Vadodara: હાલોલ રોડ અકસ્માતમાં એકનું મોત, મુંબઈના ડોક્ટર પરિવારની બેકાબુ કાર ડિવાઈડર સાથે ભટકાયા બાદ ઉછળીને ઝાડ પર ઊંધી લટકી

મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગ માટે ઉત્તર પ્રદેશ જઈ રહ્યો હતો, ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ભટકાઈ ઉલળી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 22 Oct 2025 06:46 PM (IST)Updated: Wed, 22 Oct 2025 06:46 PM (IST)
vadodara-news-1-killed-in-xuv-car-accident-on-halol-road
HIGHLIGHTS
  • પોલીસે સ્થાનિકોની મદદથી દોરડાની મદદથી કારને ઝાડ પરથી નીચે ઉતારી
  • અકસ્માતના પગલે ટ્રાફિક જામ, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

Vadodara: વડોદરા જિલ્લામાંથી પસાર થતાં હાલોલ રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ જતી XUV કાર ધડાકાભેર ડિવાઈડર સાથે ભટકાયા બાદ ઝાડ પર ઊંધી લટકી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એકનું મોત નીપજ્યું છે, જ્યારે 4 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મહારાષ્ટ્રના મુંબઈમાં રહેતો એક ડૉક્ટર પરિવાર લગ્ન પ્રસંગ માટે XUV કારમાં ઉત્તર પ્રદેશ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેમની કાર વડોદરા-હાલોલ રોડ પર આવેલ જરોદ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

જેથી બેકાબુ બનેલી કાર ધડાકાભેર ડિવાઈડર સાથે ભટકાઈની હવામાં ઉછળીને નજીકના ઝાડ પર ઊંધી લટકી ગઈ હતી. આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ બનાવની જાણ થતાં જરોદ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

naidunia_image

જેમાં મજબૂત દોરડાની મદદથી ખેંચીને ઝાડ પર લટકેલી કારને નીચે ઉતારવામાં આવી હતી. આ અકસ્માતમાં કારનો ભુક્કો બોલી ગયો હતો. જ્યારે કારમાં સવાર મજહરુદ્દીન અન્સારી (ઉં.વ.51, રહે. મોગરાપાડા, અંધેરી ઈસ્ટ, મુંબઈ)ને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ચાર ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

આ મામલે મૃતકના પુત્ર ફહીમ અહેમદ અન્સારીએ જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.