વડોદરામાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપાયું, એક યુવકની ધરપકડ: મધ્યપ્રદેશના શખ્સે આપી હતી માસ્ટર ID

પોલીસ તપાસમાં માસ્ટર ID આપનાર સુલતાન ખાનનું નામ સામે આવ્યું છે, જે મધ્યપ્રદેશના રાજગઢનો રહેવાસી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 22 Nov 2026 05:38 PM (IST)Updated: Sun, 22 Nov 2026 05:38 PM (IST)
vadodara-online-cricket-betting-racket-busted-lcb-police-team-arrested-one-accused

Vadodara Cricket Betting Racket: વડોદરા LCB પોલીસ ઝોન 4 ટીમે મચ્છીપીઠ નાકા પાસેથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસે મોહમંદ અમ્માર શેખ નામના 21 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. તેની પાસેથી ₹20 લાખના બેલેન્સવાળી ક્રિકેટ સટ્ટાની 2 માસ્ટર આઈડી મળી આવી છે. પોલીસે આશરે ₹1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને 4 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.

બાતમીના આધારે LCB ટીમનો દરોડો

વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ઝોન-4 પોલીસ ટીમે મચ્છીપીઠ નાકા પાસેથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના જુગારનું રેકેટ ઝડપી પાડ્યું છે. વડોદરા LCB પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી કે, મોહમંદ અમ્માર સફીકભાઈ શેખ મચ્છીપીઠ નાકા પાસે પોતાના ઓળખીતા પાસેથી મેળવેલી ક્રિકેટ સટ્ટાની આઈડી મારફતે ઓનલાઈન સટ્ટો રમી રહ્યો છે, અને અન્ય લોકોને પણ રમાડી રહ્યો છે.

2 માસ્ટર ID સાથે એક યુવકની ધરપકડ

બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરી 21 વર્ષીય મોહમંદ અમ્માર શેખને ઝડપી પાડ્યો હતો. આરોપી કારેલીબાગના નિસાત કોમ્પલેક્ષ ખાતે રહે છે. પોલીસે આરોપીના મોબાઈલ ફોનની તપાસ કરતા ક્રિકેટ સટ્ટાની 2 માસ્ટર આઈડી મળી આવી હતી. તપાસ દરમિયાન આ બંને આઈડીમાં કુલ ₹20 લાખનું બેલેન્સ હોવાનું સામે આવ્યું હતું.

આ સમગ્ર મામલે પોલીસે આરોપી પાસેથી કુલ 1,70,390 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં બર્ગમેન મોપેડ, 2 મોબાઈલ ફોન, રોકડ રકમ, G-Pay ટ્રાન્ઝેક્શનની નકલો અને ક્રિકેટ સટ્ટાની ID ના સ્ક્રીનશોટની નકલો સામેલ છે

સુલતાન ખાન સહિત 4 આરોપીઓ વોન્ટેડ

પોલીસ તપાસમાં માસ્ટર ID આપનાર સુલતાન ખાનનું નામ સામે આવ્યું છે, જે મધ્યપ્રદેશના રાજગઢનો રહેવાસી છે. આ ઉપરાંત અન્ય 3 વ્યક્તિને પણ આ કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આ ચારેય આરોપીઓને ઝડપી પાડવા સહિત સમગ્ર મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • સુલતાન ખાન (રહે. રાજગઢ, મધ્યપ્રદેશ)
  • તોસીફ માજીદ શેખ (રહે. જંબુસર, ભરૂચ)
  • ફૈઝલ ઈકબાલ મલેક (રહે. જેતલપુર, વડોદરા)
  • ગુલામ રસુલ ઉર્ફે મુન્ના ચાચુ મલેક (રહે. પાદરા, વડોદરા)