Tvisha Sharma Death Case: 30 હજાર રૂપિયાનો ઇનામી પતિ સમર્થ સિંહ જબલપુર કોર્ટમાં શરણે, કેસની તપાસ CBI કરશે

ટ્વિશા શર્મા ડેથ કેસના મુખ્ય આરોપી પતિ સમર્થ સિંહે જબલપુર કોર્ટમાં સરન્ડર કર્યું છે. MP સરકારે આ કેસની તપાસ હવે CBIને સોંપી છે અને AIIMSની ટીમ બીજું પોસ્ટમોર્ટમ કરશે. વાંચો વિગતવાર

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 22 May 2026 09:28 PM (IST)Updated: Fri, 22 May 2026 09:28 PM (IST)
tvisha-sharma-death-case-husband-samarth-singh-surrenders-in-jabalpur-court

Samarth Singh Surrender: મધ્યપ્રદેશના ચકચારી ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. ઘટના બાદથી સતત ફરાર ચાલી રહેલા મુખ્ય આરોપી અને ટ્વિશાના પતિ સમર્થ સિંહે આખરે કાયદાના સિંજામાં આવવું પડ્યું છે. શુક્રવારે સમર્થ સિંહ પોતાના વકીલ સાથે માસ્ક અને ટોપી પહેરીને ગુપ્ત રીતે જબલપુર કોર્ટ પરિસરમાં પહોંચ્યો હતો અને આત્મસમર્પણ (સરન્ડર) કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, 12 મેના રોજ બનેલી આ ઘટના બાદથી જ સમર્થ પોલીસને થાપ આપીને ભાગતો ફરતો હતો, જેના પર પોલીસે 30 હજાર રૂપિયાનું રોકડ ઇનામ પણ જાહેર કર્યું હતું. ધરપકડથી બચવા માટે સમર્થે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી, પરંતુ બાદમાં તેણે આ અરજી પરત ખેંચી લીધી હતી.

સાસુના જામીનને હાઈકોર્ટમાં પડકારાયા, 25 મેના રોજ આગામી સુનાવણી

આ અગાઉ મધ્યપ્રદેશ હાઈકોર્ટે ટ્વિશાના પિતા અને રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર કડક વલણ અપનાવ્યું છે. આ અરજીઓમાં નીચલી અદાલત દ્વારા ટ્વિશાની સાસુ ગિરિબાલા સિંહને આપવામાં આવેલા આગોતરા જામીનને પડકારવામાં આવ્યા છે. હાઈકોર્ટે આ મામલે નોટિસ ફટકારી છે અને કેસની આગામી સુનાવણી 25 મેના રોજ નિયત કરી છે.

AIIMS દિલ્હીની ટીમ ભોપાલમાં કરશે બીજું પોસ્ટમોર્ટમ

પીડિત પરિવારના વકીલ અંકુર પાંડેએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, હાઈકોર્ટે ટ્વિશાના મૃતદેહનું બીજી વખત પોસ્ટમોર્ટમ (Re-postmortem) કરવાની મંજૂરી આપી દીધી છે. કોર્ટે AIIMS દિલ્હીના ડાયરેક્ટરને આદેશ આપ્યો છે કે તેઓ નિષ્ણાત તબીબોની એક ખાસ ટીમની રચના કરે અને તેમને તાત્કાલિક ભોપાલ મોકલે. આ ટીમ ભોપાલમાં રાખવામાં આવેલા ટ્વિશાના પાર્થિવ દેહનું કડક દેખરેખ હેઠળ બીજું પોસ્ટમોર્ટમ કરશે. શરૂઆતમાં મૃતદેહને દિલ્હી લઈ જવાની અટકળો હતી, પરંતુ તમામ પક્ષોની સહમતિ બાદ હવે ભોપાલમાં જ આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

શું છે સમગ્ર મામલો?

નોઈડાની રહેવાસી ટ્વિશા શર્માના લગ્ન ડિસેમ્બર 2025માં સમર્થ સિંહ સાથે થયા હતા. લગ્નના ગણતરીના મહિનાઓમાં જ એટલે કે 12 મે 2026ના રોજ ભોપાલ સ્થિત સાસરીમાંથી ટ્વિશાનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો. ટ્વિશાના પરિવારે પતિ અને સાસરી પક્ષ વિરુદ્ધ દહેજ ઉત્પીડન, શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે SITની રચના કરીને તપાસ શરૂ કરી હતી.

મધ્યપ્રદેશ સરકાર દ્વારા CBI તપાસની ભલામણ

આ હાઈ પ્રોફાઈલ કેસમાં ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ માટે મધ્યપ્રદેશના ગૃહ વિભાગે કટારા હિલ્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર 133/2026ની તપાસ કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (CBI)ને સોંપવાની મંજૂરી આપી દીધી છે. સરકારની આ સહમતિ આ કેસ સાથે જોડાયેલા અન્ય તમામ ગુનાહિત કાવતરાઓ પર પણ લાગુ થશે.