ટ્રમ્પ ફરી ભારત પર ફોડશે ટેરિફ બોમ્બ? નવા આયાત શુલ્કની ટૂંક સમયમાં જાહેરાતની શક્યતા

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર ભારત, ચીન સહિત અનેક દેશો પર નવા આયાત શુલ્ક લાદવાની યોજના બનાવી રહ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 24 Nov 2026 09:46 PM (IST)Updated: Tue, 24 Nov 2026 09:46 PM (IST)
us-trump-new-tariffs-impose-on-india-china-preparation-industrial-subsidies-trade-investigation-2026

Trump Tariff Update: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટી તંત્ર ભારત અને ચીન સહિત અન્ય દેશો પર નવા ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ છે. અમેરિકાનો આરોપ છે કે, આ તમામ દેશો સરકારી સબસિડી અને અન્ય સહાય દ્વારા પોતાના ઔદ્યોગિક ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેના કારણે અમેરિકાના સ્થાનિક ઉદ્યોગોને નુકસાન થઈ રહ્યું છે.

ભારત-ચીન પર ફરી ટેરિફ લાગશે?

'ધ વોલ સ્ટ્રીટ જર્નલ' રિપોર્ટ મુજબ, અમેરિકી વેપાર પ્રતિનિધિ જૈમિસન ગ્રીર કેટલાક દેશો સરકારી સબસિડી અને અન્ય સહાય દ્વારા પોતાના ઔદ્યોગિક ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યા હોવાના દાવા અંગેની તપાસના પરિણામોની જાહેરાત આ અઠવાડિયે કરી શકે છે. જોકે, જાહેરાતના સમયમાં ફેરફાર થવાની શક્યતા પણ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર ભારત, ચીન સહિત અનેક દેશો પર નવા આયાત શુલ્ક લાદવાની યોજના બનાવી રહ્યું છે. આ ટેરિફ એવા દેશો પર લાગુ થઈ શકે છે, જેમના પર અમેરિકાનો આરોપ છે કે તેઓ સ્થાનિક ઔદ્યોગિક ઉત્પાદનને સરકારી સહાય અને સબસિડી આપીને પ્રોત્સાહન આપી રહ્યા છે.

'ધ વોલ સ્ટ્રીટ જર્નલ' રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે અમેરિકી વેપાર પ્રતિનિધિ જૈમિસન ગ્રીર ચીન, યુરોપિયન યુનિયન અને અન્ય 14 દેશો દ્વારા આપવામાં આવતી ઔદ્યોગિક સબસિડી અંગે મહિનાઓથી ચાલી રહેલી તપાસ નાં પરિણામો જાહેર કરી શકે છે. આ જાહેરાત આ અઠવાડિયે થવાની શક્યતા છે, જોકે તેના સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે.

શું છે ટ્રમ્પ વહીવટીતંત્રની યોજના?

જૈમિસન ગ્રીરનું કહેવું છે કે સરકારી સબસિડી અને અન્ય પ્રકારની મદદના કારણે તપાસ હેઠળના દેશોમાં જરૂરિયાત કરતાં વધારે ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતા ઊભી થઈ છે. આ દેશોનીકંપનીઓ મોટા પ્રમાણમાં અને ઓછા ભાવે વિશ્વભરના બજારોમાં માલ વેચી શકે છે. તેના કારણે અમેરિકાના સ્થાનિક ઉત્પાદકો માટે સ્પર્ધા મુશ્કેલ બની અને નુકસાન થઈ રહ્યું છે.

માનવામાં આવે છે કે અમેરિકી વેપાર પ્રતિનિધિ કાર્યાલય (USTR) દ્વારા જાહેરાત બાદ ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપિયન યુનિયનના તમામ 27 સભ્ય દેશો સહિત અનેક દેશો પર વધારાના ટેરિફ લાગુ થઈ શકે છે.

કઈ વસ્તુ પર લાગુ થઈ શકે છે ટેરિફ?

પ્રસ્તાવિત ટેરિફ આ દેશોમાંથી અમેરિકામાં નિકાસ થતી મોટાભાગની વસ્તુઓ પર લાગુ થઈ શકે છે. જોકે, સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઇલ જેવા કેટલાક ઔદ્યોગિક ઉત્પાદનોને આ નવા શુલ્કમાંથી બાકાત રાખવામાં આવી શકે છે. આ ઉત્પાદનો પર અમેરિકામાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત જોગવાઈઓ હેઠળ અગાઉથી જ ટેરિફ લાગુ છે.

હાલમાં નવા ટેરિફના ચોક્કસ દર નક્કી થયા નથી. જોકે, વહીવટીતંત્રના અધિકારીઓએ અગાઉ સંકેત આપ્યા હતા કે નવા શુલ્ક વર્ષ 2025માં ટ્રમ્પ દ્વારા લાગુ કરવામાં આવેલા ટેરિફ જેવા હોઈ શકે છે. ત્યારબાદ ફેબ્રુઆરી 2026 માં અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના શરૂઆતના ટેરિફને રદ કર્યા હતા.

ભારત પર યુરોપ કરતા વધુ ટેરિફ લાગશે?

આ યોજનાની જાણકારી ધરાવતા સૂત્રોના જણાવ્યા અનુસાર, જાપાન અને યુરોપિયન યુનિયન જેવા દેશો, જેમણે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે વેપાર કરારો કર્યા છે, તેમના પર ટેરિફના દર અગાઉ થયેલા કરારોની શરતોના આધારે નક્કી થઈ શકે છે. આ કરારો સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા કરવામાં આવ્યા હતા. આથી યુરોપિયન યુનિયન, જાપાન અને દક્ષિણ કોરિયા પર 15% કે તેથી ઓછો ટેરિફ લાગુ થવાની શક્યતા છે.

બીજી તરફ, વિયેતનામ અને ભારત જેવા દેશો પર ટ્રમ્પ સાથે થયેલા કરારોની શરતોના આધારે વધુ ટેરિફ લાગુ થઈ શકે છે. આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટો ચાલી રહી છે.

ચીન પર સૌથી વધુ ટેરિફ લાગવાની શક્યતા

આ અંગે જાણકારી ધરાવતા લોકોના અનુસાર, ચીનને અન્ય અનેક દેશોની સરખામણીમાં ઘણો વધારે ટેરિફનો સામનો કરવો પડી શકે છે. ટ્રમ્પ વહીવટી તંત્રના અધિકારીનો દાવો છે કે ચીનમાં ઉદ્યોગોને આપવામાં આવતી સબસિડીનું પ્રમાણ ખૂબ મોટું છે. તેના કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અસંતુલન અને મોટા પાયે વિક્ષેપ ઉભો થઈ રહ્યો છે.

અહેવાલમાં ટાંકવામાં આવેલ સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક અધિકારીઓ એવા નિયમો પર પણ વિચાર કરી રહ્યા છે, જેના હેઠળ કોઈ દેશની ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતા જરૂરિયાત કરતા વધુ વધી જાય અથવા અમેરિકા સાથે ભવિષ્યમાં થનારી વાટાઘાટો દરમિયાન તે દેશ પોતાની નીતિઓમાં જરૂરી ફેરફાર કરવામાં નિષ્ફળ જાય તો તેના પર ટેરિફ વધારી શકાય.

જુલાઈના અલગ ટેરિફ ઉપરાંત નવા શુલ્ક

આ પ્રસ્તાવિત ટેરિફ જુલાઈમાં જાહેર કરવામાં આવેલા અન્ય એક અલગ પગલાં હેઠળના શુલ્ક ઉપરાંત લાગુ થઈ શકે છે. જુલાઈમાં જાહેર કરાયેલા પગલાંનો હેતુ એવા દેશો સામે કાર્યવાહી કરવાનો હતો, જેઓ બળજબરીથી કરવામાં આવેલ શ્રમ દ્વારા તૈયાર થયેલ વસ્તુના વેપારને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.

આ યોજના હેઠળ 60 અર્થતંત્રોના જૂથ પર 10%થી 12.5% સુધીનો ટેરિફ લાદવાની જોગવાઈ કરવામાં આવી હતી. જોકે, આ પગલાને હાલમાં કોર્ટમાં કાનૂની પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.

હુઆંગના વિવાદ વચ્ચે જાહેરાતની તૈયારી

આ અઠવાડિયે તપાસનાં પરિણામોની જાહેરાતનો સમય પણ ચર્ચામાં છે. અહેવાલ મુજબ, આ જાહેરાતથી લોકોનું ધ્યાન અમેરિકામાં ચાલી રહેલા એક અન્ય વિવાદ પરથી હટી શકે છે. આ વિવાદ NVIDIA પૂર્વ CEO જેન્સન હુઆંગ સાથે જોડાયેલો છે. તેમાં આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેમની કંપનીની અદ્યતન AI ચિપ્સની ચીનમાં દાણચોરી થઈ રહી હતી અને શું અમેરિકી સરકારને આ બાબતની જાણ હતી?

આ મુદ્દે બંને રાજકીય પક્ષોના સાંસદોએ ચીન પ્રત્યે ટ્રમ્પ વહીવટીતંત્રના વલણ અંગે સવાલો ઉઠાવ્યા છે. હવે અમેરિકી વહીવટીતંત્રની આગામી જાહેરાત પર ભારત સહિત અનેક દેશોની નજર રહેશે, કારણ કે નવા ટેરિફ લાગુ થવાથી ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો અને બંને દેશો વચ્ચેના વેપાર પર અસર પડી શકે છે.