Tvisha Sharma Death Case: સુસાઈડ કે મર્ડર? શરીર પરના જખમોએ વધાર્યું સસ્પેન્સ; પરિવારે કરી બીજા પોસ્ટમોર્ટમની માંગ

ભોપાલના કટારા હિલ્સ વિસ્તારમાં નોઈડાની 33 વર્ષીય ટ્વિશા શર્માના શંકાસ્પદ મોત મામલે પરિવારે બીજા પોસ્ટમોર્ટમની માંગ કરી છે. જાણો શું છે સમગ્ર વિવાદ અને સાસુ-પતિ પર લાગેલા ગંભીર આરોપ

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 19 May 2026 11:09 PM (IST)Updated: Tue, 19 May 2026 11:10 PM (IST)
tvisha-sharma-death-case-suicide-or-murder-injuries-on-the-body-increase-suspense-family-demands-second-postmortem

Twisha Sharma Post Mortem: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં નોઈડાની રહેવાસી ટ્વિશા શર્માના શંકાસ્પદ મોતનો મામલો વધુ ગૂંચવાતો જઈ રહ્યો છે. ઘટનાના એક અઠવાડિયા બાદ પણ આ કેસમાં રહસ્ય અકબંધ છે. હવે આ મામલે પીડિતાના પરિવારે સ્થાનિક કોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને ટ્વિશાના મૃતદેહનું ફરીથી (બીજી વખત) પોસ્ટમોર્ટમ કરાવવા માટે કાયદાકીય અરજી દાખલ કરી છે. પરિવારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી નવો પીએમ રિપોર્ટ સામે નહીં આવે ત્યાં સુધી તેઓ ટ્વિશાનો મૃતદેહ સ્વીકારશે નહીં.

શરીર પર ઈજાના નિશાન, પરિવારે લગાવ્યો ગંભીર આરોપ

ટ્વિશાના પરિવાર વતી કોર્ટમાં હાજર રહેલા વકીલ અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે- અમે ભોપાલના સંબંધિત મેજિસ્ટ્રેટ સમક્ષ ટ્વિશાનું બીજું પોસ્ટમોર્ટમ કરાવવા માટે સત્તાવાર અરજી સબમિટ કરી છે. પરિવારના સભ્યોનો દાવો છે કે ટ્વિશાના શરીર પર ઈજાના સ્પષ્ટ નિશાન જોવા મળ્યા છે, જે દર્શાવે છે કે આ ઈજાઓ તેના મોત પહેલાં પહોંચાડવામાં આવી હતી. પરિવારને આશંકા છે કે આ આત્મહત્યાનો નહીં પરંતુ હત્યાનો મામલો હોઈ શકે છે.

ફોર્ચ્યુનર કાર અને 50 લાખની દહેજની માંગ

નોઈડાની 33 વર્ષીય ટ્વિશા શર્મા ગત 12 મેના રોજ ભોપાલના કટારા હિલ્સ વિસ્તારમાં સ્થિત તેના સાસરે મૃત હાલતમાં મળી આવી હતી. ટ્વિશાના પિયરિયાઓનો આરોપ છે કે સાસરીયાઓ દ્વારા તેને દહેજ માટે પ્રતાડિત કરવામાં આવતી હતી. પરિવારનો દાવો છે કે ટ્વિશાના પતિ અને સાસુ તેની પાસે 'ફોર્ચ્યુનર' કાર અને 50 લાખ રૂપિયા રોકડાની માંગણી કરી રહ્યા હતા. પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે દહેજની લાલચમાં ટ્વિશાને ઘરની છત પરથી નીચે ફેંકી દઈને મારી નાખવામાં આવી છે.

સાસુએ તમામ આરોપો નકાર્યા

બીજી તરફ, આ કેસમાં મુખ્ય આરોપી અને ટ્વિશાના સાસુ ગિરીબાલા સિંહ (જેઓ નિવૃત્ત એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ છે) એ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ગિરીબાલા સિંહે દાવો કર્યો છે કે- અમારા વકીલ કોર્ટમાં બધું સ્પષ્ટ કરી દેશે. આ કેસ હજુ ડિસ્ચાર્જ સ્ટેજ પર છે અને પોલીસ સોશિયલ મીડિયા તથા વોટ્સએપ મેસેજના દબાણમાં આવીને ઉતાવળે કાર્યવાહી કરી રહી છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, ટ્વિશાની માનસિક સારવાર ચાલી રહી હતી. દહેજના આરોપો પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, જ્યારે અમે પોતે તેમને સાડા સાત લાખ રૂપિયા આપ્યા હતા, તો પછી અમે બે લાખ રૂપિયાની નજીવી રકમ માટે દહેજની માંગ કેમ કરીએ? આ આરોપો તદ્દન હાસ્યાસ્પદ છે.

પતિ હજુ પણ ફરાર, પોલીસ તપાસ માટે SITની રચના

ભોપાલ પોલીસે આ મામલે ટ્વિશાના પતિ સમર્થ સિંહ (વકીલ) અને સાસુ ગિરીબાલા સિંહ વિરુદ્ધ દહેજ હત્યા અને ઉત્પીડનની વિવિધ કલમો હેઠળ FIR નોંધી છે. હાલમાં નિવૃત્ત જજ ગિરીબાલા સિંહને જામીન મળી ગયા છે, જ્યારે મુખ્ય આરોપી પતિ સમર્થ સિંહ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ફરાર સમર્થ સિંહની ભાળ મેળવવા માટે પોલીસે ઇનામની પણ જાહેરાત કરી છે.

આ હાઈપ્રોફાઈલ કેસની ગંભીરતાને જોતા પોલીસ પ્રશાસન દ્વારા એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. SIT હાલમાં ઘટનાસ્થળની આસપાસના CCTV ફૂટેજ, કૉલ ડિટેઈલ રેકોર્ડ્સ (CDR) અને અન્ય ડિજિટલ પુરાવાઓની બારીકાઈથી તપાસ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટ દ્વારા બીજા પોસ્ટમોર્ટમની મંજૂરી મળ્યા બાદ આ રહસ્ય પરથી પડદો ઊંચકાય છે કે નહીં.