Crime News: પતિએ આડાસબંધની શંકાએ ગળું ઘોંટી પત્નીને મોતને ઘાટ ઉતારી, લાશ ડ્રમમાં ભરી ખાડો ખોદી દાટી દીધી

પત્ની રિસાઈને પિયર ગઈ અને છૂટાછેડા લેવા વિચારી રહી હોવાનું કહ્યું, પરંતુ માતા-પિતાએ સમજાવીને પાછી મોકલી મોટી ભૂલ કરી. બે મહિનાથી ગુમ થયેલી પ્રિયાની લાશ જ હાથ લાગી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 22 Oct 2025 07:20 PM (IST)Updated: Wed, 22 Oct 2025 07:20 PM (IST)
tamil-nadu-crime-news-husband-killed-wife-due-to-extramarital-affair
HIGHLIGHTS
  • તમિલનાડુના તિરુવલ્લુરની ઘટનાએ મેરઠ હત્યાકાંડની યાદ તાજી કરાવી

Crime News: ઉત્તર પ્રદેશના મેરઠ હત્યાકાંડ જેવો ચોંકાવનારો બનાવ હવે દક્ષિણ ભારતના તમિલનાડુમાંથી સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ આડાસબંધની શંકામાં પોતાની પત્નીની જ નિર્દયતાથી હત્યા કર્યા બાદ તેની લાશને ડ્રમમાં ભરીને દાટી દીધી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પતિની ઓળખ 30 વર્ષીય સિલંબરાસન તરીકે થઈ છે. જેણે પોતાનો ગુનો કબૂલતા જણાવ્યું કે, ગત 14 ઓગસ્ટના રોજ તેણે પત્નીનું બેરહેમીથી ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આ અંગે તિરુવલ્લુના એસ.પી. વિવેકાનંદ શુક્લાએ જણાવ્યું કે, મૃતકની ઓળખ 26 વર્ષીય પ્રિયા તરીકે થઈ છે. હાલ તો પોલીસે મૃતદેહનો કબજો મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રિયાના પિતાએ પોતાની દીકરી ગુમ થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસમાં સમગ્ર હત્યાકાંડનો ભાંડો ફૂટ્યો છે.

આરોપી સિલંબરાસન પોતાની પત્ની પ્રિયાના અન્ય પુરુષો સાથે આડાસબંધ હોવાની આશંકા કરતો હતો. જેના કારણે બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ગત 14 ઓગસ્ટના રોજ પણ આજ બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી સિલંબરાસને પ્રિયાની હત્યા કરીને તેની લાશને ડ્રમમાં ભરી દીધી હતી. જે બાદ લાશ ભરેલુ ડ્ર્મ ઘરથી 3 કિલોમીટર દૂર લઈ જઈ ખાડો ખોદીને દાટી દીધુ હતુ.

હત્યાના થોડા દિવસ પહેલા જ પ્રિયા પોતાના પિયર ગઈ હતી, જ્યાં તેણે માતા-પિતાને જણાવ્યું હતું કે, સિલંબરાસન આડાસબંધની શંકા રાખીને મારઝૂડ કરે છે. હવે તે સિલંબરાસન સાથે છૂટાછેડા લેવાનું વિચારી રહી છે. જો કે પરિવારે પ્રિયાને સમજાવીને પાછી પતિના પાસે મોકલી દીધી હતી.

પ્રિયા અને સિલંબરાસનને બે સંતાનો પણ છે. જેમણે પ્રિયાના પિતાને જણાવ્યું હતું કે, છેલ્લા 2 મહિનાથી તેમની માતા ઘરમાંથી ગુમ થઈ ગઈ છે. આથી પિતાએ તાત્કાલિક પોલીસને ફરિયાદ કરી હતી. જેમાં તેમણે પોતાના જમાઈ સિલંબરાસન પર આશંકા વ્યક્ત કરી હતી. જેથી પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં સિલંબરાસન ભાંગી પડ્યો હતો.

હાલ તો પોલીસે પ્રિયાના મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. જ્યારે હત્યારા સિલંબરાસન વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને કોર્ટમાં રજૂ કરતાં તેને 15 દિવસના રિમાન્ડ પર મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે.