TCS Nashik Nida Khan investigation: TCS-નાસિક બ્રાન્ચમાં તાજેતરમાં સામે આવેલા ધર્માંતરણ અને યૌન ઉત્પીડનના ગંભીર આરોપોને લઈને પોલીસ તપાસ ચાલી રહી છે. આ વિવાદ વચ્ચે TCS કંપનીએ શુક્રવારે નિવેદન આપતા જણાવ્યું છે કે તેમને આ મામલે આંતરિક સ્તરે કોઈ પણ પ્રકારની ફરિયાદ મળી ન હતી.
તપાસ માટે નિગરાની સમિતિની રચના
આ મામલાની ગંભીરતાને જોતા TCS દ્વારા એક નિગરાની સમિતિની રચના કરવામાં આવી છે, અને આંતરિક તપાસમાં બહારની સંસ્થાઓને પણ સામેલ કરવાની જાહેરાત કરી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સ્વતંત્ર ડિરેક્ટર કેકી મિસ્ત્રી આ નિગરાની સમિતિના અધ્યક્ષ રહેશે. મુખ્ય સંચાલન અધિકારી (COO) આરતી સુબ્રમણ્યનના નેતૃત્વમાં આંતરિક તપાસનો રિપોર્ટ અને ભલામણો અમલીકરણ માટે આ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે.
નિદા ખાન અંગે કંપનીનો ખુલાસો
આ કેસમાં ચર્ચામાં આવેલા નિદા ખાન નામના કર્મચારી અંગે કંપનીએ સ્પષ્ટતા કરી છે કે નિદા ખાન HR મેનેજર નથી. કંપનીના જણાવ્યા મુજબ, તે માત્ર એક પ્રોસેસ એસોસિએટ છે અને તેણે કંપનીમાં ક્યારેય કોઈ નેતૃત્વની ભૂમિકા ભજવી નથી.
શું છે યૌન ઉત્પીડનનો સમગ્ર મામલો?
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક મહિલાએ પોતાના સહકર્મી દાનિશ શેખ પર ગંભીર આરોપ લગાવ્યો કે તેણે 2022માં લગ્નનું ખોટું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા, જ્યારે દાનિશ પહેલાથી જ પરણીત હતો. પોલીસ રિપોર્ટ મુજબ, નિદા ખાન એ મુખ્ય આરોપી દાનિશ શેખની બહેન છે.
આ પણ વાંચો: Nashik TCS Case: "તે ફરાર નથી, પ્રેગ્નેન્ટ છે-HR પણ નહોતી", નિદા ખાનના પરિવારે કર્યા ખુલાસા
રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે નિદા ખાને કથિત રીતે પીડિતાના ધર્મ વિશે અપમાનજનક ટિપ્પણી કરી અને તેના પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, નિદા ખાન અને તૌસીફ અખ્તર નામના અન્ય એક વ્યક્તિ પર આરોપ છે કે તેઓએ મળીને પીડિતાથી દાનિશના પહેલાથી પરણિત હોવાની વાત છુપાવી હતી.
અન્ય સાત મહિલાઓ પણ આવી સામે
જેવી પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી, કે તરત જ અન્ય 7 મહિલાઓ પણ સામે આવી હતી. આ મહિલાઓએ દાવો કર્યો છે કે ફેબ્રુઆરી 2022 થી માર્ચ 2026 ની વચ્ચે તેમના વરિષ્ઠ સહકર્મીઓએ તેમનું માનસિક અને યૌન ઉત્પીડન કર્યું હતું. ઉપરાંત કંપની દ્વારા તેમની ફરિયાદોને સતત નજર અંદાજ કરવામાં આવી હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસ અને કંપનીની આંતરિક સમિતિ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
