અસર નીચે મુજબના ક્ષેત્રો પર પડશે:

  • 1) ટ્રાન્સપોર્ટેશન: ડીઝલ મોંઘું થતા શાકભાજી અને અનાજનું પરિવહન મોંઘું થશે, જે થાળીની કિંમત વધારશે.
  • 2) લોજિસ્ટિક્સ: નિકાસકારો અને ઉત્પાદકો માટે માલ મોકલવાનો ખર્ચ વધશે.
  • 3) એરલાઇન્સ: એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવ વધતા વિમાની ભાડામાં વધારો થશે.

પેટ્રોસ સ્ટોન એલએલપીના આંતરરાષ્ટ્રીય વ્યાપાર નિર્દેશક ઋષભ જૈને જણાવ્યું હતું કે, "બળતણના ભાવમાં તાજેતરનો ₹3નો વધારો લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો કરી રહ્યો છે. ઉત્પાદકો હવે તેમની કાર્યકારી મૂડી બચાવવા માટે ઉત્પાદન ઘટાડી રહ્યા છે, જે ઉદ્યોગો માટે અસ્તિત્વનો સંઘર્ષ બની ગયો છે."

સરકાર પાસે શું વિકલ્પો છે?

વધતી જતી રાજકોષીય ખાધ વચ્ચે કેન્દ્ર સરકાર માટે આ સ્થિતિ 'સૂડી વચ્ચે સોપારી' જેવી છે:

  • ટેક્સમાં ઘટાડો: એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને જનતાને રાહત આપી શકાય, પણ તેનાથી સરકારી તિજોરીને મોટું નુકસાન થશે.
  • તેલ કંપનીઓ પર દબાણ: સરકારી તેલ કંપનીઓ (HPCL, BPCL, IOC) ને ભાવ ન વધારવા સૂચના આપી શકાય, પરંતુ તેનાથી કંપનીઓનું નાણાકીય સ્વાસ્થ્ય લથડશે.
  • વપરાશમાં કાપ: જો કટોકટી લાંબી ચાલે, તો સરકાર 'વર્ક ફ્રોમ હોમ' અથવા ઓફિસના સમયમાં ફેરફાર જેવા જૂના કડક પગલાં પણ અમલમાં મૂકી શકે છે.

ભારત સામે અત્યારે બે મોટા પડકારો છે: વોશિંગ્ટનનું રાજદ્વારી દબાણ અને પશ્ચિમ એશિયામાં યુદ્ધનો ભય. નવી દિલ્હીએ હવે ખૂબ જ કાળજીપૂર્વક એવી રણનીતિ બનાવવી પડશે કે જેથી દેશની ઉર્જા સુરક્ષા જળવાઈ રહે અને સામાન્ય માણસને મોંઘવારીના અસહ્ય મારથી બચાવી શકાય. આવનારા દિવસોમાં રશિયન તેલના પેમેન્ટ માટે વૈકલ્પિક વ્યવસ્થા અને તેલના અન્ય સ્ત્રોતોની શોધ ભારત માટે અનિવાર્ય બની રહેશે.