Surat News: સુરત શહેરમાં દેશના અનેક રાજ્યોમાંથી લોકો રોજગારી અર્થે વસે છે અને આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે લોકો માદરે વતન જતા હોય છે ત્યારે સુરતમાં પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા દ્વારા ખાનગી બસ દ્વારા ડબલ ભાડા વસુલવામાં આવતા હોવાથી નારજગી વ્યક્ત કરી છે. તેમણે લક્ઝરી બસ એસોસિએશન તેમજ સંચાલકોને ગરીબ અને મધ્યમ વર્ગની સ્થિતિ સમજીને વ્યાજબી ભાડું રાખવા અપીલ કરી છે.
પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ જણાવ્યું હતું કે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, સુરત શહેરમાં આખા દેશમાંથી લગભગ 5 લાખ ગામડામાંથી સુરત શહેરમાં લોકો વસે છે, રોજગારી સુરતમાં છે, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન નજીકના ગામડામાંથી અસંખ્ય લોકો સુરતમાં વસે છે ત્યારે લકઝરી બસો દ્વારા મધ્યમ વર્ગ આવન-જાવન કરે છે, ત્યારે આખા વર્ષની અંદર આપણે લકઝરી બસ એસોસિએશનને ક્યારેય વિનંતી કરી નથી, પરંતુ આજે મારે દિવાળીના તહેવાર અનુસંધાને લકઝરી બસ એસોસિએશન અને લકઝરી બસવાળા ભાઈઓને વિનંતી કરી કરવી છે કે દશેરા પર ઘણા મિત્રો મને મળ્યા અને મને કીધું કે દિવાળીના તહેવાર પર ડબલ કરતા વધારે ભાડું લાગુ પડે છે.
5 થી 7 દિવસમાં તમે કેટલું કમાઈ લેવાના
તેમણે વધુમાં જણાવ્યું છેકે, ડબલ કરતા વધારે એટલે કે એક સોફાના 2 હજારથી 2500 રૂપિયા જ્યાં માત્ર હજાર રૂપિયા લેવાતા હતા ત્યાં ડબલ કરતા વધારે ભાડું વધતું હોય તો મારે લકઝરી બસ એસોસિએશન અને લકઝરી બસ વાળાને મારી વિનંતી છે કે 5 થી 7 દિવસમાં તમે કેટલું કમાઈ લેવાના, આખું વર્ષ શ્રમજીવીઓ, મધ્યમ વર્ગ ગામે ગામથી આવે છે અને જાય છે આખા વર્ષ તમને ધંધો આપે છે, આ કારીગર વર્ગ, રત્નકલાકારો કે અન્ય કારીગરો હોય મધ્યમ વર્ગ પણ બસની અંદર મુસાફરી કરે છે કારણ કે ટ્રેનોની અંદર સુવિધા ન હોવાના કારણે સૌરાષ્ટ્રના અસંખ્ય ગામડામાંથી બસો આવે છે કારણ કે સૌરાષ્ટ્રની અંદર એટલી ટ્રેનની સુવિધા નથી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી પણ આવે છે તો આ બસોના ભાડા આટલા બધા વધવાના કારણે આજે મને થોડું દુખ થયું કે ડબલ કરતા વધારે ભાડું લેવામાં આવી રહ્યું છે.
ભાડું લો પણ એટલું બધું ન લો કે લોકોની કમર તૂટી જાય
વધુમાં ઉમેર્યું હતું કે મારી લકઝરી બસ એસોસિએશનને વિનંતી છે કે ગરીબ માણસો એક તો મોંઘવારીનો માર ઝીલી રહ્યા છે, મોંઘવારીના મારથી તેઓ પોતાના બાળકો યોગ્ય ખવડાવવું હોય તો ખવડાવી શકતા નથી, ત્યારે ના છુટકે તેઓને દિવાળીના 10 -15 દિવસ માદરે વતન જવું હોય ત્યારે આવા જાવાના જે આં ભાડા વધારે છે તેને હું વખોડી કાઢું છું, લકઝરી બસ એસોસિએશનને વિનંતી છે કે યોગ્ય રીતે રાહત આપો, જે રીતે તમને ભાડું પોષાય તે ભાડું લો પણ એટલું બધું ન લો કે લોકોની કમર તૂટી જાય, આ પ્રજા હાલમાં મોંઘવારીનો માર ઝીલી રહી છે, માં ભગવતીનો આશીર્વાદ પણ મળશે, ગણપતિ દાદા રિદ્ધિ-સિદ્ધિ, યશ-કીર્તિ આપશે.આખું વર્ષ આ લોકો તમને ધંધો આપે છે ત્યારે આખા વર્ષને ધ્યાનમાં રાખીને તમે નિર્ણય લો એવી મારી વિનંતી છે.
