મહારાષ્ટ્રમાં વધુ એક કાંડ, નાગપુરમાં NGO પ્રમુખ રિયાઝ ફાઝિલની ધરપકડ; યુવતી પર યૌન શોષણ-ધાર્મિક દબાણનો આરોપ

મનકાપુર પોલીસે અનેક યુવતીઓની ફરિયાદના આધારે FIR નોંધી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 20 Apr 2026 10:30 AM (IST)Updated: Mon, 20 Apr 2026 10:30 AM (IST)
nagpur-ngo-riyaz-fazil-sexual-harassment-religious-pressure-maharashtra
HIGHLIGHTS
  • નાગપુરમાં NGO પ્રમુખ રિયાઝ ફાઝિલની ધરપકડ
  • HR હેડનું યૌન શોષણ-ધાર્મિક દબાણનો આરોપ

Nagpur NGO Case: નાગપુરમાં બાળકો માટે કામ કરતી એક NGO ના પ્રમુખ રિયાઝ ફાઝિલ કાઝી પર યૌન શોષણ અને ધાર્મિક દબાણ ઊભું કરવાના અત્યંત ગંભીર આરોપ લાગ્યા છે. મનકાપુર પોલીસે અનેક યુવતીઓની ફરિયાદના આધારે FIR નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે.

TCS નાસિક અને અમરાવતીમાં થયેલા યૌન શોષણના મામલા બાદ આ નવો કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં હવે મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા પણ NGO ના બેકગ્રાઉન્ડ, આર્થિક લેવડ દેવડ અને તેના સંભવિત કનેક્શનની સમાંતર તપાસ શરૂ કરવામાં આવી છે.

HR હેડ સાથે શારીરિક અડપલાં-ગેરવર્તણૂક

આ કેસની મુખ્ય ફરિયાદી એક 23 વર્ષીય યુવતી છે, જે સપ્ટેમ્બર 2023 થી આ NGO માં એડમિનિસ્ટ્રેશન અને HR હેડ તરીકે ફરજ બજાવતી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, 18 જુલાઈ, 2024 ના રોજ યુવતીના જન્મદિવસની ઉજવણી બાદ આરોપીએ તેને પોતાની કેબિનમાં બોલાવી હતી. ત્યાં તેની મરજી વિરુદ્ધ તેને ગળે લગાવી, કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું, "હું આજે તને જવા દેવા માંગતો નથી."

નોકરી ગુમાવવાના ડરથી પીડિતા વિરોધ કરવાની હિંમત ન કરી શકી. આરોપીએ અન્ય એક વખત યુવતીને ગળે લગાવવાનો પ્રયાસ કરતા પહેલા પોતાની કેબિનના CCTV કેમેરાનો પ્લગ પણ કાઢી નાખ્યો હતો. પીડિતાએ જ્યારે આ હરકતોનો વિરોધ કર્યો ત્યારે આરોપી તેની સાથે ગેરવર્તન કરવા લાગ્યો હતો. 

ધાર્મિક રીતિ-રિવાજ થોપવાનો પ્રયાસ

આરોપી રિયાઝ ફાઝિલ માત્ર યૌન શોષણ જ નહીં, પરંતુ કર્મચારીઓ પર ધાર્મિક દબાણ પણ કરતો હોવાનો ખુલાસો થયો છે. પીડિતાની મોટી બહેન, જે NGO માં આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તરીકે જોડાઈ હતી, તેની પર પણ આરોપીએ દબાણ કર્યું હતું કે તે ફિલ્ડ વિઝિટ દરમિયાન સલામત મુસાફરી માટે કોઈ ચોક્કસ ધર્મની પ્રાર્થના કરે અને આખું શરીર ઢંકાય તેવા ખાસ કપડાં પહેરે.

વધુમાં, આરોપીને ખબર હોવા છતાં કે કર્મચારીઓ અન્ય ધર્મના છે, તે ધાર્મિક રીતિ-રિવાજો તેમના પર થોપવાનો પ્રયાસ કરતો હતો. આ અયોગ્ય વર્તનને કારણે 2024માં એક 24 વર્ષીય શિક્ષિકા સહિત અનેક કર્મચારીઓએ નોકરી છોડી દીધી હતી. 13 એપ્રિલના રોજ આરોપીએ એક પૂર્વ કર્મચારીની માતાને ફોન કરીને અપમાનજનક ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો.

પોલીસ કાર્યવાહી અને કોર્ટ રિમાન્ડ

આ ઉપરાંત, સ્ટાફ અને વોલન્ટિયર પર નજર રાખવા માટે આરોપીએ પોતાનું અને પીડિતાનું નામ ભેગું કરીને એક ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બનાવ્યું હતું.જ્યારે પીડિતોનું જૂથ 18 એપ્રિલના રોજ NGO ઓફિસે પહોંચ્યું, ત્યારે તે બંધ હતી. ત્યારપછી તેઓએ પોલીસનો સંપર્ક કર્યો અને 18 એપ્રિલે કેસ નોંધવામાં આવ્યો હતો.

આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

મનકાપુર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર હરેશ કાલસેકરે જણાવ્યું છે કે, તમામ પીડિતોનો સંપર્ક કરવામાં આવશે અને CCTV સહિતના અન્ય પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. રવિવારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને 23 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.