Onion Price News: કેન્દ્ર સરકારે ડુંગળીના ભાવને અંકૂશમાં લેવા માટે તેના બફર સ્ટોકનો ઉપયોગ શરૂ કર્યો છે. ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ રવિવારે માહિતી આપી હતી કે સબસિડી હેઠળ વેચાણ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 4,000 ટન બફર સ્ટોક હેઠળની ડુંગળીનું 17 જેટલા રાજ્યોમાં વેચાણ કરવામાં આવી ચુક્યું છે.
કેન્દ્ર સરકાર પારે વર્ષ 2026 માટે નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન(NCCF) અને નેફેડ મારફતે 1.21 લાખ ટન ડુંગળીના બફર સ્ટોક રહેલો છે. આ સ્ટોકને તે શહેરોમાં પહોંચાડવામાં આવી રહ્યો છે કે જ્યાં ડુંગળીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે.
આ ડુંગળીના સ્ટોકને ટ્રકો અને રેલવે મારફતે રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે. જે ટ્રેન મારફતે આ સ્ટોક મોકલવામાં આવી રહ્યો છે તે સ્પેશિયલ ટ્રેનનું નામ કાંદા એક્સપ્રેસ છે. સરકાર ચોક્કસ એવા શહેરોમાં જ ડુંગળી પ્રતિ કિલો રૂપિયા 35 કિંમતથી વેચાણ કરી રહી છે કે જ્યાં કિંમતોને લઈ વધારે દબાણ છે. કાંદા એક્સપ્રેસ મારફતે દિલ્હી અને ચેન્નઈ સુધી ડુંગળીની મોટી ખેપ પહોંચાડવામાં આવી છે. હવે ત્રીજી રેલ રેકમાં ડુંગળી લોડ કરવામાં આવી રહી છે, જે આગામી દિવસોમાં ગુવાહાટી મોકલવામાં આવશે.
NCCF દિલ્હી-NCR, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, પંજાબ અને ઓડિશા સહિત અનેક એવા રાજ્યોમાં રિટેલ વેચાણ કરવામાં આવી રહ્યું છે. તે માટે સ્ટોર, મોબાઈલ વાન, કોઓપરેટિવ સોસાયટી અને સ્થાનિક વહિવટીતંત્ર મારફતે અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
