Udhampur bus accident: જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક અત્યંત હૃદયદ્રાવક અને ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. ઉધમપુર જિલ્લાના રામનગર સ્થિત કઘોટ (કાનોટે) ગામમાં એક સાર્વજનિક પરિવહન બસ પલટી ખાઈ જતા ભારે અફરાતફરી મચી હતી. આ બનાવમાં 20 જેટલા લોકોના મોતની આશંકા છે.
18 લોકોના મોત અને 30 લોકો ઘાયલ
મળતી માહિતી મુજબ, આ સાર્વજનિક બસ રામનગરથી ઉધમપુર તરફ જઈ રહી હતી ત્યારે કઘોટ ગામ પાસે અકસ્માતનો ભોગ બની હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં જાન-માલનું મોટું નુકસાન થવાની સંભાવના છે, અને આશરે 15 થી 20 લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સોમવારે સવારે રામનગર-ઉધમપુર રોડ પર થયેલા જીવલેણ માર્ગ અકસ્માતના મુખ્ય કારણોમાં શરૂઆતમાં ઝડપ અને ઓવરલોડિંગ મુખ્ય હોવાનું બહાર આવ્યું છે. કાઘોટે વિસ્તારમાં એક વળાંક પર એક પેસેન્જર બસે કાબુ ગુમાવ્યો અને તે 70 થી 80 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
ગંભીર ઇજાગ્રસ્તોને એરલિફ્ટ કર્યા
અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે તે માટે તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને વધુ સારી સારવાર માટે એરલિફ્ટ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
હાલમાં કેન્દ્રીય મંત્રી સ્થાનિક વહીવટીતંત્ર અને રાજીન્દર શર્માના નેતૃત્વમાં કામ કરી રહેલી સ્થાનિક કાર્યકરોની ટીમ સાથે સતત સંપર્કમાં છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે, અને દુર્ઘટના અંગે વધુ વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
પ્રધાનમંત્રીએ કરી વળતરની જાહેરાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના X એકાઉન્ટ પર લખ્યું, "જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં થયેલા બસ અકસ્માતના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. આ દુ:ખદ અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના નજીકના સંબંધીઓને PMNRF તરફથી રૂ. 2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે."
ડૉ. જિતેન્દ્ર સિંહે લીધી માહિતી
ઘટનાની જાણ થતાં જ પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ભીષણ અકસ્માત પર કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ઉંડો શોક વ્યક્ત કર્યો છે, અને તેમણે ઉધમપુરના ડેપ્યુટી કમિશનર (DC) મિંગા શેરપા સાથે વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો છે.
ડૉ. જિતેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, તેમને લગભગ એક કલાક પહેલા જ કાનોટે (કઘોટ) ગામમાં બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
