Tvisha Sharma Death Case: મોત પહેલા પતિ સાથે થયો હતો ઝઘડો, મેસેજમાં લખ્યું - "મારો દમ ઘૂંટાઈ રહ્યો છે માં"

પોલીસે મૃતક ત્વિષા શર્માના પતિ સમર્થ સિંહની પૂછપરછ કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 24 May 2026 01:18 PM (IST)Updated: Sun, 24 May 2026 01:18 PM (IST)
tvisha-sharma-death-case-husband-samarth-singh-arrested-clarification
HIGHLIGHTS
  • ત્વિષા શર્માની પ્રેગ્નન્સીને લઈને ખુલાસા
  • મોત પહેલા પતિ સાથે થયો હતો ઝઘડો

Tvisha Sharma Death Case: ત્વિષા શર્માના મોતના કેસમાં હવે નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ પૂછપરછમાં મૃતક ત્વિષા શર્માના પતિ સમર્થ સિંહે જણાવ્યું કે, પ્રેગ્નન્સીની પુષ્ટિ થયા બાદ ત્વિષાનું વર્તન બદલાઈ ગયું હતું. ત્વિષાના મોત પહેલા તેમની વચ્ચે અજમેર પ્રવાસને લઈને ઝઘડો પણ થયો હતો.

પ્રેગ્નન્સી અને અજમેર પ્રવાસને લઈને ઝઘડો

પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક ત્વિષા શર્માના પતિ સમર્થ સિંહે જણાવ્યું કે, 17 એપ્રિલના રોજ ગર્ભધારણની પુષ્ટિ થયા પછી ત્વિષાના વર્તનમાં બદલાવ આવ્યો હતો. ત્વિષાના મોતના થોડા કલાકો પહેલાં જ, બંને વચ્ચે રાજસ્થાનના અજમેર જવા અંગે ઉગ્ર ઝઘડો થયો હતો.

રિપોર્ટ મુજબ, ત્વિષા શર્મા અને તેની માતા વચ્ચે થયેલા મેસેજના આદાનપ્રદાનમાં પ્રેગ્નન્સીના તણાવ અને સાસરીના અત્યંત ખરાબ માહોલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્વિષાએ પોતાના માતા-પિતાને વારંવાર વિનંતી કરી હતી કે તેઓ તેને ત્યાંથી લઈ જાય, અને એક મેસેજમાં તો તેણે ત્યાં સુધી લખ્યું હતું કે, "મારો દમ ઘૂંટાઈ રહ્યો છે માં."

મોતની રાત્રે શું થયું? ત્વિષાના ભાઈનો ખુલાસો

ભારતીય સેનામાં અધિકારી અને ત્વિષાના ભાઈ મેજર હર્ષિત શર્માએ જણાવ્યું કે, મોતની રાત્રે 10:05 વાગ્યે ત્વિષાએ માતાને ફોન કરીને આપવીતી જણાવી હતી. પરંતુ, વાતચીત દરમિયાન જ તેનો પતિ રૂમમાં આવતા તેણે અચાનક ફોન કાપી નાખ્યો હતો.

ત્યારબાદ પરિવારે ત્વિષા, સમર્થ અને તેની સાસુનો સંપર્ક કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો ન હતો. છેવટે થોડા કલાકો પછી સાસુ ગિરિબાલા સિંહે ફોન પર ત્વિષાના મોતના સમાચાર આપ્યા હતા.

સમર્થ સિંહ રિમાન્ડ પર, કોઈ પસ્તાવો નહીં

જે દિવસથી ત્વિષાનો મૃતદેહ મળ્યો હતો, ત્યારથી તેનો પતિ સમર્થ સિંહ ફરાર હતો. જબલપુરમાં સરેન્ડર કરવા પહોંચે પહેલાં જ સમર્થની ધરપકડ કરી તેને ભોપાલ લાવવામાં આવ્યો, અને હાલમાં તે 7 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન શનિવારે તેની લગભગ બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

શુક્રવારના રોજ કોર્ટની સુનાવણી દરમિયાન સમર્થ સિંહના ચહેરા પર કોઈ પસ્તાવો કે ગભરામણના ચિહ્નો જોવા મળ્યા નહોતા. સમર્થ સિંહ એકદમ શાંત અને સીધો ઊભો રહ્યો હતો, જેણે ત્યાં હાજર સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

સાસુ ગિરિબાલાને આગોતરા જામીન

વકીલ દ્વારા દાખલ કરાયેલી સમર્થ સિંહની આગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી દીધી છે. બીજી તરફ, તેની માતા (ત્વિષાની સાસુ) ગિરિબાલા સિંહને ધરપકડ પહેલા આગોતરા જામીન મળી ગયા છે. જોકે, ગિરિબાલા સિંહ પર પોલીસની નોટિસોને અવગણવાનો અને પોતાની વહુના મોતના કેસની તપાસમાં સહકાર ન આપવાનો ગંભીર આરોપ છે.