Global Oil Prices: ભારત ખાતેના અમેરિકાના રાજદૂત સેર્ગીયો ગોર(Sergio Gor)એ વિશ્વમાં ઓઈલની કિંમતોમાં સ્થિરતા જાળવવામાં ભારત જે ભૂમિકા ભજવી રહ્યું છે તેની પ્રશંસા કરી છે.
સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે વિશ્વભરમાં ઓઈલની કિંમતોમાં સ્થિરતા જાળવી રાખવામાં ભારત એક મહાન ભાગીદાર તરીકે કામ કર્યું છે. ભારતે એક જવાબદાર દેશ તરીકે કામગીરી કરી છે. અમેરિકાએ તાજેતરમાં જ રશિયન ઓઈલ ખરીદવાની જે માન્યતા આપી હતી તે આ પ્રયાસોના ભાગરૂપે જ હતી. ભારત ઓઈલનો સૌથી મોટો વપરાશકર્તા તથા રિફાઈન કરતો દેશ છે અને અમેરિકી તથા ભારતીય નાગરિકો માટે સ્થિર બજારને જાળવી રાખવામાં US તથા ભારત બન્ને સાથે મળીને કામ કરે તે ખૂબ જ જરૂરી છે.
આ અગાઉ વ્હાઈટ હાઉસ ખાતે પ્રેસ સેક્રેટરી કેરોલીન લેવીટે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ વચ્ચે અમેરિકાએ વૈશ્વિક ઊર્જા પુરવઠાને લઈ જે તંગદિલી સર્જાઈ છે તેને ધ્યાનમાં રાખી ભારતને હંગામી ધોરણે રશિયન ઓઈલ ખરીદવા માટે પરવાનગી આપી છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે એનર્જી સુરક્ષા અને ક્રુડ ઓઈલના સપ્લાઈની સ્થિતિમાં ભારત એક 'ગુડ ફેક્ટર'તરીકે રહેલ છે અને ટૂંકા-ગાળામાં તે રશિયાને નોંધપાત્ર પ્રમાણમાં આર્થિક લાભ પૂરો પાડશે નહીં.
લેવિટે કહ્યું કે આ અંગે પ્રેસિડેન્ટ સાથે વાત કરી છે અને ટ્રેઝરી સેક્રેટરી તથા નેશનલ સિક્યોરિટી ટીમ આ નિર્ણય પર એટલા માટે પહોંચી છે કારણ કે ભારત જેવા અમારા સાથીએ ભૂરાજકિય સ્થિતિમાં ક્રુડ ઓઈલના ભાવને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ઈરાનને લીધે વિશ્વભરમાં ઓઈલ સપ્લાઈમાં હંગામી ધોરણે અછતને પૂરી કરવા કામ કરી રહેલ છે.
