Nashik TCS Case: "તે ફરાર નથી, પ્રેગ્નેન્ટ છે-HR પણ નહોતી", નિદા ખાનના પરિવારે કર્યા મોટા ખુલાસા

ગયા વર્ષે લગ્ન થયા બાદ નિદાખાન પતિ સાથે રહેવા મુંબઈ જતી રહી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 17 Apr 2026 04:54 PM (IST)Updated: Fri, 17 Apr 2026 04:54 PM (IST)
nashik-tcs-case-accused-nida-khan-family-clarification-on-job-and-role
HIGHLIGHTS
  • નિદા ખાનનો પરિવાર સામે આવ્યો
  • કહ્યું 'તે ફરાર નથી, HR પણ નહોતી'
  • નાસિક TCS કેસમાં આરોપી નિદા

Nashik TCS Case Accused Nida Khan: મહારાષ્ટ્રના નાસિકમાં સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) ઓફિસના BPO માં ઉત્પીડન અને ધાર્મિક દબાણના મામલામાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં આરોપી નિદા ખાનના પરિવારે મીડિયા સામે આવીને દાવાઓને નકારી કાઢતા કહ્યું કે, નિદા ફરાર નથી, પરંતુ તે મુંબઈમાં પોતાના ઘરે છે અને ગર્ભવતી છે.

HR મેનેજર નહીં, માત્ર ટેલિ-કોલર !

સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર એવા વ્યાપક દાવા કરવામાં આવી રહ્યા હતા કે નિદા ખાન HR વિભાગમાં કામ કરતી હતી, પરંતુ તેના પરિવારે આ વાતને સદંતર નકારી કાઢી છે. પરિવારે સ્પષ્ટ કર્યું કે, નિદા ડિસેમ્બર 2021 માં BPO માં જોડાઈ  અને તે સેલ્સ ટીમનો હિસ્સો હતી, જ્યાં તેનું પદ માત્ર ટેલિ-કોલરનું હતું.

પરિવારે કહ્યું કે, તે કોઈ સિનિયર કર્મચારી નહોતી અને ક્યારેય HR ટીમ સાથે જોડાયેલી નહોતી. તેના નાના ભાઈએ ખુલાસો કર્યો છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી નિદાની તસવીર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી લેવામાં આવી છે, અને તેમાં 'HR Head' નું પદ અલગથી ઉમેરવામાં આવ્યું છે.

પિતાને નોકરી મોકલવા પર પસ્તાવો

લાકડાનો વેપાર કરતા નિદા ખાનના પિતાએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, તેમને શરૂઆતમાં દીકરીને મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળવા પર ગર્વ હતો, પરંતુ હવે તેમને તેને કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા પર પસ્તાવો થઈ રહ્યો છે.

પિતાના જણાવ્યા અનુસાર, તેમની દીકરી સંપૂર્ણપણે નિર્દોષ છે અને માત્ર લોકોને 'હાય' અને 'બાય' કહેવાના કારણે જ તે મુસીબતમાં ફસાઈ ગઈ છે. તેમની પુત્રી વિશે કહેવામાં આવતી વાતો ખોટી છે અને આ પરિસ્થિતિને કારણે નિદાની માતા બીમાર પડી ગયા છે.

MBA અભ્યાસ-મુંબઈમાં કામગીરી

નિદા ખાને કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે, અને હાલ તે નોકરીની સાથે સાથે કોરેસ્પોન્ડન્સ દ્વારા MBA નો અભ્યાસ પણ કરી રહી છે. નિદાના કાકાએ માહિતી આપી કે, ગયા વર્ષે તેના લગ્ન થયા બાદ તે આ વર્ષે જાન્યુઆરીમાં પોતાના પતિ સાથે રહેવા મુંબઈ જતી રહી હતી. 9 એપ્રિલના રોજ સસ્પેન્ડ થતા પહેલા તે કંપનીના મલાડ સ્થિત BPO માં કામ કરી રહી હતી.

આ કેસમાં 8 કર્મચારીઓ પર કથિત રીતે બળાત્કાર, જાતીય સતામણી, ધાર્મિક દબાણ અને અન્ય પ્રકારના ઉત્પીડનના ગંભીર આક્ષેપો છે. આ પૈકી 7 લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને પોલીસ નિદા ખાનને ફરાર માની રહી છે.