Union Cabinet Meeting: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. સરકારે ખેડૂતોને મોટી ભેટ આપતાં એમએસપીમાં 50 ટકાનો વધારો કર્યો છે. જાણો અન્ય ક્યાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા.
ખરીફ પાકોના MSPમાં વધારો
સરકારે બુધવારે 2025-26 ખરીફ માર્કેટિંગ સીઝન માટે ડાંગરના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) 3 ટકા વધારીને 2369 કર્યા છે. આગામી પાક વર્ષ 2025-26 (જુલાઈ-જૂન) ની ખરીફ સિઝન માટે સામાન્ય અને A ગ્રેડ ડાંગરની જાતોના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 69નો વધારો કરીને અનુક્રમે 2,369 અને 2,389 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યા છે. કઠોળમાં તુવેરના ટેકાના ભાવમાં 450 રૂપિયાનો વધારો કરીને 8 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યા છે, જ્યારે અડદના MSPમાં 400 રૂપિયાનો વધારો કરીને 7800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને મગના MSPમાં 86 રૂપિયાનો વધારો કરીને 8768 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યા છે.
ખેડૂતો માટે વ્યાજ સબસિડી યોજના ચાલુ રહેશે
સરકારે બુધવારે 2025-26 માટે સુધારેલી વ્યાજ સબસિડી યોજના (MISS) ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. જે હેઠળ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) દ્વારા સસ્તા દરે ટૂંકા ગાળાની લોન મળે છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2025-26 માટે 1.5 ટકા વ્યાજ સબસિડી સાથે MISS ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ યોજના ચાલુ રાખવાથી સરકારી તિજોરી પર 15,640 કરોડ રૂપિયાનો બોજ પડશે.
બડવેલ નેલ્લોર ફોર લેન હાઈવેને મંજૂરી
કેબિનેટ બેઠકમાં બડવેલ નેલ્લોર ફોર લેન હાઈવેને મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત ડવેલ-ગોપરાવમ ગામથી ગુરુવિંદાપુડી સુધી બનાવવામાં આવશે. તેની કુલ લંબાઈ 108.134 કિલોમીટર છે. જે 3653.10 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. બડવેલ-નેલ્લોર કોરિડોર આંધ્રપ્રદેશના ત્રણ મુખ્ય ઔદ્યોગિક કોરિડોર સાથે કનેક્ટિવિટી વધારશે. આ કોરિડોર કૃષ્ણપટ્ટનમ બંદર સુધીનું અંતર 142 કિમીથી ઘટાડીને 108 કિમી કરશે.
બે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી
કેબિનેટે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ભારતીય રેલવેના બે મલ્ટીટ્રેકિંગ યોજનાઓને મંજૂરી આપી છે. જેમાં રતલામ-નાગડા ત્રીજી અને ચોથી લાઇન અને વર્ધા-બલ્લારશા ચોથી લાઇન પરિયોજના સામે છે. આ પ્રોજેક્ટ્સનો કુલ અંદાજિત ખર્ચ 3399 કરોડ છે. આ રેલ્વે લાઇનોનું કામ 2030 સુધીમાં પૂર્ણ થશે. તેનાથી ભારતીય રેલ્વેના હાલના નેટવર્કમાં આશરે 176 કિમીનો વધારો થશે. આ રેલવે લાઈનના નિર્માણથી લગભગ 784 ગામડાઓમાં 19.74 વસ્તીને વધુ સારી કનેક્ટિવિટી મળશે.
