Twisha Sharma Case: હાઈકોર્ટનો મહત્વનો આદેશ, દિલ્હી AIIMSની દેખરેખમાં ફરી થશે પોસ્ટમોર્ટમ

ભોપાલમાં મોડેલ ટ્વિશા શર્માના શંકાસ્પદ મોત મામલે મધ્યપ્રદેશ હાઈકોર્ટે દિલ્હી AIIMSની દેખરેખ હેઠળ ફરી પોસ્ટમોર્ટમ કરવાનો આદેશ આપ્યો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 22 May 2026 04:45 PM (IST)Updated: Fri, 22 May 2026 04:45 PM (IST)
twisha-sharma-case-important-order-of-the-high-court-postmortem-will-be-done-again-under-the-supervision-of-delhi-aiims

Twisha Sharma Re-Postmortem: ભોપાલમાં રહેતી 33 વર્ષીય મોડેલ અને અભિનેત્રી ટ્વિશા શર્માના શંકાસ્પદ મોતનો મામલો હવે એક અત્યંત નિર્ણાયક મોડ પર આવી પહોંચ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે ટ્વિશાના પરિવારની અરજી પર સુનાવણી કરતા તેના મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવાનો ઐતિહાસિક આદેશ આપ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી અને અત્યાર સુધી ફરાર રહેલો ટ્વિશાનો પતિ સમર્થ સિંહ પણ હવે કાયદાના શરણે આવવા તૈયાર થયો છે. સીબીઆઈ તપાસની મંજૂરી અને નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ આ હાઈ-પ્રોફાઈલ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

હાઈકોર્ટે બીજી વાર પોસ્ટમોર્ટમની મંજૂરી આપી

ટ્વિશા શર્માના પરિવારે પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અનેક મહત્વના તથ્યોની અવગણના કરવામાં આવી હોવાનો દાવો કરીને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જસ્ટિસ એ.કે. સિંહની વેકેશન બેન્ચે આ મામલે આદેશ આપ્યો છે કે ટ્વિશાનું ફરીથી પોસ્ટમોર્ટમ દિલ્હી અથવા જમ્મુ AIIMSના નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ કરવામાં આવે. આ પ્રક્રિયા માટે દિલ્હીથી નિષ્ણાતોની ટીમ ભોપાલ જશે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે ત્યાં સુધી ટ્વિશાના મૃતદેહને ભોપાલ AIIMSના શબગૃહમાં -80 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સુરક્ષિત રાખવામાં આવે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ અદાલતમાં જણાવ્યું હતું કે જો પીડિત પરિવારને કોઈ શંકા હોય તો નિષ્પક્ષ તપાસ માટે બીજી રાય લેવી હિતાવહ છે.

પતિ સમર્થ સિંહ ટૂંક સમયમાં કરશે આત્મસમર્પણ

કેસમાં મુખ્ય આરોપી અને વ્યવસાયે ક્રિમિનલ લોયર એવા ટ્વિશાના પતિ સમર્થ સિંહે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાંથી પોતાની આગોતરા જામીન અરજી પાછી ખેંચી લીધી છે. તેના વકીલે અદાલતને જાણ કરી છે કે સમર્થ ટૂંક સમયમાં નીચલી અદાલત સમક્ષ આત્મસમર્પણ (Surrender) કરશે. નોંધનીય છે કે પોલીસ અત્યાર સુધી સમર્થની શોધમાં સતત દરોડા પાડી રહી હતી અને તેના પર 30,000 રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. સમર્થ અગાઉ મધ્યપ્રદેશ સરકારમાં લીગત એડવાઈઝર તરીકે પણ સેવા આપી ચૂક્યો છે.

CBI તપાસ અને સાસુ વિરુદ્ધ કડક વલણ

ટ્વિશાના પિતા નવનિધિ શર્માએ મુખ્યમંત્રી મોહન યાદવ સાથે મુલાકાત કર્યા બાદ, રાજ્ય સરકારે આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવાની ભલામણ કરી છે. સીબીઆઈએ આ મામલે પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. બીજી તરફ, ટ્વિશાની સાસુ અને રિટાયર્ડ જજ ગિરીબાલા સિંહને આપવામાં આવેલા જામીન રદ કરવા માટે પોલીસે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, ગિરીબાલા સિંહ 3 વાર નોટિસ આપવા છતાં પૂછપરછ માટે હાજર થયા નથી. ટ્વિશાના પરિવારે સાસુ પર દહેજ પ્રતાડના અને પુત્રીના ચારિત્ર્ય પર ખોટા આક્ષેપો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

મોત પહેલાના છેલ્લા 3 કલાક શું શું થયું હતું

તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્વિશા શર્મા તેના મોતના અંદાજે 3 કલાક પહેલા એક બ્યુટી પાર્લરમાં ગઈ હતી, જ્યાં તેણે હેડ મસાજ કરાવ્યું હતું. તે 11 મે 2026ના રોજ રાત્રે 10:30 વાગ્યે તેના સાસરીમાં ફાંસીએ લટકતી હાલતમાં મળી આવી હતી. ટ્વિશા અને સમર્થની મુલાકાત એક ડેટિંગ એપ દ્વારા થઈ હતી અને 12 ડિસેમ્બર 2025ના રોજ તેમના લગ્ન થયા હતા. નોયડાની વતની ટ્વિશાએ MBA કર્યું હતું અને તે મોડેલિંગની સાથે 4 તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કરી ચૂકી હતી. પરિવારનો આક્ષેપ છે કે લગ્નના માત્ર 5 મહિનામાં જ દહેજ અને માનસિક ત્રાસને કારણે તેની હત્યા કરવામાં આવી છે અથવા તેને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવી છે.