Twisha Sharma Case: દેશભરમાં ભારે ચર્ચા જગાવનારા ટ્વિશા શર્મા મૃત્યુ મામલે કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ એક મોટી અને કડક કાર્યવાહી કરી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યાના ગણતરીના કલાકોમાં જ CBIએ ટ્વિશાની સાસુ ગિરિબાલા સિંહની ભોપાલ ખાતેથી ધરપકડ કરી લીધી છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં અગાઉ સેશન્સ કોર્ટ દ્વારા સાસુને મળેલી રાહત પણ હાઈકોર્ટે રદ કરી દીધી હતી. સાસુની ધરપકડ બાદ હવે આ મામલે તપાસનો ધમધમાટ વધુ તેજ બને તેવી પૂરેપૂરી શક્યતા છે.
એડવોકેટ જનરલે જણાવ્યું હાઈકોર્ટના ઈનકારનું કારણ
મધ્યપ્રદેશના એડવોકેટ જનરલ પ્રશાંત સિંહે આ કેસ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, હાઇકોર્ટે આ મામલાની કેટલીક ચોંકાવનારી બાબતોને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. પીએમ રિપોર્ટ અનુસાર ટ્વિશા શર્માના શરીર પર મૃત્યુ પહેલાની (પ્રી-મોર્ટમ) સાત ઈજાઓ જોવા મળી હતી, જે કોઈ ગંભીર ગુના તરફ ઈશારો કરે છે. આ સિવાય વારંવાર નોટિસ આપવા છતાં ગિરિબાલા સિંહ તપાસમાં સહકાર આપી રહ્યા નહોતા. ટ્વિશાને આપવામાં આવતા માનસિક ત્રાસની સાબિતી આપતી વોટ્સએપ ચેટ્સ પણ સામે આવી છે. આ તમામ તથ્યોને આધારે કોર્ટે જામીન આપવાનો ઈનકાર કર્યો છે અને હવે કસ્ટોડિયલ પૂછપરછ અંગેનો નિર્ણય CBI પર છોડવામાં આવ્યો છે.
પુરાવા સાથે છેડછાડની આશંકા: સાસુ નિવૃત્ત જજ
આ કેસમાં એક મોટો ખુલાસો એ પણ થયો છે કે આરોપી સાસુ ગિરિબાલા સિંહ નિવૃત્ત ન્યાયિક અધિકારી છે. તેઓ સાયબર ક્રાઇમ, સાયબર ફોરેન્સિક્સ અને ક્રાઇમ સીન મેનેજમેન્ટમાં વિશેષ તાલીમ ધરાવે છે. હાઇકોર્ટે આ બાબતની પણ ગંભીર નોંધ લીધી હતી કે તેઓ પોતાની આ કુશળતાનો ઉપયોગ પુરાવાઓનો નાશ કરવા અથવા તપાસ ભટકાવવા માટે કરી શક્યા હોત.
બીજી તરફ, ટ્વિશાના પતિ અને વકીલ સમર્થ સિંહ પર દહેજ ઉત્પીડનના ગંભીર આક્ષેપો છે. સમર્થ ઘટના બાદ 10 દિવસ સુધી ફરાર રહ્યો હતો અને ગયા અઠવાડિયે જ તેણે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.
CBIએ નોંધી નવી FIR, 2 લાખની માંગણીનો આક્ષેપ
ગત 12 મેના રોજ ટ્વિશા શર્માનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. સોમવારે જ CBIએ સત્તાવાર રીતે આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી છે અને રાજ્ય પોલીસની એફઆઈઆરના આધારે નવેસરથી ગુનો દાખલ કર્યો છે. CBIની FIR મુજબ, ગિરિબાલા સિંહે ટ્વિશાના પરિવાર પાસે તે ઘરે જતી વખતે ₹2 લાખની માંગણી કરી હતી, જે પીડિત પરિવારે મજબૂરીમાં ચૂકવી પણ દીધી હતી.
કોર્ટની સુનાવણી દરમિયાન ટ્વિશાના પરિવારના વકીલોએ દલીલ કરી હતી કે દીકરી સતત માનસિક અને શારીરિક ત્રાસનો ભોગ બની રહી હતી. હાઈકોર્ટે પણ સ્વીકાર્યું કે તપાસના પ્રથમ દિવસથી જ માતા-પિતા અને સંબંધીઓના નિવેદનોમાં પતિ સમર્થ અને સાસુ ગિરિબાલા દ્વારા ટ્વિશાને હેરાન કરવામાં આવતી હોવાના એકસરખા આક્ષેપો છે.
